Abtak Media Google News

આજે છાત્રોને 100માંથી 100 ગુણ આવે છતાં તેનો ઓવરઓલ વિકાસ થયો હોતો નથી: ઓછા માર્કસવાળા ઘણા છાત્રોનો સંર્વાંગી વિકાસ સારો જોવા મળે છે

શિક્ષણની સાથે ઇત્તર પ્રવૃતિનું બહુ જ મહત્વ છે: લાઇફ સ્કિલનો વિકાસ વિદ્યાર્થીને સોળે કલાએ ખીલવે છે: પહેલા કરતાં શાળા સંકુલો શિક્ષણમાં પ્રગતિ જોવા મળે છે પણ છાત્રોમાં એટલી પ્રગતિ જોવા મળતી નથી

બાલમંદિર, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, હાઇસ્કૂલ, હાયર સેક્ધડરી કે કોલેજમાં ભણતો છાત્ર આજે સ્કૂલ લેવલે પરિક્ષામાં સારો દેખાવ કરતો હશે પણ તેના વ્યક્તિગત વિકાસમાં તે અસર જોવા મળતી નથી. 100માંથી 100 ગુણ મેળવનાર છાત્ર દશ વાક્યો જાહેરમાં બોલી શકતો નથી. હોશિંયાર બાળકો સ્કૂલની ઘણી એક્ટીવીટીમાં ભાગ જ લેતા હોતા નથી. ઓછા માર્કવાળા છાત્ર ઘણી બધી આવડત ધરાવતા હોય છે. ગુણપત્રકના માર્ક આધારે ‘આવડત’ની સાચી ઓળખ થઇ શકે કે નહીં તે બહું મોટો પ્રશ્ર્ન છે.

છાત્રોને આજના શિક્ષણનો ભાર લાગે છે જેમાં શિક્ષક-શિક્ષણ પધ્ધતિ પરીક્ષા સિસ્ટમ, વિષયોની ગુંચવણ જેવા ઘણા બધા પાસાઓ અસર કરે છે. શિક્ષણમાં ઇત્તર પ્રવૃતિનું ઘણું મહત્વ છે. પુસ્તિકીયાજ્ઞાન સિવાય છાત્રોએ ઘણું બધુ શીખીને શ્રેષ્ઠ નાગરિક બનવાનું છે એ ભૂલવું ન જોઇએ. ખાનગી અને સરકારી શાળાની સિસ્ટમો પણ જુદી-જુદી જોવા મળે છે. ખાનગી શાળામાં રાજ્ય પાઠક પુસ્તક મંડળ સિવાયના ઘણા પુસ્તકો વાલીઓ પાસે બાળકો માટે લેવડાવે છે. તાસ પધ્ધતિ હોવા છતા મસમોટાને ભારેખમ દફ્તરો ઉપાડીને ટબૂકડા શાળાના દાદરા ચડે ત્યારે હાંફતા જોવા મળે છે.

આજના યુગમાં હવે શિક્ષણમાં ઘણા બદલાવની જરૂર છે. જે તેને ભવિષ્યમાં કામ આવે તેવું કશુ જ શિખવા મળતું નથી ફક્ત કોમ્પ્યૂટરને બાદ કરતાં ચિત્ર-સંગીતને સ્પોર્ટ્સ જેવી કલાઓ તો સાવ વિસરાય ગઇ છે. આખો દિવસ ભણ-ભણને દર અઠવાડિયે આવતી ટેસ્ટથી આજના છાત્ર કંટાળી ગયો છે. નવી શિક્ષણ નિતી-2020 આવે છે પણ હજી લાગૂ પડી નથી, જોઇએ તે શું રંગ કે બદલાવ લાવે છે. છાત્રોને લાઇફ સ્કિલ આધારિત વિકાસ થાય તે આજના યુગની જરૂરીયાત છે. મુક્ત વાતાવરણમાં બાળકનો સ્વવિકાસ જ શ્રેષ્ઠ શિક્ષણ છે.

પહેલા કરતા ભલે આજે શાળા સંકુલો કે શિક્ષણમાં પ્રગતિ જોવા મળે છે પણ છાત્રોમાં પ્રગતિ જોવા મળતી નથી. દેશી રમતો, પ્રવાસ પર્યટન અને પ્રાર્થના આવા વિવિધ પાસાઓ તેને શારીરીક, માનસિક અને સામાજીક રીતે તૈયાર કરે છે. આજે ઔપચારિક શિક્ષણ જ બધે જ જોવા મળે છે. જેમાંથી બાળક કશુ જ શીખતો નથી. આસપાસનું પર્યાવરણ, ઘરનું વાતાવરણ સાથે શાળા સંકુલનું વાતાવરણ છાત્રોના વિકાસ માટે ખૂબ જરૂરી છે. સોળે કલાએ કે સંર્વાંગી વિકાસ છાત્રોનો થાય એવી શિક્ષણ પ્રથા કે સિસ્ટમ વિકસાવવાની જરૂર છે. પહેલાના શિક્ષકો કરતાં આજના શિક્ષકોએ શિક્ષણને વ્યવસાય તરીકે જોતા ઘણી મુશ્કેલી આવી છે. કોર્ષ પુરોને પરીક્ષા પુરી બસ આજ લક્ષ્યાંકને કારણે બાળક બાકી બધી વસ્તુઓ શિખતો જ નથી.

