Abtak Media Google News

શિવસેનાનું નામ અને ચિન્હ મળ્યા બાદ હવે સંપત્તિને લઈને પણ પ્રશ્ન : સેના ભવન, 11 હજારથી વધુ શાખાઓ અને સામનાનું નિયંત્રણ કોની પાસે રહેશે ?

ભારતીય ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નિયંત્રણ સોંપ્યા પછી હવે પક્ષની નોંધપાત્ર સંપત્તિ, નાણાકીય, સામાજિક અને રાજકીય ભાવિ વિશે અનેક અટકળો ચાલી રહી છે. પાર્ટીની ઓફિસો, પાર્ટી સાથે જોડાયેલા કર્મચારીઓના યુનિયનો અને શાખાઓ પર અંકુશ મેળવવા માટે પહેલેથી જ વિખવાદ ચાલી રહ્યો છે. તેવામાં હવે શિવસેના પક્ષની રૂ. 190 કરોડની મિલ્કત સૌથી મુખ્ય રહેવાની છે. આ પ્રોપર્ટીના ઘણી કોણ થશે તેવો સો મણનો સવાલ ઉભો થઇ રહ્યો છે.

Advertisement

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનો જૂથ કે એકનાથ શિંદેને જશે? આ પ્રશ્નો ઉદ્ધવ માટે લગભગ અસ્તિત્વમાં છે. શિંદે સામે પક્ષ હારી ગયા બાદ, આ વર્ષે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ સંસાધનો માટે પડાપડી થઈ રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ અત્યાર સુધી કહ્યું છે કે પાર્ટી ફંડ ઇસીઆઈએ નક્કી કરવાનું નથી. શિંદે હવે આ રોકડ રકમ સહિત પાર્ટીની સંપત્તિઓ પર નજર રાખી રહ્યા છે તેવું સૂચવીને તેમણે તેમના જૂથ માટે સમર્થન મેળવવાનો પ્રયાસ પણ કર્યો. જો કે શિંદેએ કહ્યું છે કે તેમને કોઈપણ સંપત્તિમાં રસ નથી. જો તેઓ અમારું પ્રતીક ચોરી શકે છે, તો તેઓ બીજું કંઈપણ ચોરી શકે છે. તેઓ કંઈપણ કરી શકે છે, પરંતુ લોકો દ્વારા આ સ્વીકારવામાં આવશે નહીં. તેવું ઉદ્ધવ સમર્પિત જૂથે કહ્યું છે.

અમે તેમની મિલકતો અને પાર્ટી ફંડનો દાવો કરવા માગીએ છીએ તેવી અફવા ફેલાવીને અમને ખરાબ ચીતરવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આદર્શ રીતે પૈસા પાર્ટીના કાર્યકરોમાં વહેંચવા જોઈએ તેમ શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું છે.

ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને બંધારણીય નિષ્ણાત શ્રીહરિ અને કહે છે કે કોઈપણ પક્ષ સાથેનું ભંડોળ સામાન્ય રીતે અલગ- અલગ હેડ હેઠળ રાખવામાં આવે છે અને સંચિત રકમને ’પાર્ટી ફંડ’ તરીકે ઓળખવામાં આવે છે અને એકનાથ શિંદે હવે ’શિવસેના પાર્ટી’ના નાથ છે, તેથી તે ફંડ ઉપર દાવો કરી શકે છે. જો કે પક્ષ દ્વારા નિયંત્રિત વિવિધ ટ્રસ્ટો દ્વારા નોંધપાત્ર રકમ રાખવામાં આવી શકે છે. આ લડત ચેરિટી કમિશનર જેવી સક્ષમ અધિકારી સમક્ષ લડવી પડશે.

