Abtak Media Google News

“પોલીસ ખાતાના જીવંત તિર્થસ્થાન સમા નિવૃત્ત પોલીસ અધિકારી શ્રી આર.ડી.ઝાલા (આઈ.પી.એસ.) પણ આ તાલુકાના ગીર જંગલના કાંઠે ગઢીયા ગામે ફાર્મ હાઉસમાં રહે છે

ગીર જંગલનું પ્રવેશ દ્વાર ધારી

આમ ફોજદાર જયદેવનો ધારી પોલીસ સ્ટેશનનો હુકમ થવાનું કારણ ખજુરીયા સરકાર હતી જે રાષ્ટ્રીય પાર્ટીના ટેકાથી હતી પરંતુ તે ડગુમગુ સરકાર કયારે પડે અને કયારે ધારાસભાની મધ્યસત્ર ચૂંટણી આવી પડે તે નકકી ન હતુ જો મધ્યસત્ર ચૂંટણી આવી પડે તો રાષ્ટ્રવાદી પાર્ટીના કાળા ધોળા અને દાદાગીરી સામે ફોજદાર જયદેવ જ કાયદેસરનું મતદાન કરાવી શકે તેવી રાષ્ટ્રીય પાર્ટીના યુવરાજની માન્યતા ને કારણે ચૂંટણી લડાઈના એક વ્યુહ રૂપે જ જયદેવની ધારી નિમણુંક થઈ હતી.તે જે હોય તે પરંતુ કુદરત પ્રેમી જયદેવને તો અનાયાસ જ પ્રકૃતિની સુંદરતાના અમૂલ્ય ખજાના જેવા ગરવા ગીરના જંગલના પ્રવેશ દ્વારજેવું પોલીસ સ્ટેશન ધારી મળી ગયું.

ધારી ગામ શેત્રુંજી નદી ઉપરના ડેમના પાણીના ઉપરવાસમાં વસેલું છે. વર્ષાઋતુમાં આ ખોડીયાર ડેમ ભરાતા જ ધારી ગામ જાણે કાશ્મિરનું જેલમ નદી ઉપરનું શ્રીનગર જ જોઈલો કેમકે ડેમમાં પાણી ભરાતા જ ધારી ગામના નદી વોંકળા પાણીથી છલકાય જાય અને ગામના જુદાજુદા પરાઓ જાણે બેટ જેવા હોય તેવા દ્રશ્યો સર્જાય ત્યાં પરાઓમાં જવા માટે પૂલ ઉપર થઈ નેકે દૂર ફરી ને જ જવું પડે. રસ્તા ઉપરથી જયાં નજર કરો ત્યાં ડેમનું પાણી અને લીલા છમ વૃક્ષો જ દેખાય. વળી જયાં વૃક્ષો અને પાણી ભરપૂર હોય.

ત્યાં કુદરતી રીતે જ પશુ પંખીઓ પણ હોય જ! અને તેથી પક્ષીઓના કિલકિલાટ અને મધૂર સૂરો સાંભળવા મળે.જ અહીથી જ ગીરનું જંગલ શ‚ થઈ જાય, ધારીના દલખાણીયા આઉટ પોસ્ટ થી જ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની ચેક પોસ્ટ લાગી જાય.ધારીથી કોડીનાર જવાનો આ માર્ગ મધ્યગીરમાંથી પસાર થાય છે. અને સાંજના છ થી સવારના છ વાગ્યા સુધી આ માર્ગ ઉપર જાહેર જનતા અને વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ થઈ જાય છે. જોકે બીજો એક રસ્તો જે જંગલમાંથી જ પસાર થાય છે તે ધારગણીથી તુલસીશ્યામ થઈ ઉના તરફનો ચાલુ રહે છે.