જીવન મૂલ્ય શિક્ષણ સૌથી શ્રેષ્ઠ છે, આ બાબતે હાલની એકપણ શાળા (સરકારી શાળા સિવાય) કશુ જ આયોજન કરતી નથી. સારા-નરસાની પરિભાષાની સમજ બાળકોને સમજાવવી જરૂરી છે. શરીર વિજ્ઞાન તો સાવ ભૂલાય ગયું છે. બાળકોને હાલ શિખવાતા સાત-આઠ વિષયોનું જ્ઞાન તેને શ્રેષ્ઠતા ક્યારેય અપાવી ન શકે તે માટે શિક્ષકે દિવસ-રાત એક કરીને તેના વિકાસ બાબતે સતત અને સર્વગ્રાહી કાર્ય કે મૂલ્યાંકન કરવું પડે છે. બાલ મંદિર કે પ્રાથમિકથી જ પાયાનું શિક્ષણ મજબૂત મળે તો તે છાત્રોનો વિકાસ ઝડપી બને છે.

આજે છાત્રોના રસ, રૂચિ, વલણો મા-બાપ તો ઠીક પણ શાળા પણ ઓળખી શકતી નથી. શિક્ષણના સ્વરૂપો બદલાયા તેમ શિક્ષકના સ્વરૂપો પણ બદલાયા છે. પહેલાના માસ્તર ખરેખર એક ર્માં ની જેમ ભણાવતા હતા. આજે તો બાળક મેન્ટલી જ નબળો પડી ગયો હોવાથી તેને ‘ટ્યુશન’ જ ફરી બેઠો કરે છે. શાળાએ ધ્યાન આપો કે ન આપો મા-બાપ પોતે જ ધરાર ટ્યુશનમાં મોકલે છે. બાળકમાં પડેલી છૂપી કલાઓ જોવાનો કે તેને પ્રોત્સાહન આપવાનો કોઇને સમય જ નથી. મા-બાપને તો સારા ગુણ લાવો બસ એક જ પ્રશ્ર્ન છે.

ધો.10 કે 12 બાદ કોલેજના ચાર વર્ષ બગાડવા કરતા વિવિધ ટૂંકા કોર્ષો કે રસ હોય તેની તાલિમ મેળવીને તેમાં આગળ વધવાથી પ્રગતિ વ્હેલી થાય છે. સફળ થવા માટે વિદેશમાં જ ભણવું જરૂરી નથી અહીં પણ તમે વિવિધ કોર્ષ કરીને ઝડપી પ્રગતિ કરી શકો છો. આજના સ્પર્ધાત્મક યુગમાં જનરલ નોલેજનું પણ મહત્વ છે. રીર્ટન ટેસ્ટમાં પૂછાતા પ્રશ્ર્નોના જવાબો આવડવા જરૂરી છે. આજે શાળામાં કવિતા કે બાળગીતો ગવાતા જ નથી.

પહેલાની શિક્ષણ વ્યવસ્થામાં જે આવતું કે બાળકો પાસે કરાવતા એવું આજે કશુ જ નથી જોવા મળતું. પહેલાના સામાન્ય વર્ગખંડમાં હોંશિયાર થતા બાળકો આજે સ્માર્ટરૂમમાં પણ થતાં નથી. ભૌતિક સુવિધા વધવાથી બાળક ઝડપી શીખે એ વાત ખોટી છે. શિક્ષણ પધ્ધતિ જ તરંગ-ઉલ્લાસમય હોય તો જ છાત્ર ઉમંગભેર જાતે ભણવા લાગે છે. ‘સ્વઅધ્યયન’ જ સાચુ શિક્ષણ છે.

શિક્ષકના સ્વરૂપો ઉત્તરોત્તર બદલાયા

પહેલાના જમાનામાં ‘માસ્તર’ને બાદમાં શિક્ષક શબ્દ ચલણમાં આવ્યો. જૂના શિક્ષકો ધોતી, ખેંચ અને માણા ધારણ કરીને વર્ગખંડમાં ભણાવતા હતા. બંડીવાળા થેલાવાળા માસ્તરો હતા. સમયના બદલાવ સાથે પેન્ટ-શર્ટના ટીચર કે સર આવ્યાને આજકાલ તો ટાઇ-શુટ-બુટથી સજ્જ સર જોવા મળે છે. શિક્ષણમાં પણ ટેકનોલોજીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જૂના જમાનામાં માટીની પાટી, પાણી પોતું, પાણીનો ડબ્બોને થેલીમાં દફ્તર હતું. બાદમાં પતરા કે ટીનની પેટી આવી હતી. આવા ટાંચા સાધનોમાં આખો વર્ગ હોંશિયાર બની જતો ને આજે સ્માર્ટ ક્લાસરૂમમાં પણ છાત્ર નબળોને નાપાસ થાય છે.

