Abtak Media Google News

ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી નિર્માણ, જરૂરી વસ્તુઓ સમયસર મળી રહે અને ઉત્પાદન એકમો પણ ધમધમી ઉઠે તે માટેની તૈયારીઓ કરતી કેન્દ્ર સરકાર

કોરોનાને રોકવા માટે દેશભરમાં લોકડાઉનની અવધી વધારીને ૩ મે સુધી કર્યા બાદ સરકાર ઈ-કોમર્સ, બાંધકામ, કૃષિ અને કેટલાક ઉદ્યોગ ક્ષેત્રને ફરીથી સંચાલીત કરવા માટે છુટછાટ આપવાની તૈયારીઓ થઈ રહી છે. આવા સમયે શું ખુલ્લુ કરાશે ?, શું બંધ રહેશે ? અને કેવી રીતે ખુલ્લુ કરાશે ? તેવા પ્રશ્ર્નો લોકોમાં ઉઠી રહ્યાં છે. ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ પરથી આ પ્રશ્ર્નોના જવાબ મળી રહ્યાં છે.

વિગતો મુજબ આગામી તા.૨૦ એપ્રીલથી આંતરરાજ્ય ટ્રાન્સપોર્ટ શરૂ થઈ જશે. જીવન જરૂરી વસ્તુઓની હેરાફેરી થવા લાગશે. આ ઉપરાંત હાઈવે પરના ધાબા (હોટેલો) ખુલી જશે. ટ્રક રીપેરીંગ કરવાના ગેરેજ પણ ખુલ્લા રહી શકશે. ફાર્મા સ્યુટીકલ્સ અને મેડિકલ ક્ષેત્રના સાધનોના ઉત્પાદન સાથે સંકળાયેલા યુનિટો પણ સંચાલીત થઈ જશે. ગ્રામ્ય અર્થતંત્રને બેઠુ કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાપિત ઉદ્યોગીક એકમો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત માર્ગના ક્ધટ્રકશનનું કામ પણ ધમધમી ઉઠશે. સિંચાઈના પ્રોજેકટ પણ શરૂ થઈ જશે. મનરેગા હેઠળ થઈ રહેલા કામને વેગ મળશે. પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં ફરીથી લોકોને રોજગારી મળશે તેવી અપેક્ષા સરકારની છે.

સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર એસઈઝેડ, ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવ્યા બાદ ઉત્પાદન એકમો ફરીથી શરૂ કરી શકાશે. આઈટી હાર્ડવેર અને જીવન જરૂરીયાતની વસ્તુઓ તેમજ પેકેજીંગ સેકટરના યુનિટોને પરવાનગી આપવામાં આવશે. સરકાર ટૂંક સમયમાં કોલસા અને ખનીજની ખાણો ફરીથી શરૂ કરવાની મંજૂરી આપશે. આ ઉપરાંત ઓઈલ પ્રોડકશન પણ શરૂ કરાશે. બેંક, એટીએમ, કેપીટલ માર્કેટ અને ઈન્સ્યોરન્સ કંપનીઓ અગાઉની જેમ ધમધમતી રહેશે.

વર્તમાન સમયે ડિજીટલ ઈકોનોમી દેશના અર્થતંત્રમાં ખુબજ મહત્વનો ભાગ ભજવી રહી છે. તેમજ ઈ-કોમર્સ, આઈટી અને આઈટી સાથે સંલગ્ન સેવાઓ, કોલ સેન્ટરો પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યાં છે. ઓનલાઈન શિક્ષણની સાથો સાથ ડિસ્ટન્સ લર્નીંગને પણ આગામી સમયમાં મંજૂરી મળવા જઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની મહત્વની ગતિવિધિઓ સાથે સંકળાયેલી કચેરીઓ પણ શરૂ થશે. ફૂડ અને કરિયાણા સાથે સંકળાયેલી સપ્લાય ચેનને બરકરાર રખાશે. આ ઉપરાંત ઈ-કોમર્સ સેકટરને ડિલેવરી માટે રાહત અપાશે. શહેરી વિસ્તારોની બહાર હોય તેવા ઈન્ડસ્ટ્રીયલ એકમો શરૂ થશે. રોડ, બિલ્ડીંગ અને સિંચાઈને લગતા બાંધકામ પ્રોજેકટ ફરીથી ધમધમશે. સેલ્ફ એમ્પલોઈડ હોય તેવી વ્યક્તિ કુરીયર સર્વિસ ચલાવી શકશે. ઉપરાંત પલમ્બર, ઈલેકટ્રીશીયન તેમજ આઈટીને લગતા ઈક્વિપમેન્ટ રીપેરીંગ કરનારને છુટછાટ અપાશે. કૃષિ સેકટરમાં બહોળા પ્રમાણમાં છુટછાટો અપાશે.

