Abtak Media Google News

એક ગામડામાં ગામના ચોરે વડલા નું મોટું ઝાડ હતું. બે મહિનાથી રાતના સમયે લોકો ત્યાંથી પસાર થાય ત્યારે તેમને કોઈના રડવાનો અવાજ આવતો. મોટે ભાગે લોકો રાત પડે એ પહેલાંજ પોતાના ઘરે આવી જાય જેથી કરીને એ વડલાના ઝાડ પાસેથી પસાર ન થવું પડે. આ સિવાય દર શનિવારે રાત્રે 9 વાગ્યા પછી કોઈપણ વ્યક્તિ ગામમાં દેખાય નહીં. દરવાજા બંધ કરીને અંદર જ રહે. આખું ગામ સુમસાન નજરે પડતું. આ દિવસે નવ વાગ્યા પછી જે કોઈ પણ પુરુષ ઘરની બહાર નીકળતો એ ગાયબ થઈ જતો. ક્યારેય બીજી વાર એ પુરુષ જોવા મળે નહીં. લોકોમાં ડરનો માહોલ હતો તેથી ગમે તેવું જરૂરી કામ હોય તો પણ શનિવારે રાત્રે 9 વાગ્યા પછી કોઈ પણ પુરુષ ઘરની બહાર નીકળતો નહીં. ઘણા પુરુષ 2 મહિનામાં ગાયબ થઇ ગયા હતા.

સવારના સમયે ગામમાં બધા લોકો આમતેમ આંટા મારતા નજરે પડે, દુકાનો ખુલ્લી હોય, લોકો શાકભાજી ખરીદતા અને વહેંચતા જોવા મળે, વાડીએ જતા જોવા મળે, છોકરાઓ રમતા જોવા મળે, વડીલો ગામના ચોરે વાતો કરતા જોવા મળે. દિવસના સમયે એવું લાગતુંજ નહીં કે આ ગામમાં ડરનો માહોલ હશે.

એક વાર શુક્રવારે રાતે એક ભાઈ ગામમાંથી પસાર થયા. આ ભાઈ બાજુના ગામમાં રહેવા આવ્યા હતા અને નવા હોવાથી તેને આ ગામના ઝાડ વિશે કંઈ ખબર ન હતી. એ ભાઈ તે ઝાડ પાસેથી પસાર થયા અને કોઈના રડવાનો અવાજ આવ્યો. અવાજ થોડો અજીબ પ્રકારનો હતો અને મોટેથી આવી રહ્યો હતો. એ ભાઈને ડર લાગ્યો અને ત્યાંથી ભાગ્યા. તે દૂર સુધી દોડ્યા અને તેને લાગ્યું કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. તે ભાઈ તેની સાયકલ છોડીને ભાગી ગયા અને બીજે દિવસે શનિવારની રાત હતી. એજ સમયે તેમને આવવાનું થયું અને ફરી પાછો એ જ રસ્તો અને એજ ઝાડ પાસેથી પસાર થયા અને એવોજ રડવાનો અવાજ સાંભળ્યો અને તે ભાઈ ત્યાં ઝાડ પાસે નજીક જોવા ગયા તો એક લાલ સાડી પહેરીને સ્ત્રી બેઠી હતી. એના વાળ છુટ્ટા હતા અને જોર જોરથી રડી રહી હતી. તે ભાઈ નજીક ગયા અને પૂછ્યું કે તમે કેમ રડી રહ્યા છો?

એ સ્ત્રી બોલી આ ગામના 3 લોકોએ મારી સાથે દુષ્કર્મ કરીને મારા પુરા પરિવારને જીવતા સળગાવી દીધો. જે દિવસે મારી સાથે આ બધું થયું તે દિવસે શનિવાર હતો અને રાતના 9 વાગ્યા હતા એટલે હું શનિવારે રાત્રે 9 વાગ્યે ગામમાં જે કોઈ પુરુષ દેખાય તેને મારી નાખું છું. આવું કરવાથી મારા મનને શાંતિ મળે છે અને હું મારા પરિવારનો બદલો લઈ રહી છું.

એ સ્ત્રી બોલી કે હું તમને નહીં મારું કેમ કે તમે આ ગામના નથી. તમે મારી વાત આ ગામના લોકો સુધી પહોંચાડજો કે હું આ ગામના કોઈ પણ પુરુષને છોડીશ નહીં. દરેક પુરુષને હું મારી નાખીશ. થોડા વર્ષોમાં એ સ્ત્રીએ બધા જ પુરુષો ને મારી નાખ્યા અને ગામમાં કોઈ પણ પુરુષ બચ્યું નહીં. પોતાનો બદલો પૂરો કર્યો અને તેની આત્માને શાંતિ મળી. ત્યાર પછી ક્યારેય એ સ્ત્રી ગામમાં દેખાણી નહીં કે ઝાડ પાસેથી તેનો રડવાનો અવાજ પણ આવ્યો નહીં. ફરીથી લોકો રાતે બહાર નીકળવા લાગ્યા અને લોકો માંથી ડર ગાયબ થઈ ગયો.

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.