નોટબંધી બાદ જાલીનોટનો નિકાલ રાજકોટમાં જ કેમ?

RUPEES | RAJKOT
RUPEES | RAJKOT

જાલીનોટનું પગેરૂ અમદાવાદ તરફ નીકળે છે પણ મુળ સુધી પહોચવું મુશ્કેલ: પુનિતનગરમાંથી ચાર કરોડની જાલીનોટ કયાં છાપી? અને કાર કોની સહિતના મુદે મુળ સુધી પહોચવા કવાયત

દેશના અર્થતંત્રને ખોખલુ કરવાના ખૌફનાક કૌભાંડ જાલીનોટનું રાજકોટ એપી સેન્ટર બની ગયું હોય તેમ દેશી દા‚ની જેમ જાલીનોટ પોલીસને મળી રહી છે. જાલીનોટ અમદાવાદથી આવ્યા બાદ તપાસ અટકી જાય છે. ગઇકાલે રૂ.૪ કરોડની જાલીનોટ સાથેની મળી આવેલી કાર પણ અમદાવાદ પાસીંગ છે ત્યારે આટલો મોટી રકમની જાલીનોટ કયાં છાપવામાં આવી અને સુત્રધાર કોણ છે તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કોઠારિયા રોડ પર રામપાર્કમાં રહેતા અને મીરા ઉદ્યોગમાં બાલાજી એન્ટરપ્રાઇઝના નામથી ભંગારનો વ્યવસાય કરતા નિતિનભાઇ બાવાભાઇ પટેલને રૂ.૫૦ લાખ રોકડાની જરૂર હોવાથી ગોંડલ રોડ પર આવેલા નક્ષત્ર કોમ્પ્લેક્ષમાં દેવર્શી એકાઉન્ટ નામની ઓફિસ ધરાવતા કેતન સુર્યકાંત દવેનો સંપર્ક કરી નિતિનભાઇ પટેલે પોતાના બેન્ક એકાઉન્ટમાંથી અમદાવાદની પેઢીમાં આરટીજીએસથી રૂ.૫૦ લાખ ટ્રાન્સફર કર્યા બાદ કેતન દવે અમદાવાદથી રોકડ રકમ મગાવી દેશે તેવા બહાના હેઠળ રૂ.૫૦ લાખની જાલીનોટ ધાબડી દેવાની ઘટનાની તપાસ દરમિયાન પોલીસે શૈલેષ બાંભણીયા, કિશોર કાનજી રામપરીયા, અનવર ઇબ્રાહીમ તાયાણી, પાર્થ જગદીશ તેરૈયા અને ઉમંગ બીપીન ગજ્જર નામના શક્સોની ધરપકડ કરી હતી.

જાલીનોટ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની પૂછપરછ દરમિયાન એકાદ કરોડની જાલીનોટ જામનગર રોડ પર રેલવેના વિસ્તારમાં સળગાવી દીધાની અને બાકીની જાલીનોટ સાથે પુનિતનગર પાસેના સુખસાગર સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં જી.જે.૧કેએ. ૮૫૫૧ નંબરની કારમાં હોવાની કબૂલાત આપી હતી. પોલીસે છાપો મારી અંદાજે ચાર કરોડની જાલીનોટ કબ્જે કરી હતી તે નોટબંધી બાદ સૌથી વધુ રકમની જાલીનોટ મળી આવી હતી.

આ પહેલાં પણ રૈયા રોડ પર હનુમાન મઢી પાસેથી અમદાવાદના શખ્સો રૂ.૨૬ લાખની જાલીનોટ સાથે ઝડપાયા હતા. તેની પૂછપરછ દરમિયાન અમદાવાદ અને બોટાદના શખ્સોની સંડોવણી બહાર આવી હતી. નિતિન પટેલને આપવા માટે જાલીનોટ પણ અમદાવાદના મયુર પાસેથી મગાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અમદાવાદમાં છપાતી જાલીનોટનો નિકાલ રાજકોટમાં જ કેમ થઇ રહ્યો છે તે અંગે ઉંડી તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જાલીનોટ કૌભાંડમાં ઝડાપાયેલા શખ્સોની પૂછપરછમાં અને સુખસાગર વિસ્તારમાંથી રેઢી પડેલી અમદાવાદ પાસીંગની કારમાંથી જાલીનોટનો મોટ જથ્થો મળી આવ્યો હતો. જાલીનોટ અમદાવાદ તરફથી જ આવી રહ્યાનું સ્પષ્ટ બન્યું છે ત્યારે જાલીનોટના મુળ સુધી પહોચી દેશના અર્થતંત્રને ખોખલુ કરતા કૌભાંડનો પર્દાફાશ કરવો જરૂરી બની ગયો છે.

પોલીસે કાર કોની માલીકીની છે, સુખસાગર સોસાયટીમાં કાર કોણ લઇને આવ્યું અને જાલીનોટ કયાં છાપવામાં આવી સહિતના મુદે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.