ધારી પોલીસ સ્ટેશનની ઉતરે બગસરા પૂર્વે ચલાળા અને દક્ષિણે ખાંભા જયારે ઉતર અને પશ્ર્ચીમ સરહદે ગીરનું ગાઢ જંગલ ફેલાયેલું હતુ આ વિસ્તારને જે રીતે કુદરતે પ્રાકૃતિક સૌદર્યથી ભર્યો છે. તે રીતે ત્યાંના લોકોએ પણ આ પ્રકૃતિને અનુ‚પ જ એવા ગામો વસાવ્યા છે. જે ગામોનાં નામોમાંજ પ્રકૃતિનું પ્રતિબીંબ જોવા મળે. જેમકે જળજીવડી, ગરમળી, કરમદડી કાંગસા, બોરડી, જીરા, સરસીયા, આંબાગાળા, ઝર, ધારગણી, મોણવેલ, એભલવડ, દુધાળા, દંહિડા, પાણીયા, ખીચા ખીસરી વિગેરે આમ અત્રતત્ર સર્વત્ર બસ અફાટ કુદરત જ નજરે પડે છે. સૌરાષ્ટ્રની નામાંકીત નદી શેત્રુંજીનું મૂળ આ ગીરના જંગલોમાં જે કાંગસાના ડુંગરો આવેલા છે ત્યાં છે આ કાંગસાના ડુંગરોમાંથી શેત્રુંજી નદી જંગલોનું પાણી લઈને ધારી ચલાળા જેસર પાલીતાણા અને તળાજા થઈ ખંભાતના અખાતને મલે છે.

આ વિસ્તારમાં ધાર્મિક અને ઐતિહાસીક સ્થળો જેવા કે તુલસીશ્યામ, ભીમચાસ, મધ્યગીરમાં આવેલુ પવિત્ર કનકાઈ અને બાણેજ ધામની જગ્યાઓ દર્શનીય છે. ધારી ટાઉનમાં શેંત્રુજીના સામા કાંઠે આવેલ જીવન મુકતેશ્ર્વર મહાદેવની જગ્યા અને શેત્રુંજી ડેમ ઉપરનો ‘વ્યુ પોઈન્ટ’ એક વખત તો જોવા જેવી જગ્યા છે. આ જગ્યાઓનું પ્રાકૃતિક સૌદર્ય વર્ષાઋતુથી ચાલુ થઈ છેક દેવદિવાળી સુધી એવું અદભૂત રીતે ખીલી ઉઠે છે. જાણેકે હિમાચલ પ્રદેશ કે કાશ્મીર કે ગોવાના સુંદર પ્રદેશમાં હોવાનો અહેસાસ કરાવે છે. તેવા જ વૃક્ષો નદીઓ અને તળાવો ઝરણાઓ અને પર્વતો પશુ પંખીની હીલચાલ દીપી ઉઠે છે. આમ જોતા એવું લાગે કે બહાર કયાંય જવાની જ‚ર નથી કુદરતે તમામ સુંદરતા અહી ગીરમાંજ ફેલાવી દીધી છે.

જસાધાર પાસે આવેલ પરશુરામના ગૂ‚ જમદગ્ની ઋષીના આશ્રમ ઝમઝીર ખાતે ગીરમાંથી આવતી શિંગોડા નદીનો પાણીનો પ્રવાહ સોએક ફૂટ ઉંચાઈએ થી જમીન ઉપર પડતો હોય તેનો અવાજ અને દ્રશ્યો અદભૂત અનુભૂતી કરાવે છે. જયારે ધારીના ખોડીયાર ડેમ ઉપરના સિંચાઈ ખાતાના ડાક બંગલા પાસે આવેલુ ‘વ્યૂ પોઈન્ટ’તો જાણે માઉન્ટ આબુ ઉપરનું ‘સનસેટ પોઈન્ટ’ જોઈ લો. સાંજના સમયે આ જગ્યાનો કુદરતી નજારો અદભૂત હોય છે.

વ્યૂ પોઈન્ટની દક્ષિણે પાણી છલોછલ ખોડીયાર ડેમ પશ્ચિમે શેત્રુંજી નદીનો વિશાળ અને સોએક ફૂટ ઉંડો પટ તેમાં વહી જતા નદીના જળ અને નદીના પટની વચ્ચોવચ આવેલું ખોડીયાર માતાજીનું મંદિર તો સામા કાંઠે તેમજ વ્યુ પોઈન્ટની ઉતરે ઢાળમાં જતુ ગાઢ જંગલ અદભૂત દ્રશ્યો સર્જે છે. વળી સૂર્યાસ્તના સમયે તો પશ્ચિમે નદીના પટ અને મંદિરની પાછળ ક્ષિતિ જ ઉપર ઢળતો કેસરી સૂર્ય, આકાશમાં હારબંધ ઉડતા પંખીઓ અને નીચે નદીના પટમાં માતાજીના મંદિરમાં થતી સૂર અને સંગીતમય સંધ્યા આરતીની ઝાલર તથા નગારાના અવાજને કારણે આ વ્યુ પોઈન્ટ ઉપર અલૌકિક દ્રશ્ય સર્જાય છે.