એક વાત નક્કી છે કે શિક્ષણમાં 1960 થી 80 નો દાયકો શ્રેષ્ઠ હતો. ત્યારનાં શિક્ષકોની સજ્જતા ભરપૂર હતી. વર્ગખંડમાં બધુ જ આવડી જતું હોવાથી ટ્યુશન પ્રથા જ ન હતી. આજે 21મી સદીમાં બધી જ અદ્યતન સુવિધા વાતાનુકલિન વર્ગખંડોમાં ભણતો છાત્ર શાળા છુટ્યા બાદ ટ્યુશનના ગધ્ધાવેંતરામાં જોડાય છે. એ જમાનાની શનીવારની ‘બાલસભા’ જ જીવનના બધા ગુણો-મૂલ્યો-સંસ્કારો સાથે જીવન કૌશલ્યોનો વિકાસ કરી દેતી હતી.

દેશી રમતો ઘણુ શિક્ષણ આપે છે

પહેલા દફ્તરનો ભાર જ ન હતો આજે તેનું વજન વિદ્યાર્થીના વજન સાથે આવી જાય છે. બાળકો શાળાએ જતાં પહેલા ગ્રાઉન્ડમાં છૂટથી કોઇની દેખરેખ વગર રમતા જેમાં ખો, હુ તુતુ, નાગોલ, મોઇ-દાંડીયા, ફેરફૂદરડી, થપ્પો, લંગડી, પકડમ-પકડી જેવી અનેક રમતોનો સમાવેશ થતો આ રમતોને કારણે બાળકોમાં લિડરશીપ, ટીમ સ્પીરીટ, ત્વરીતતા, એકાગ્રતા, ભાષા વિકાસ, યાદ શક્તિ સાથે સ્વગીત રચનાને જોડકણા સાથે ઘણી બધી વાતો શીખવા મળતી હતી. આ રમતોમાં મુક્ત હાસ્ય, નિર્દોષ ધીંગા-મસ્તી સાથે હળવાશના વાતાવરણ ઘણી બધી કસરતો સાથે બાળક પ્રવૃત્તિમાં રચ્યો-પચ્યો રહે તો જોવા મળતો.

આજે આ વસ્તું શિખવા તેના વર્ગોમાં જાય છે પણ ત્યાં એના જેવું વાતાવરણ હોતું જ નથી પહેલા તો બાળક આ બધી પ્રવૃતિથી જ ઘણુ બધુ શિખી લેતો હતો. આજે તો ઔપચારિક શિક્ષણ પધ્ધતિમાં બાળક કશુ જ શીખતો નથી. અનોપચારિક શિક્ષણમાં શિસ્ત જળવાતી અને બાળકનો પુરેપુરો વિકાસ થતો. આજે બાળક ટ્રેસમાં જ હોય ત્યાં આવું ક્યાં રમવા જાય આજના મા-બાપે રસ લઇને તેની માથે રવિવારે આનંદોત્સવ કરવો જ પડશે જો તેના બાળકનો સંર્વાંગી વિકાસ કરવો હોય તો. આ માટે સંગીત, ચિત્ર, રમતગમત જેવી પ્રવૃત્તિ કરાવવી જ પડશે.

શિક્ષણમાં પ્રવાસ-પર્યટનનું વિશેષ મહત્વ

બાળક તેના પર્યાવરણ કે આસપાસના વાતાવરણમાંથી ઘણું જ શીખે છે. છાત્રોનાં વિકાસ માટે શૈક્ષણિક પ્રવાસ જોવા લાયકસ્થળો પશુ, પંખી, પ્રાણીઓ, જંગલો, તળાવો, પહાડો જેવા વિવિધ સ્થળોએ તેમને લઇ જઇને ત્યાંથી તેઓ શિક્ષણ મેળવે તેવા આયોજન શાળાઓએ અને મા-બાપે કરવા જોઇએ. પ્રવાસ શિક્ષણનો એક સહઅભ્યાસિક પ્રવૃતિનો ભાગ છે જેના થકી બાળક ઘણું શિખતો હોય છે. વિદ્યાર્થીના જીવન ઘડતર માટે પ્રવાસ-પર્યટન ખૂબ જ જરૂરી છે. જોવાલાયક સ્થળો જો છાત્રોએ જોયા હશે તો તેના વિશે તેની કલ્પનાથી વિવિધ છણાવટ સાથે શ્રેષ્ઠ રજૂઆત પણ કરી શકશે. છાત્ર જીવનમાં દરેક પ્રવૃતિમાં બાળકોને જોડીને શિક્ષકે તેનો સંર્વાંગી વિકાસ કરવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.