Abtak Media Google News

સરકાર અને કિસાન નેતાઓ વચ્ચે કૃષિ કાયદા મુદ્દે પડેલી મડાગાંઠ હવે ‘અહમ’નો વિષય, ખેડૂતો કૃષિ બિલ પાછુ ખેંચવાની માંગ પર અડગ

યે આગ કબ બુઝેગી… ખેડૂતો અને સરકાર વચ્ચે કૃષિ બીલને લઈને પડેલી મડાગાંઠ સાત-સાત બેઠકોનો દૌર પુરો થયો છતાં હજુ ઉકેલ આવ્યો નથી. શિયાળ તાણે સીમ ભણી, કુતરૂ તાણે ગામ ભણી…ની પરિસ્થિતિ વચ્ચે કુલ ચાર માંગણીઓમાંં પરાલ સળગાવવાના દંડ અને સજાની જોગવાઈમાં અને ઈલેકટ્રીક એમેન્ડમેન્ટ બીલમાં બન્ને પક્ષો વચ્ચે સમાધાન શક્ય બન્યું છે પરંતુ ખેડૂતો કૃષિ બીલ કોઈપણ સંજોગોમાં પાછુ ખેંચવા મક્કમ છે અને લઘુતમ ટેકાના ભાવોના બદલે ભાવ બાંધણુ કરવાની હઠ કરી રહ્યાં છે ત્યારે સરકાર માટે કૃષિ બીલ પાછુ ખેંચવાની વાત માનવી શકય નથી. તેવા સંજોગામાં આ મડાગાંઠ ઉકેલાય તે માટેના પ્રયાસો તેજ કરવાની સુપ્રીમ કોર્ટે પણ હિમાયત કરી છે. સરકારે આ મામલો વાટાઘાટથી ઉકેલાય તેવી આશા સેવી છે.

કૃષિ બીલની અને આંદોલનની મડાગાંઠ ઉકેલાય તેવી શકારાત્મક નિર્દેશો મળ્યા છે. કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ કે.કે.વેણુ ગોપાલ અને સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયમૂર્તિ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે, આ મામલો હવે ઉકેલના આરે છે અને તે ટૂંક સમયમાં ઉકેલાય જશે.

જાન્યુઆરી ૨૦ તારીખે આ મામલાની સુનાવણી માટેના નિર્દેશ સામે મહેતાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકાર આ મામલો વાટાઘાટથી ઉકેલવાના પ્રયાસ કરી રહ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે, આંદોલન કરવાનો દરેકને હક્ક છે. વિરોધ પ્રદર્શન કરવું બંધારણીય અધિકાર છે. ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, અદાલત હંમેશા સમાધાનકારી વલણને પ્રોત્સાહન આપે છે પરંતુ આ મામલો વહેલાસર પતી જવો જોઈએ. શિયાળુ સમય પહેલા આ મામલો ઉકેલાય જવો જોઈએ. ૪૦ દિવસથી ખેડૂતો દિલ્હીની સરહદ પર દેખાવો કરી રહ્યાં છે. ૧૭મી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કાયદાના મુદ્દે ચર્ચા કરવાની હિમાયત કરી હતી. પરંતુ તેમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. કોર્ટે જણાવ્યું હતું કે, વિરોધ કરવાનો દરેકને અધિકાર હોય છે. તેમાં કોઈ ખલેલ ન પાડી શકે પરંતુ જો મામલો સમાધાનથી ઉકેલાતો હોય તો તે દરેક માટે સારૂ છે. કૃષિ બીલનો આ મામલો જલ્દીથી ઉકેલાય તે માટે સરકાર સકારાત્મક હોવાનું અદાલત સમક્ષ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.