જેવો સૂર્યાસ્ત થાય એટલે પૂર્વમાં ચંદ્રોદય થાય અને દક્ષિણે નજર ફેંકતા જ ધારી નગરમાં ઈલેકટ્રીક લાઈટો ચાલુ થયેલી હોય જાણે ડેમના પાણીમાં તરતુ ઝળહળતુ નગર ! ઉતરે આવેલા જંગલોમાંથી તમરાઓની વણથંભી સુરાવલી ચાલુ થાય અને પશ્ચિમે નીચે નદીના પટમાંથી દેડકાઓના ડ્રાઉ ડ્રાઉ અને કોઈ કોઈ નિશાચર પક્ષીઓનાં અવાજો સંભળાવા શરૂ થાય. જયદેવ ને આ અદભૂત જગ્યાની માહિતી જંગલની પ્રાકૃતિક સુંદરતાના ચાહક અને સિંહોના લેટેસ્ટ લોકેશનના માહિર અને સિંહ દર્શનના શોખીન એવા ધારીના ડોકટર ભરાડે આપેલી. આથી જયદેવ સુદ પખવાડીયામા ંનિયમિત રીતે ડો. ભરાડને જ સાથે લઈ આવ્યુ પોઈન્ટ ઉપર અરધી અરધી રાત્રી સુધી પ્રકૃતિની મોજ માણતા અને તેમની સાથે ગીરની પ્રકૃતિની ચર્ચાઓ કરતો વળી કેટલીક વખતતો રાત્રે જંગલમાંથી ડાલ મથ્થા સિંહોની ડણકો પણ સાંભળવા મળતી.

પોલીસ ખાતાનું જીવંત તિર્થ સ્થાન એવા નિવૃત પોલીસ અધિકારી આર.ડી. ઝાલા સાહેબ (રઘુરાજસિંહજી ઝાલા આઈ.પી.એસ.)પણ ગોધરા પંચમહાલથી નિવૃત થયા બાદ ધારીના ગઢીયા ગામે ગીરના જંગલનાં કાંઠે આવેલ તેમના ફાર્મ હાઉસમાં ખેતી કરી પ્રકૃતિની ગોદમાં નિવૃત જીવન પસાર કરતા હતા. જયદેવ જતા આવતા ગઢીયા વિરપૂર ફાર્મ હાઉસ ઉપર જઈ તેમને મળી અનુભવની વાતો સાંભળતો.

પોલીસ ખાતાની શોભા એવા ગણ્યા ગાંઠયા પ્રમાણીક નિષ્ઠાવાન અને કાર્યદક્ષતો ખરાજ પણ જનપ્રિય એવા આ આરડી ઝાલા સાહેબથી જવલ્લે જ કોઈ અજાણ્યું હોય ગુજરાતમાં અમરેલી ધારી ભાવનગર રાજકોટ અને પંચમહાલ (ગોધરા)ની જનતા તેમને હંમેશા યાદ કરશે જયારે તેઓ પંચમહાલ જિલ્લા પોલીસ વડા તરીકે સેવા નિવૃત થયા ત્યારે સમગ્ર ગુજરાતનાં તેમના ચાહકો, સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, સમાજ સેવકો બુધ્ધીજીવીઓ અને સાધુ સંતો દ્વારા ભાવનગર ખાતે તેમનો ભવ્યતાતિત ભવ્ય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયેલો જેમાં ગુજરાત રાજયના પોલીસ વડા પી.કે. દત્તા સહિતડઝનેક આઈપીએસ અધિકારીઓ પણ હાજર રહેલા દંતાલી (ખેડા) આશ્રમના સંત સ્વામી સચ્ચિદાનંદજીએ તેમના પ્રવચનમાં જણાવેલ કે લોકશાહીની આદર્શ રાજય વ્યવસ્થામાં જો સદકાર્ય કરનારાની તાત્કાલીક જાહેરમાં પ્રશંસા થાય અને નબળા નઠારા કાર્યો કરનારની ટીકા થાય તો જ સત્કાર્યો ને પ્રોત્સાહન મળે અને દુષ્કર્મો ઓછા થાય અને આમ જનતા સુખચેનથી જીવી શકે.

જયદેવ પણ લગભગ દરરોજ સવારના ભાગે પોલીસ સ્ટેશનનું વહીવટી અને તુમારી કામ પૂ‚ કરીને બપોરે જમ્યા બાદ જીપ લઈને ગુન્હાઓ અરજીઓ વિગેરેની તપાસમાં ગ્રામ્ય વિસ્તારોમાં અને તે રીતે જંગલમાં ચાલ્યો જતો અને તે રીતે વિવિધ કુદરતી સૌદર્ય તથા જંગલના ગ્રામ્ય માહોલને માણતો અને મોડીરાત્રે પાછો ધારી આવી જતો.

