Abtak Media Google News

અશ્ર્વિનની ઉણપ ભારતના હાથમાંથી મેચ સરકાવી દેશે ?

ઓવલ ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતી સામે ઇંગ્લેન્ડે 77 રન વિના વિકેટે કરીને ટક્કર આપતી શરૂઆત કરી

 

અબતક, ઓવલ

ભારત અને ઇંગ્લેન્ડ  વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટ રોમાંચથી ભરપૂર રહી છે. ઓવલમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચની ચોથા દિવસની રમત ભારત માટે સારી રહી હતી. ભારત તરફથી ચોથા દિવસે ઋષભ પંત અને શાર્દૂલ ઠાકુરે  જબરદસ્ત રમત રમી હતી. જેને લઇને ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતીમાં પહોંચ્યુ હતુ.ભારતીય ટીમ 466 રન કરીને ઓલ આઉટ થઇ હતી. ઇંગ્લેન્ડ સામે ભારતે 368 રનનો પડકાર રાખ્યો હતો. ઇંગ્લેન્ડે ચોથા દિવસની રમતના અંત સુધીમાં 77 રન નો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના કર્યો હતો. બંને ઓપનરોએ ઇંગ્લેન્ડને સારી શરુઆત અપાવી હતી.

જે ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે. ભારતીય ટીમે બેટિંગ શાનદાર કરી તેમ છતાં પણ હજુ ઇંગ્લેન્ડની ટીમ મેદાન મારી જાય તેવી પ્રબળ શકયતા છે. ઓવલની પિચ બિલકુલ સ્લો થઈ જતા આ પિચ પર સ્પિન બોલર જ વિકેટ ચટકાવી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. બીજી બાજુ ભારતીય ટીમ પાસે તેનો સર્વશ્રેષ્ઠ સ્પિન બોલર અશ્વિન હાજર નથી ત્યારે ઇંગ્લેન્ડની ટીમ તોફાની બેટિંગ કરી સિરીઝ સરકાવી જાય તેવું પણ બની શકે છે. રોરી બર્ન્સ અને હસીબ હમિદે ઇંગ્લેન્ડનુ પલડુ મજબુત કરવા માટે પ્રયાસ કર્યો છે. બર્ન્સે 109 બોલનો સામનો કરીને 31 રન બનાવ્યા હતા. જ્યારે હમિદે 85 બોલમાં 43 રન કર્યા હતા. આમ હવે ઓવલ ટેસ્ટનો અંતિમ દિવસ ખૂબ જ રોમાંચ ભર્યો બની રહેશે.

જીતના દિવસે બંને ટીમો જીત મેળવવા માટે તમામ તાકાત અજમાવી લેશે.ભારતીય બોલરો આ જોડીને તોડવા માટે તમામ પ્રયાસો કરવા છતાં નિષ્ફળ રહ્યા હતા. ભારતે જોડીને તોડવા માટે ચાર બોલરોને વારા ફરતી બોલીંગ પર બોલાવ્ચા હતા. જેમાં યાદવ, બુમરાહ, સિરાજ અને રવિન્દ્ર જાડેજા એમ ચારેય બોલરો વિકેટની સફળતા મેળવી શક્યા નહોતા.

ચોથા દિવસની રમતની શરુઆત વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ કરી હતી. જાડેજાએ ઝડપથી વિકેટ પ્રથમ સેશનમાં ગુમાવી દીધી હતી. તેણે 17 રન 59 બોલમાં કર્યા હતા. ત્યાર બાદ ક્રિઝ પર આવેલ અજીંક્ય રહાણે શૂન્ય પર જ પરત ફર્યો હતો. આમ ભારતીય ટીમ પર મુશ્કેલી સર્જાય તેવી પરીસ્થિતી સર્જાઇ હતી. એવામાં વિરાટ કોહલી પણ અર્ધશતક પુર્ણ કર્યા પહેલા જ કેચ આઉટ થયો હતો.કોહલી 96 બોલમાં 44 રન કર્યા હતા.

તે મોઇન અલીના બોલ પર ઓવર્ટનના હાથમાં આસાન કેચ વડે પેવેલિયન પરત ફર્યો હતો. જોકે ત્યાર બાદ ઋષભ પંત અને શાર્દૂલ ઠાકુરે ઇનીંગને સંભાળી હતી. બંને એ 100 રનની શાનદાર ભાગીદારી રમત રમી હતી. બંને એ અર્ધશતક લગાવ્યા હતા. ઋષભ પંતે 50 અને શાર્દૂલે 60 રન કર્યા હતા. તેમની રમતે ભારતને મજબૂત પડકાર તરફ આગળ વધાર્યુ હતુ.ઉમેશ યાદવે અંતેમાં 2 છગ્ગા સાથે 23 બોલમાં 25 રન કર્યા હતા. બુમરાહે 4 ચોગ્ગા લગાવ્યા હતા. તેણે 24 રન કર્યા હતા. આ બંને એ ઇંગ્લેન્ડના પડકારની મુશ્કેલીઓને વધારવા માટે પ્રયાસ કર્યો હતો.

યાદવ અને બુમરાહે 36 રનની ભાગીદારી રમત રમી હતી. એન્ડરસનને આ વખતે નિરાશ થવુ પડ્યુ હતુ. તેને માત્ર એક જ વિકેટ હાથ લાગી હતી. ક્રિસ વોક્સને 3 વિકેટ મેળવવાની સફળતા મળી હતી. તેને નવા બોલ થી વિકેટ મેળવવામાં સફળતા હાંસલ થઇ હતી. ઓલી રોબિન્સન અને મોઇન અલી એ 2-2 વિકેટ ઝડપી હતી. જો રુટને એક વિકેટ મળી હતી. આ પહેલા ઇંલેન્ડે પ્રથમ દાવની રમતમાં ભારત સામે 99 રનની સરસાઇ મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.