રાજકોટ ડિવિઝને 80 એક્સપ્રેસ ટ્રેન દ્વારા ક્યાં ક્યાં મોકલ્યો પ્રાણવાયુ??

રાજકોટ રેલવે ડિવિઝને 80 ઓકિસજન એકસપ્રેસ ટ્રેન મારફત 7716.46 ટન પ્રાણવાયુની અલગ અલગ રાજયોમાં સપ્લાય કરી છે ભારતીય રેલવે દેશભરનાં વિવિધ રાજયોમાં મિશન મોડમાં લિકિવડ મેડિકલ ઓકિસજન (એલએમઓ) પહોચાડીને રાહત આપવાની પ્રક્રિયા ચાલુ રાખશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર રાજકોટ ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 80 ઓકિસજન એકસપ્રેસ ટ્રને ચલાવીને 8 રાજયોમાં આશરે 7716.46 ટન પ્રાણવાયુની સપ્લાય કરવામાં આવી છે. જેમાં દિલ્હી, ઉતરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ 80 ટ્રેનોમાં હાપાથી 41 અને રિલાયન્સ રેલ ટર્મિનલ કાનાલુસથી 39 ટ્રેન ચલાવવામાં આવી છે.

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા 80 એકસપ્રેસ ટ્રેન મારફત 7716.46 ટન પ્રાણવાયુની સપ્લાય

આઠ રાજયોમાં ઓકિસજન જથ્થો મોકલાયો

રાજકોટ ડિવિઝનથી 17 જૂન 2021ના રોજ વધુ બે ઓકિસજન એકસપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી છે. પ્રથમ ટ્રેન કાનાલુસથી ગુંટૂર આંધ્રપ્રદેશ માટે દોડાવવામાં આવી હતી. જેમાં 4 ટેન્કરો દ્વારા 71.97 ટન ઓકિસજન મોકલાયો બીજી ટ્રેન કાનાલુસથી બેંગ્લોર કર્ણાટક માટે દોડાવવામાં આવી જેમાં 6 ટેન્કરો દ્વારા 106.03 ટન ઓકિસજનનો જથ્થો મોકલાયો નોંધનીય છે કે ઓકિસજનની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને આ ટ્રેનોને ગ્રીન કોરિડોર હેઠલ જલ્દીથી તેમના ગંતવ્ય સુધી પહોચાડવા માટે અવિરત રસ્તો પુરો પાડવામાં આવ્યો છે.

ઓખા-અર્નાકુલમ અને રામેશ્ર્વરમ ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનના ફેરાનું વિસ્તૃતીકરણ

મુસાફરોની સુવિધા માટે રેલવેએ ઓખા એર્નાકુલમ અને ઓખા-રામેશ્ર્વરમ વચ્ચે દોડતી વિશેષ ટ્રેનોના ફેરા વધારવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ ઓખા-એર્નાકુલમ જંકશન વિશેષ ટ્રેનના ફેરા 5 જુલાઈથી 8 નવેમ્બર 2021 સુધી વધારી દેવાયા છે. જયારે એર્નાકુલમ જંકશન -ઓખા સ્પેશ્યલ ટ્રેનના ફેરા 2 જુલાઈથી 5 નવેમ્બર 2021 સુધી હાલના સ્ટોપેજ સાથે વધારી દેવામાં આવ્યા છે.

ઓખા-રામેશ્ર્વરમ સ્પેશ્યલ ટ્રેનના ફેરા 6 જુલાઈથી 9 નવેમ્બર 2021 સુધી લંબાવી દેવાયા છે. જયારે રામેશ્ર્વર-ઓખા સ્પેશ્યલ ટ્રેનના ફેરા 2 જુલાઈથી 5 નવેમ્બર 2021 સુધી વર્તમાન સ્ટોપેજ અને સમય સાથે વિસ્તારીત કરાયા છે. વિસ્તૃત ટ્રીપનું ટિકિટ બુકિંગ નિયુકત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઈટ પર 18 જૂન 2021થી શરૂ થશે. ઉપરોકત તમામ ટ્રેનો ખાસ ભાડા પર સંપૂર્ણ આરક્ષીત ટ્રેનો તરીકે દોડશે.