અલબત વિવિધ સેકટરમાં આગામી તા.૨૦ એપ્રીલથી મળનારી છુટછાટ મુદ્દે કેટલાક ધારા-ધોરણો પણ અનુસરવા પડશે. કર્મચારીઓ માટે ટેમ્પરેચર સ્ક્રીનીંગ ફરજિયાત રાખવું પડશે. બે શિફટ વચ્ચે એક કલાકનો ગેપ રાખવો પડશે. જો મીટીંગ ગોઠવવાની હોય તો ૧૦ થી વધુ કર્મચારી હાજર રહી શકશે નહીં અને દરેક કર્મચારી વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવું ફરજિયાત રહેશે. સંસ્થાની લીફટમાં ૨ થી ૪ લોકો જ ઉપયોગ કરી શકશે.

  • ૨૫ રાજ્યોના ૧૭૦ જિલ્લાઓ કોરોનાના હોટસ્પોટ જાહેર

દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દેશના ૨૫ રાજયોનાં ૧૭૦ જિલ્લાઓ કે જયાં કોરોનાના દર્દીઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેને કોરોનાના હોટ સ્પોટ તરીકે જાહેર કરાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ કોરોનાના હોટ સ્પોટમાં દેશના છ મેટ્રો સીટીઓ દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નઈ, બેંગ્લુરૂ અને હૈદ્રાબાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ભોપાલા, ગુરૂગ્રામ, નોઈડા, ફરિદાબાદ જેવા મોટા દેશોને પણ હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં દેશનાં ૨૦૭ જિલ્લાઓ કે જયાં કોરોનાના કેસોની સંખ્યા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. પરંતુ આ જિલ્લાઓમાં કોરોનાના કેસો વધવાની સંભાવના છે તેવા ૨૦૭ જિલ્લાઓને નોન હોટસ્પોટ જાહેર કરાયા છે. પરંતુ આ જિલ્લાઓને શંકાસ્પદ ગણાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતુ કે કોરોના વાયરસના કેસોને શોધવા થયેલા ડોય-ટુ-ડોર સર્વે બાદ તેના આંકડાઓ મુજબ દેશના ૧૭૦ જિલ્લાઓને હોટસ્પોટ જયારે ૨૦૭ જિલ્લાઓને નોન હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં કોરોના વાયરસ હજુ ત્રીજા તબકકામાં પહોચ્યો નથી હાલમાં જે નવા કેસો બહાર આવી રહ્યા છે. તેને સ્થાનિક રીતે ચેપ લાગવાના કારણે કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. દેશમાં કોરોનાના સંક્રમિત દર્દીઓમાં ૧૧.૪૧ ટકા દર્દીઓ સાજા થઈ જવા પામ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દરેક રાજય અને કેન્દ્ર શાસીત પ્રદેશોને કોરોના વાયરસના કેસોનાં દર્દીઓની સંખ્યાના આધારે તેમના જિલ્લાઓને ત્રણ ભાગમાં વહેંચવા પણ સુચના આપી છે.

