ભાવનગરના વલ્લભીપુરમાં પતિ સહિતના સાસરીયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

અબતક, રાજકોટ

ભાવનગર જીલ્લાના વલ્લભીપુરમાં પરણાવેલી યુવતિને પતિ સહીતના સાસરીયાઓએ દહેજની માંગણી કરી મારકુટ કરી અસહ્ય ત્રાસ આપતા પતિ સસરાના ત્રાસથી કંટાળી જઇ પરણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે પતિ, સસરા અને નણંદોય સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જસદણના આટકોટ કૈલાસપરામાં રહેતી ભાનુબેન લખુભાઇ આઢમીયા (ઉ.વ.૬૦) નામની વૃઘ્ધાએ વલ્લભીપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જમાઇ કરણભાઇ ભગુભાઇ વાઘેલા, વેવાઇ ભગુભાઇ શામુભાઇ વાઘેલા અને દિકરીના નણંદોય રાજુભાઇ ભીખાભાઇ સાઢમીયાનું નામ આપ્યું હતું.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદીની પુત્રી મુનીબેનના લગ્ન ૧૦ વર્ષ પહેલા આરોપી કરણ વાઘેલા સાથે થયા હતા અને તેના દ્વારા  એક પુત્રની પ્રાપ્તી થઇ હતી.

કરીયાવર બાબતે ત્રાસ આપી મારકુટ કરતા હતા પતિ,સસરા અને નણંદોયા સામે નોંધાતો ગુનો

પતિ-સસરા દ્વારા યુવતિને તું કરીયાવરમાં ચાંદીની પોચી કે કડલા લાવી નથી તેમ કહી અવાર નવાર મારકુટ કરી ત્રાસ આપતા હતા અને રક્ષાબંધનના બે દિવસ પહેલા  પણ પતિ-સસરાએ મારકુટ કરતા મુનીબેન માવતરે રિસામણે જતી રહી હતી.

બાદમાં બાબરાના કલોરાણા ગામે રહેતા પુત્રીના નણંદોય રાજુભાઇ સાઢમીયા સમાધાન કરી હવે પતિ કે સસરા મારકુટ નહી કરે તેની ખાત્રી આપી તેડી ગયા બાદ મુનીબેનને પતિ સસરા મારકુટ કરી ત્રાસ આપતા ગત રવિવાર તા. ૫-૯ ના રોજ મુનીબેને સાસરીયામાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ પી.એસ.આઇ. એચ.સી. ચુડાસમા સહીતનો સ્ટાફ ચલાવી રહ્યો છ અને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.