આ રીતે એક વખત બપોરનાં સમયે જયદેવ જીપ લઈને દલખાણીયાથી મધ્યગીર પાર કરીને કોડીનારના ઘાંટવડ ગામે તપાસમાં ગયો ત્યાં તપાસ પુરી કરતા રાત્રીનાં આઠેક વાગી ગયા આથી ઘાંટવડ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મજબુતસિંહ જે અગાઉ અમરેલી ટાસ્કફોર્સમાં જયદેવ સાથે હતા. તેણે આગ્રહ કરી વાળુ પાણી કરવા રોકી લીધા આથી રાત્રીનાં દસેક વાગી ગયા વળી જીપના ટાયર નબળા હોય વળતા મધ્યગીરમાંથી જવાને બદલે કોડીનાર ડોળાસા તુલસીશ્યામ થઈ ધારી જવાનું નકકી કર્યું કોડીનાર પસાર કર્યા બાદ જીપના ટાયરમાં શંકા મુજબ જ પંકચર પડયું આથી ડ્રાઈવરે સ્પેર વ્હીલ ચઢાવી દીધું તેથી જયદેવે તકેદારી રૂપે પંકચર વાળા ટાયરને રીપેર કરવા જીપ પાછી કોડીનાર લેવા કહ્યું પણ ડ્રાઈવરે કહ્યું ના સાહેબ હવે કાંઈ વાંધો નહિ આવે અને કાફલો તુલસીશ્યામ તરફ જવા રવાના થયો ત્યાં જંગલમાં પ્રવેશ કરતા જ વર્ષા ઋતુ હોય ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો રાત્રીનાં સાડા અગીયાર બાર થવા આવ્યા હતા.

તુલસીશ્યામ હવે ફકત પાંચેક કિલોમીટર દૂર હતુ અને જીપના બીજા ટાયરમાં પણ પંચર પડયું હવે બીજો કોઈ ઉપાય ન હતો વાયરલેસથી ધારી કોડીનાર સંપર્ક કરવા કોશિષ કરી પરંતુ કવરેજ બહાર હતા ધનઘોર અંધારી મેઘલી રાતનાગાઢ જંગલ અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ વળી જંગલમાં માખી જેવડા મચ્છર એક ડંશ દે એટલે ટાંડર કરડી હોય તેવી કાળી બળતરા થતી હતી અહી સવાર સુધી રોકાવાય તેવું હતુ જ નહી તેમ કોઈ બીજુ વાહન પણ મળે તેમ નહતુ જેથી હવે વરસતા વરસાદે પણ ચાલીને તુલસીશ્યામ જવું પડે તેવી સ્થિતિ હતી જયદેવ પાસે રીવોલ્વર હતી બાકીના જવાનોએ જીપમાં જે હથીયારો પડયા હતા તે લીધા કેમકે જંગલમાં જેટલો સિંહનો ડર નહિ તેટલો દીપડાઓનો હતો કેમકે દીપડા પાછળથી લુચ્ચાઈપૂર્વક હુમલા કરતા હોય છે.

તમામે ચાલવાનું શરૂ કર્યું ડ્રાઈવર આ સંજોગોમાં એકલો રહી શકે તેમ ન હતો. તેણે પણ જીપની હેડ લાઈટો ચાલુ કરી ધીમે ધીમે જીપ ચલાવી પાછળ ચાલી દોઢેક કલાકે તુલસીશ્યામ પહોચ્યા અહી તુલસીશ્યામની જગ્યાને તો અંદરથી તાળા લાગી ગયા હતા, પરંતુ બહાર પડેલ તુફાન જીપ જે બીજા જીલ્લામાંથી ફરવા આવેલા લોકોની પડી હતી અને તેમાં ડ્રાઈવર હતો તેણે કહ્યું ચાલો સાહેબ હું ધારી મૂકી જાવ આથી પોલીસ જીપને ત્યાં જ રાખીને જયદેવ તથા જવાનો તુફાન જીપમાં રવાના થયા.