  • ૩૨ કરોડ ખાતામાં ૩૦ હજાર કરોડની સહાય જમા

લોકડાઉનની સ્થિતિમાં ગરીબ-મધ્યમ વર્ગની હાલત અત્યંત દયનીય બની ચૂકી હોવાથી સરકારે તાજેતરમાં રાહત પેકેજની જાહેરાત કરી હતી. છેલ્લા બે અઠવાડિયામાં સરકારે રાહત પેકેજમાંથી રૂા.૩૦,૦૦૦ કરોડ દેશના ૩૨ કરોડ જરૂરીયાતમંદોના ખાતામાં ઠાલવ્યા હતા. ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા સામાન્ય ગરીબ વર્ગને રાહત મળી રહે તેવા હેતુથી રાશનનું પણ વહેલુ વિતરણ શરૂ કર્યું હતું. નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આગામી સમયમાં પણ લોકોને રાહત મળે તે માટેના પેકેજની તૈયારી કરવામાં આવી રહી છે. લોકોની રોજગારી જળવાઈ રહે તે માટેની તૈયારી થઈ રહી છે. આવક જળવાય, આત્મવિશ્ર્વાસ ફરીથી સ્થાપિત થાય, આર્થિક સંતુલન રહે અને નુકશાનની ભરપાઈ થાય તેવા હેતુથી સરકાર દ્વારા તબક્કાવાર પગલા લેવામાં આવી રહ્યાં છે.

  • તંત્રે જાહેર કરેલા લાલ, લીલા અને પીળા ઝોનનો મતલબ શું?

કોરોના વાયરસના સંક્રમણની પેટર્ન તોડવા માટે લોકડાઉન-૨.૦ની અમલવારી થઈ રહી છે. આ અમલવારી દરમિયાન કોરોના સામેની લડાઈ ત્રણ હિસ્સામાં લડવામાં આવી રહી છે. વિવિધ જિલ્લાઓમાં લાલ, લીલા અને પીળા એમ ત્રણ ઝોનના ભાગ પડાયા છે. સામાન્ય રીતે લોકોમાં આ ઝોન એટલે શું તેવો પ્રશ્ર્ન ઉઠે છે. સરકારે આ ત્રણ ઝોનની જાહેરાત લોકડાઉનમાં રાહત આપવા અને કોરોનાના દર્દીઓ પર પુરતો ધ્યાન રહે તે હેતુથી કરી છે. ગ્રીન ઝોન એટલે એવો સ્થળ કે જ્યાં કોરોનાના કોઈ દર્દી ના હોય અથવા ગણ્યા-ગાઠ્યા કેસ જોવા મળે. આ ઝોનમાં લોકડાઉનમાં છુટછાટ મળી શકે. ત્યારબાદ રેડ કેટેગરીનો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં સૌથી વધુ કડક લોકડાઉનની અમલવારી થઈ રહી છે. જ્યાં કેસનું પ્રમાણ ખુબજ વધુ છે. ત્યારબાદ એમ્બર કેટેગરીનો સમાવેશ થાય છે. જેમાં મહદઅંશે છુટછાટ અપાઈ છે. વર્તમાન સમયે ગ્રીન ઝોનમાં હોય તેવા ૧૧૧ જિલ્લા છે. એમ્બર ઝોનમાં હોય તેવા ૭૨ અને રેડ ઝોનમાં હોય તેવા ૨૮ જિલ્લાનો સમાવેશ થાય છે. હાલ સરકાર દ્વારા દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસની છણાવટ કરી લાલ, લીલા, પીળા ઝોનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનને કઇ રીતે અમલી બનાવવું અને આરોગ્યની સેવાઓ સુદ્રઢ બનાવવી તે ઝોન પરથી નક્કી થાય છે.

