Abtak Media Google News

પબ્લિક ડોક્યુમેન્ટ ગણાતા દસ્તાવેજોની જાળવણી માટે સરકારે તેને ડિજિટલાઈઝેશન કરવાનું અભિયાન તો હાથ ધર્યું પણ અનેક તૃટીઓને કારણે તેનું સુરસુરીયું થઈ ગયું

અબતક, રાજકોટ : અબજો- કરોડોની મિલકતના દસ્તાવેજો અસુરક્ષિત જોવા મળી રહ્યા છે. સરકારનું ડિજિટલાઈઝેશનનું મિશન કયા ખોવાઈ ગયુ તેના ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે. પબ્લિક ડોક્યુમેન્ટ ગણાતા દસ્તાવેજોની જાળવણી માટે સરકારે તેને ડિજિટલાઈઝેશન કરવાનું અભિયાન તો હાથ ધર્યું પણ અનેક તૃટીઓને કારણે તેનું સુરસુરીયું થઈ ગયું છે. જેને પગલે દસ્તાવેજોના ડિજિટલાઈઝેશનમાં તંત્ર ઉણું ઉતર્યું છે.

સરકાર દ્વારા વર્ષો પહેલા દસ્તાવેજોના ડિજિટલાઝેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જે અંગે જિલ્લા કક્ષાએ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. સૂચનાને પગલે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પણ આ અભિયાન થોડા સમય પુરજોશમાં ચાલ્યા બાદ મંદ પડી ગયું છે.

જેને કારણે તંત્ર પાસે હાલ અમુક વર્ષોના દસ્તાવેજ જ ડિજિટલ સ્વરૂપે રહ્યા છે. બાકીના દસ્તાવેજો હાર્ડ કોપી સ્વરૂપે હોય તેની જાળવણી પાછળ તંત્ર ઊંધામાથે થઈ રહ્યું છે. આ દરમિયાન અમુક સરકારી કચેરીઓની બિસ્માર હાલત હોય ઘણા દસ્તાવેજોની જાળવણી ઉપર આંગળીઓ ઉઠી હતી. આ વેળાએ તંત્ર દસ્તાવેજોની જાળવણી સરખી રીતે થતી હોય અને બધું જ સુરક્ષિત હોવાના દાવા કર્યા છે. પણ હવે પ્રશ્ન એ છે કે કેટલા સમય સુધી આ દસ્તાવેજો સુરક્ષિત રહી શકશે. તેનું ડિજીટલાઈઝેશન ખૂબ જરૂરી જ છે.

એક વખત આ દસ્તાવેજોનું ડિજીટલાઈઝેશન થઈ જશે તો આગામી સેંકડો વર્ષો સુધી તંત્રએ તેની જાળવણીની કોઈ ચિંતા રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે કુદરતી આફતો જેવી કે પુર, અતિવૃષ્ટિ, ભૂકંપ વગેરે સમયે પણ સરકારી રેકોર્ડ જોખમમાં મુકાઈ જતો હોય છે. આ ઉપરાંત કૃત્રિમ આફતો જેવી કે આગ, અન્ય કોઈ દુર્ઘટના વેળાએ પણ સરકારી રેકોર્ડ નાબૂદ થવાનો ભય રહેતો હોય છે. માટે હવે સરકારે દસ્તાવેજોના ડિજીટલાઈઝેશન ઉપર પૂરતું ધ્યાન આપવાની તાતી જરૂરિયાત છે. સરકારે ખાસ ઝુંબેશ શરૂ કરીને દરેક કચેરીઓમાં રહેલા દસ્તાવેજોનું 100 ટકા ડિજિટલાઈઝેશન કરવાની જરૂર છે.
એક તરફ સરકાર તમામ બાબતોમાં ડિજિટલાઈઝેશનને પ્રાધાન્ય આપી રહી છે. લોકો ડિજિટલ બને તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પણ સરકાર તંત્રને ડિજિટલ બનવા દબાણ કરતું નથી. જેના કારણે કચેરીઓમાં જે દસ્તાવેજો પડ્યા છે તેના ઉપર મોટું જોખમ સર્જાયું છે. હવે સરકાર ભલે મોડે મોડે પણ જાગૃત થઈને તંત્રને દસ્તાવેજોના 100 ટકા ડિજિટલાઈઝેશન કરવાના આદેશો છોડે તો અનેક પ્રશ્નોનો નિવેડો આવી શકે છે.

 

દસ્તાવેજોનું 100 ટકા ડિજીટલાઈઝેશન થશે તો કૌભાંડોનું પ્રમાણ પણ ઘટશે 

દસ્તાવેજોનું 100 ટકા ડિજિટલાઈઝેશન થશે તો કૌભાંડોનું પ્રમાણ પણ ઘટશે. હાલ સુધી અનેક કૌભાંડો એવા છે કે જેને આચરવામાં આવ્યા બાદ તે અંગે કેસ થયા હોય. બાદમાં કૌભાંડીઓએ જુના રેકોર્ડ કચેરીમાંથી કોઈ અધિકારીની મદદથી જ નાબૂદ કરી નાખ્યા હોય. આવા અનેકવિધ કેસ છે જેમાં સરકારી કચેરીમાથી રેકોર્ડ ગુમ થઈ ગયો હોય. આ અંગે બધાને જાણ હોય છે કે કૌભાંડમાંથી બચવા માટે જ રેકોર્ડ ગુમ કરવામાં આવ્યો છે. પણ રેકોર્ડ ગુમ કર્યો કોણે તેનો કોઈ પુરાવો ન હોવાથી આરોપીઓ બચી જાય છે. જો 100 ટકા ડિજિટલાઈઝેશન થઈ જાય તો રેકોર્ડ સુરક્ષિત જ રહે અને કોઈ તેને ગુમ ન કરી શકે.

ડિજિટલાઈઝેશનની કામગીરી અઘરી, પણ તે થઈ ગયા બાદ સદીઓ સુધી નિરાંત

ડિજિટલાઈઝેશનની કામગીરી અઘરી છે પણ અશક્ય નથી. તંત્ર પાસે આઝાદીકાળના દસ્તાવેજો પણ પડ્યા છે. જેને સાચવવા માટે ચીવટપૂર્વક તેની જાળવણી કરવી પડે છે. હાલ તંત્ર પાસે 100 ટકા દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે નથી. માત્ર અમુક વર્ષોના દસ્તાવેજોને જ ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ડિજિટલાઈઝેશનની કામગીરી જટિલ છે તેમાં કોઈ બે મત નથી. પણ આ કામગીરી થઈ ગયા બાદ તંત્રને સદીઓ સુધી નિરાંત રહેશે. ગમે ત્યારે ગમે તે દસ્તાવેજની ચકાસણી ખૂબ સરળ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.