તુલસીશ્યામથી ચાર પાંચ કિલોમીટર દૂર જંગલમાંથી પસાર થતા જ એક સિંહોનું ટોળુ મચ્છરોના ત્રાસથી રોડ ઉપર આવી ગયું હતુ અને રોડ ઉપર જ આરામ ફરમાવી રહ્યું હતુ જયદેવે ડ્રાઈવરનેજે જંગલથી અજાણ્યો હતો તેને કહ્યું તુ ફકત જીપની હેડ લાઈટ ચાલુ રાખીને ઉભો જ રહે સિંહો હમણા બાજુમાં ચાલ્યા જશે, પણ ડ્રાઈવરે કહ્યું સાહેબ બાજુમાં જગ્યા ખાલી છે. ત્યાંથી જીપ કાઢી લઉ તેમ કહી ને જીપને સીધી જવા દીધી, ડ્રાઈવરે કોશિષ કરીને જીપને ઘણી જ. સાઈડમાંથી લીધી પરંતુ એક સિંહ કાંઈક બરાબરનો ખીજાયેલો હતો.

પાછળથી એક જવાને વાત કરેલીકે આ રોડ ઉપરથી નિયમિત પસાર થતા ડ્રાઈવરોએ સિંહોને ખીજવી ખીજવીને આ રીતે પાછળ દોડીને હુમલા કરતા શિખવી દીધેલ છે. અજાણ્યા તુફાન જીપ ડ્રાઈવરે જેવી જીપને બાજુમાંથી પસાર કરી કે તુરત જ આ ખીજાયેલો સિંહ જીપની પાછળ પડયો ડ્રાઈવર ગભરાયો કુદરતી જ લીવર દબાઈ ગયું અને જીપ ભાગી, સિંહ પણ તેજ ઝડપે દોડતો હતો અને તેના વિકરાળ જડબામાંથી ફીણ ઉડતા હતા જે જીપનાં આગળના કાચ ઉપર પણ પડતા હતા જયદેવે ડ્રાઈવરને ઘણું જ આશ્ર્વાસન આપ્યું છતા પણ તે હતપ્રભ થઈ ગયો અને મહામહેનતે જીપ થોડે દૂર ગયા પછી સિંહ પાછો વળી ગયો. પણ ડ્રાઈવરની માનસીક અને શારીરીક હાલત કરૂણ હતી.

તે ધ્રુજતો હતો અને કપડા પણ પલળી ગયા હતા. જંગલ પૂ‚ થતા જ ધારગણી ગામ આવ્યું જાણકાર જવાને કહ્યું સાહેબ અહીં એક જાણીતી વ્યકિત પાસે કાર છે. તેથી આ તુફાન જીપ અને ડ્રાઈવરને પાછા જવા દઈએ. ધારગણી કાર માલીકને ઉઠાડયા આગ્રહ કરી ચા પાણી કર્યા અને તુફાન જીપા ડ્રાઈવરને કહ્યું હવે તમે પાછા તુલસીશ્યામ જઈ શકો છો. પરંતુ જીંદગીમાં કયારેય નહિ અનુભવેલું સિંહનું વિકરાળ સ્વ‚પા અને ધુંધવાટથી તે ધ્રુજી ગયો હતો આથી તેણે કહ્યુંં સાહેબ હવે હું એકલો નહિ જાઉ આથી કાર માલીકે કહ્યું તમે દસ મીનીટ બેસો હું હમણા આને મૂકીને પાછો આછું છું અને તેજ રીતે કાર માલીક મૂકીને પાછા આવતા સવારે ચારેક વાગ્યે પોલીસ દળ ધારી પહોચ્યું

જયદેવ ધારી થાણામાં હાજર થયો તે અગાઉથીજ ધારીનગરમાં રાત્રીની ઘરફોડ ચોરીઓનો શિલશિલો ચાલુ હતો. આ ઘરફોડ ચોરીનો પ્રશ્ર્ન પણ બદલીમાં આવતા ચાર્જમાં મળ્યો હતો. જયદેવે પોતાની પધ્ધતિથી જ ‘ઓપરેશન થેફટ’ ચાલુ કર્યુ સાંજના વેરાવળ વિસાવદર બાજુથી ગીર જંગલમાં થઈ આવતી પેસેન્જરટ્રેનો ચેક કરી સાંજથી ધર્મશાળાઓ બસ સ્ટેન્ડ ગેસ્ટ હાઉસો ચેક કર્યા પરંતુ સમયાંતરે ભર બજારમાં જ દુકાનો તુટતી હતી અને તે પણ પોલીસ પેટ્રોલીંગ કરતી હોય તેવા સંજોગોમાં જયદેવે ભૌગોલીક અભ્યાસ કર્યો અને ચોરીઓનાં કારણ અંગે વિચાર્યું કેધારીના અલગ અલગ પરા વિસ્તાર અને ઝાડી ઝાખરાનો ગુનેગારો લાભ લેતા હોય તેમ જણાયું.