  • લોકડાઉનમાં લોકોની મુશ્કેલીઓ હળવી કરવા વધુ એક પેકેજ લઇ આવે છે નાણામંત્રી

1 9

કોરોના વાયરસના કારણે લોકડાઉનની અવધી લંબાવવાની મજબૂરીમાં અનેક ગરીબોની હાલત કફોડી બની ચૂકી છે. અગાઉ લોકડાઉન સમયે સરકાર દ્વારા અનાજનો પુરવઠો ગરીબો સુધી પહોંચાડવા માટે પગલા લેવાયા હતા. આ ઉપરાંત લાભાર્થીઓના ખાતામાં સીધા નાણા નાખવામાં આવ્યા હતા. હવે આગામી સમયમાં વધુ એક પેકેજ નાણામંત્રી દ્વારા જાહેર થાય તેવી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે. આગામી પેકેજ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ઉત્કર્ષની સાથો સાથ ગરીબ પરિવારોને રાહત આપવા માટે પણ રહેશે. લોકડાઉન દરમિયાન લોકોની મુશ્કેલીઓ હળવી કરવા માટે વધુ એક પેકેજની તૈયારી નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે વડાપ્રધાન સાથે ચર્ચા કરીને નાણાપ્રધાન નિર્મલા સીતારામને પેકેજ તૈયાર કરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ સરકારે રૂા.૧.૭ લાખ કરોડના રાહત પેકેજ હેઠળ લોકોને કેસ ટ્રાન્સફર અને અનાજ આપ્યું હતું. આગામી સમયમાં ટુરીઝમ, ઉડ્ડયન, એકસ્પોર્ટ, જેમ્સ-જવેલરી સહિતના સેકટરને સરકાર દ્વારા રાહત આપવામાં આવે તેવી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા લોકડાઉન વધુ લંબાવાતા અનેક લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની ચૂકી છે. નાના ધંધાર્થીઓની રોજગારી પડી ભાંગી છે. મોટા ઉદ્યોગીક એકમોમાં પણ ઉત્પાદન બંધ રહેતા શ્રમિકો મુંજવણમાં મુકાઈ ગયા છે. આવા સંજોગોમાં લોકોને વધુને વધુ રાહત મળે તે માટે નિર્મલા સીતારામને તૈયારી કરી છે. જેના અનુસંધાને તેઓ તાજેતરમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા.

  • કોરોના એમેઝોનને ફળ્યું!:રૂ. ૧૮૦૦૦ કરોડનો ફાયદો ઉઠાવ્યો

Jeff Bezos Gains 24 Billion While World’s

વિશ્ર્વના સૌથી ધનીક વ્યક્તિ જેફ બેઝોસને કોરોનાની મહામારી ફળી હોય તેવું પ્રતિત થાય છે. અમેરિકા અને યુરોપ સહિતના દેશોમાં લોકડાઉન દરમિયાન લોકોને ઘરે રહેવાની ફરજ પડી હતી. આ સમયગાળા દરમિયાન એમેઝોનને ડોર ટુ ડોર ડિલીવરીમાં મેદાન મારવાની તક મળી હતી.

પરિણામે એમેઝોનનો વધુ ઉપયોગ થયો હતો અને એમેઝોનના માલીક જેફ બેઝોસની સંપતિમાં ૧.૭૭ લાખ કરોડનો વધારો થયો હતો. એકંદરે કંપનીને ૧૮ હજાર કરોડનો ફાયદો થયો હોવાનું જાણવા મળે છે. અગાઉ એમેઝોન દ્વારા કોરોના વાયરસના કહેર વચ્ચે પણ ૭૫૦૦ વર્કરોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો. લોકો ઘરે હોવાથી ઈ-કોમર્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જીવન જરૂરીયાતની વસ્તુઓની ડોર ટુ ડોર ડિલીવરી મુદ્દે ઈ-કોમર્સ સેકટર સાથે સંકળાયેલી એમેઝોનને ભરપુર તક સાંપડી હતી. ભારતમાં પણ એમેઝોનની સાથો સાથ ફલીપકાર્ટ દ્વારા વધુને વધુ સ્ટાફની ભરતી કરવાનો નિર્ણય લેવાયો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. લોકડાઉન હટ્યા બાદ ઈ-કોમર્સ સેકટરની કંપનીઓને ચાંદી હી ચાંદી થશે. વર્તમાન સમયે ઈ-કોમર્સ કંપનીઓ પાસે મોટા જથ્થામાં માલ પડ્યો છે. એકવાર લોકડાઉન ખલી જશે ત્યારબાદ કોઈ રિટેલર પાસે ઈ-કોમર્સ જાયન્ટસની સરખામણીએ ઓછો માલ હશે અથવા તો માલ તદન ખલાસ થઈ ગયો હશે. પરિણામે ફલીપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓને હોમ ડીલીવરી માટે બહોળી તક મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.