Abtak Media Google News

પૂર અને દૂષ્કાળથી પ્રભાવિત ખેડૂતોના પ્રશ્ર્નોની ચર્ચામાં માત્ર ૬૧ સાંસદોએ હાજરી આપી, ચર્ચાના બે કલાકમાં ૫૪ સાંસદોએ ચાલતી પકડી

ખેડૂતોની આવક બે ગણી કરવાનું વચન મોદી સરકારે આપ્યું છે પરંતુ લોકસભામાં ખેડૂતોની ચર્ચા મામલે સાંસદોની હાજરીથી આ વચન પૂર્ણ થઈ શકે તેવી શકયતા ન હોવાનું લાગી રહ્યું છે. ખેડૂતોના પ્રશ્ર્ને ચર્ચામાં માત્ર ૧૦ ટકા જ સાંસદો હાજર રહેતા સાંસદોને ખેડૂતોના પ્રશ્ર્નોમાં કેટલો રસ છે તે ફલીત થઈ રહ્યું છે.

ગૃહમાં તાજેતરમાં આવેલી પુર અને દુકાળ જેવી કુદરતી આફતોના કારણે ખેડૂતોને થયેલા નુકશાન મામલે ચર્ચા થઈ હતી. જેમાં ૫ કલાક ચર્ચામાં વિવિધ ગંભીર પ્રશ્ર્નો ઉઠાવાયા હતા. કુદરતી આફતોથી અસરગ્રસ્ત રાજયોને સહાય આપવાનો મુદ્દો પણ મુકવામાં આવ્યો હતો. અલબત આ ચર્ચામાં સાંસદોને રસ ન હોય તેવું ફલીત થયું છે. આ ચર્ચામાં માત્ર ૧૦ થી  ૧૫ ટકા જ સાંસદો હાજર રહ્યાં હતા. આ ચર્ચામાં માત્ર ૬૧ સાંસદો હાજર હતા. જેમાં૨૪ સાંસદો વિપક્ષના અને ૩૭ સત્તાધારી પક્ષના હતા.

મોદી સરકારે સત્તા પર આવ્યા બાદ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવાનું વચન આપ્યું હતું. આ વચન પૂર્ણ કરવા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ પણ મોદી સરકારે અમલમાં મુકી હતી. અલબત સરકારનો આશય સાંસદોની વૃત્તિના કારણે પૂર્ણ થશે નહીં તેવું લાગી રહ્યું છે. ખેડૂતોને દુકાળ અને પુર જેવી કુદરતી આફતોના કારણે થયેલા નુકશાન સંબંધીત લોકસભાની ચર્ચામાં માત્ર ૬૧ સાંસદો જ હાજર રહેતા દેશના નેતાઓ ખેડૂતોની સમસ્યા બાબતે કેટલા ગંભીર છે તે જોઈ શકાય છે.

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને રાજી રાખવા તમામ પક્ષો મહેનત કરી રહ્યાં છે. વિવિધ વચનો આપે છે. પરંતુ જયાં પરિણામ આવી શકે છે તેવી જગ્યાએ ચર્ચા કરવામાં રસ લેતા નથી. મોદી સરકાર માટે ખેડૂતોની આવક બે ગણી કરવી સારો વિષય હોય શકે પરંતુ સાંસદોની બેજવાબદારીના કારણે સરકારને આ પ્રક્રિયામાં લાંબો સમય લાગી શકે છે.

લોકસભામાં ખેડૂતોના પ્રશ્ર્ને ચર્ચાનો પ્રારંભ ૨:૨૫ કલાકથી થયો હતો. આ ચર્ચામાં ૬૧ સાંસદો હાજર રહ્યાં હતા. જો કે ૪:૩૦ કલાકે માત્ર ૧૦ સાંસદો જ ચર્ચામાં હાજર હોવાનું ફલીત થયું હતું. બે કલાકમાં જ ૫૪ સાંસદોએ ચાલતી પકડી હતી. આ ચર્ચા દરમિયાન વિરોધ પક્ષોના સાંસદોએ સરકાર સમક્ષ ખેડૂતોને રાહત આપવા માટે માંગણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.