આથી જયદેવે બારોબારના પરા વિસ્તારમાં રાત્રીનાં સમયે ઝુંપડાઓ ચેક કરતા એક શંકાસ્પદ ઈસમ ઝુંપડામાંથી થેલો લઈને નાસવા લાગ્યો પણ પોલીસે પકડી પાડયો પૂછપરછ કરતા તે ચલાળાનો વતની હતો થેલામાંથી મળી આવેલ શંકાસ્પદ ચિજ વસ્તુઓ તથા ધારી આવવાના કારણ અંગે કોઈ ખુલાસો નહિ કરી શકતા જયદેવે પોલીસ સ્ટાઈલથી પૂછપરછ કરતા ધારી શહેરને છેલ્લા છએક મહિનાથી ધમરોળતી આખી ચોરીની ગેંગનો પર્દાફાશ થઈ ગયો તમામ વણશોધાયેલ ઘરફોડ ચોરીઓનાં ગુન્હા શોધાઈ ગયા અને ધારીમાં શાંતિ થઈ ગઈ.

પરંતુ પોલીસ ખાતામાં શાંતિ હોય જ નહિ એક પછી એક બબાલો અને પ્રશ્ર્નો ચાલુ જ હોય ખજૂરીયાઓની રાજય સરકાર રાષ્ટ્રીય પાર્ટીના ટેકાથી ગબડયે જતી હતી પરંતુ રાષ્ટ્રીય પાર્ટીને તો હવે મધ્યસત્ર ચૂંટણી આવે અને પાછી સત્તા મેળવવી હોય ખજુરીયા સરકારને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી ટેકો પાછો ખેંચવાની ધમકી આપી મજબુત મુખ્યંમંત્રીને બદલવાની ફરજ પાડી આથી ખજુરીયા પક્ષે નવા મુખ્યમંત્રી નિમ્યા પણ તે જુના મુખ્યમંત્રીના કહ્યાગરા હતા અને નબળા હતા. આ નવા મુખ્યમંત્રી માનો ને કે રીમોટ કંટ્રોલથી ચાલતો રોબોટ હતો. આ રોબોટ ઉપર બે રીમોર્ટ કંટ્રોલ હતા એક જૂના મુખ્યમંત્રી પાસે અને બીજો રાષ્ટ્રીય પાર્ટી પાસે આથી કેટલાક મુદે આ બંને જણા રીમોર્ટથી એકી સાથે રોબોટને ઓપરેટ કરતા રોબોટ મુખ્ય મંત્રી હેંગ થઈ જતા હતા. આથી હવે વિધાનસભાની મધ્યસત્ર ચૂંટણી ગમે ત્યારે આવી પડે તેવી શકયતા હતી.

ધારી વિધાનસભાના ભાવિ ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય પાર્ટીના યુવરાજ એક માત્ર ઉમેદવાર હતા. અને રાષ્ટ્રવાદી પાર્ટી સામે તેના વિજયની ઘણી શકયતાઓ હતી. પરંતુ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રાષ્ટ્રીય પાર્ટીમાં પેલા ‘નવી ના અને જૂનિના’ સભ્યો વચ્ચે તિવ્ર હરીફાઈ હતી. રાષ્ટ્રીય પાર્ટીના જુનિના એક નેતા ઝર ગામે રહેતા હતા અને તેઓ તેમના સમાજના ઓલ ઈન્ડીયા લેવલના પ્રમુખ હતા જેઓ આ ‘નવીના’ અને યુવરાજના કટ્ટર વિરોધી હતા વળી ત્રિજા દલખાણીયા ગામે ગીરના નાકે રહેતા એક ગગીબેનનો પણ આજુબાજુનાં ગામો ઉપર ‘ફૂલનદેવી’ જેવો રોલો અને માભો તો હતો જ પરંતુ જબ્બર વર્ચસ્વ પણ હતુ આમ ત્રિજુ પરિબળ પણ શકિતશાળી હતુ હવે ધારીનું પ્રાકૃતિક સૌદર્ય ભર્યું વાતાવરણ જયદેવને બરાબર માફક આવી ગયું હતુ તેથી જે અગાઉ ભાવનગર જિલ્લામાં બદલી અંગે ભલામણ કરેલી તે અંગે કોઈને તે યાદી પણ આપતો નહતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.