દાદરમાં શિવસેના ભવન પાર્ટીનું સત્તા અને સ્થાયીતાનું પ્રતીક રહ્યું છે. બાંદ્રા (પૂર્વ)માં ઠાકરે નિવાસસ્થાન માતોશ્રી સિવાય શિવસેનાની સત્તાનું ઘર હતું તો તે સેના ભવન હતું. પરંતુ હવે અચાનક પાર્ટીએ સેના ભવન અને માતોશ્રી બંને વચ્ચે અંતર બનાવ્યું છે. જ્યારે માતોશ્રી ખાનગી મિલકત છે, સેના ભવન ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત છે. આમ, બંને શિંદે જૂથની પહોંચની બહાર રહે છે.જો શિંદે જૂથ દાદરમાં સ્થિત સેના ભવન પર અંકુશ મેળવવા માંગે છે, જે સેનાનો પરંપરાગત ગઢ છે, તો તેણે ચેરિટી કમિશનર સમક્ષ લડત લડવી પડશે.

શિવસેના ભવન અમારા માટે માત્ર ઇમારત નથી પરંતુ મંદિર છે. અમે ક્યારેય શિવસેના ભવન પર દાવો નહીં કરીએ. જ્યારે પણ અમે તેની પાસેથી પસાર થઈએ છીએ, ત્યારે અમે માથું નમાવીએ છીએ તેમ સંજય શિરસાટ- શિંદે જૂથના ધારાસભ્યએ જણાવ્યું હતું.

અત્યારે તો એકનાથ શિંદે આ લડાઈ શરૂ કરવા ઉત્સુક જણાતા નથી. તેમના જૂથે સેના ભવનથી દૂર ઓફિસ ખોલી છે. જો તે આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતે છે અને પછી 2024 માં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરે છે, તો તે અકલ્પ્ય નથી કે તે સેના ભવન પર પણ નિયંત્રણ મેળવી શકે છે.

બંને પક્ષો માટે સૌથી વધુ સુસંગત બાબત એ છે કે મહારાષ્ટ્રના દરેક ખૂણામાં શાખાઓ, પક્ષના નાના- નાના કાર્યાલયોનું નિયંત્રણ. અહીં પાર્ટીનો ગ્રાઉન્ડ સપોર્ટ રહે છે. ખાસ કરીને થાણેમાં જે શિંદેનો ગઢ માનવામાં આવે છે, ત્યાં કેટલાક શાખાઓને નિયંત્રિત કરવા માટે છૂટાછવાયા વિખવાદ થઇ શકે છે.

ઠાકરે જૂથના એક વરિષ્ઠ નેતા કહે છે કે શહેરમાં 236 શાખાઓ છે, મુંબઈની બહાર, શાખાઓનું સૌથી મોટું નેટવર્ક મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં છે, જેમાં થાણે, કલ્યાણ અને નવી મુંબઈનો સમાવેશ થાય છે. તેમાં 600 શાખાઓ છે અને એકનાથ શિંદેનો જૂથ આમાંથી મોટા ભાગ પર નિયંત્રણ મેળવી શકે છે.

બાકીના મહારાષ્ટ્રમાં 10,000 શાખાઓ છે, એમ ઉદ્ધવની આગેવાની હેઠળના જૂથના એક નેતાએ જણાવ્યું હતું. આ નેતાએ જણાવ્યું હતું કે શાખાઓ સ્થાનિક નેતાઓની માલિકીની અથવા ભાડે આપેલી જગ્યાઓમાંથી ચાલે છે.

શિવસેના સંભવત: ભારતમાં એકમાત્ર એવી પાર્ટી હતી જે દરરોજ અખબાર દ્વારા તેની નીતિનું પ્રસારણ કરતી હતી. જાન્યુઆરી 1988માં સેનાના સ્થાપક બાલ ઠાકરે દ્વારા  સામના મુખપત્ર શરૂ કરાયું હતું. જોકે, આ પ્રદોધન પ્રકાશનની માલિકીનું છે તેથી, શિંદે જૂથ માટે તેના નિયંત્રણનો દાવો કરવો મુશ્કેલ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.