Abtak Media Google News

વ્યાજદર વધારી લોકોને લોનથી શક્ય તેટલા દૂર રાખી, નાણાંની બચત કરાવી લિક્વિડીટી ઘટાડવાનો પ્રયાસ

એક તો હમેં આપકી લડાઈ માર ગઈ, દુસરી યે યાર કી જુદાઈ માર ગઈ, તીસરી હંમેશા કી તન્હાઇ માર ગઈ, ચોથી યે ખુદા કી ખુદાઈ માર ગઈ, બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈ… રોટી, કપડાં ઔર મકાનની ફિલ્મની આ કડી આજે ભારત માટે બરાબર લાગુ થાય છે. મોંઘવારીનો માર અત્યારે દરેકને પરેશાન કરી રહ્યો છે. ત્યારે મોંઘવારીને કાબુમાં લેવા સરકારે તલવારની ધાર ઉપર ચાલ શરૂ કરી છે. જેમાં સરકારે રેપોરેટ વધારીને લોકોને લોનથી શક્ય તેટલા દૂર રાખી, નાણાંની બચત કરાવી લિકવિડીટી ઘટાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે રેપો રેટમાં અચાનક વધારો કરવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.  રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બપોરે 2 વાગ્યે એક અણધારી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટીએ સર્વસંમતિથી રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.  કેન્દ્રીય બેંકના આ નિર્ણય બાદ હવે રેપો રેટ 4 ટકાથી વધીને 4.40 ટકા થઈ ગયો છે.  રેપો રેટ વધારવા પાછળ આરબીઆઈ ગવર્નરે જે કારણ આપ્યું છે તેનાથી લોકોના આશ્ચર્યમાં વધારો થયો છે.

Capture 11

આરબીઆઈ દ્વારા બેંકોને જે દરે લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે.  રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે બેંકોને આરબીઆઈ પાસેથી ઊંચા દરે લોન મળશે.  તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વગેરે પર વ્યાજ દર વધશે, જેની સીધી અસર  ઇએમઆઈ પર પડશે.

રેપો રેટ વધારવાની અસર હોમ લોન, કાર લોન અથવા અન્ય કોઈ લોન પર પડશે. જે લોકોને પહેલેથી જ લોન ચાલી રહી છે અથવા તમે લોન લેવાના હોય તો આગામી દિવસોમાં બેંક તરફથી વ્યાજ દરમાં વધારાને કારણે, ઇએમઆઈ પહેલા કરતા વધુ હશે.  તેનાથી નવા અને જૂના બંને ગ્રાહકોને અસર થશે.  આવું કરવા પાછળ કારણ એ છે કે લોકો લોન ઓછા પ્રમાણમાં લ્યે. અને લોકોની બચત વધે. આવું થવાથી માર્કેટમાં લિકવિડીટી ઘટશે. જેના પરિણામે ફુગાવો પણ અંકુશમાં આવશે.

બજારમાં નાણાની લિક્વિડીટી ઘટાડવાનો પ્રયાસ

એકાદ મહિના પહેલા જે મોંઘવારી ચિંતાનું કારણ ન હતી તે આજે અચાનક એટલી ગંભીર બની ગઈ હતી કે રિઝર્વ બેંકે એક જ ઝાટકે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.  એટલું જ નહીં, સેન્ટ્રલ બેંકે કેશ રિઝર્વ રેશિયોમાં 0.50 ટકાનો વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે.  ગવર્નર દાસે પોતે જણાવ્યું કે સીઆરઆર વધારવાના આ નિર્ણયને કારણે બજારમાં 83,711 કરોડ રૂપિયાની લિક્વિડિટીમાં ભારે ઘટાડો થશે.  સેન્ટ્રલ બેંકનું આ પગલું પણ ફુગાવાને કાબૂમાં રાખવા પર કેન્દ્રિત છે.

ત્રણ-ચાર મહિનામાં સ્થિતિ થાળે પડવાની સંભાવના

હાલ ફુગાવો વધ્યો હોય, મોંઘવારીનો પ્રશ્ન જટિલ બન્યો છે. આને નાથવા માટે સરકારે રેપોરેટ વધાર્યો છે. જો કે નિષ્ણાંતોના મતે ત્રણ ચાર મહિના જેટલા સમયમાં જ સ્થિતિ થાળે પડી જશે. જેને પરિણામે રેપોરેટને ફરી ઘટાડી દેવામાં આવે તેવી પણ શકયતા સેવાઈ રહી છે.

રેપોરેટમાં ઓચિંતો વધારો ઈતિહાસમાં પ્રથમ વખત થયો

આરબીઆઈએ ઓગસ્ટ 2018 પછી પ્રથમ વખત રેપો રેટમાં વધારો કર્યો છે.  કેન્દ્રીય બેંક દ્વારા લગભગ ચાર વર્ષ બાદ રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે.  આ પ્રથમ વખત છે જ્યારે એમપીસીએ કોઈપણ નિર્ધારિત કાર્યક્રમ વિના બેઠક યોજીને વ્યાજદરમાં વધારો કર્યો છે. એમપીસીની બેઠકમાં તમામ 6 સભ્યોએ સર્વાનુમતે પોલિસી રેટ વધારવાનો નિર્ણય લીધો હતો.

ભારતે જ નહીં, અમેરિકાએ પણ ફુગાવાને નાથવા વ્યાજદર સતત બીજી વખત અડધો ટકો વધાર્યો

યુએસ ફેડરલ રિઝર્વ બેંકે બુધવારના રોજ બે મહિનામાં બીજી વખત તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કર્યો છે.  આ વખતે 0.50%નો વધારો બે દાયકાના ઈતિહાસમાં સૌથી મોટો હોવાનું કહેવાય છે.  સમગ્ર બે મહિનામાં જે રીતે વ્યાજદરમાં 0.75%નો વધારો કરવામાં આવ્યો છે, તે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટો અને સૌથી ઝડપી હોવાનું કહેવાય છે.  યુએસ રિઝર્વ બેન્કનું આ પગલું અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ટોચ પર છે ત્યારે લેવામાં આવ્યું છે.  યુએસમાં તાજેતરનો ફુગાવાનો દર 8.50 ટકા માપવામાં આવ્યો હતો.  આ વધારા પછી, હવે યુએસમાં વ્યાજ દર બે મહિનામાં લગભગ શૂન્યના સ્તરથી વધીને 0.75 થી 1.00 ટકાની રેન્જમાં પહોંચી ગયા છે.  વિશ્લેષકોનું અનુમાન છે કે ફેડરલ બેન્ક વ્યાજ દરોમાં આ વધારો આગળ પણ ચાલુ રાખશે અને વર્ષના અંત સુધીમાં વ્યાજ દરો 2.50 થી 3 ટકા સુધી પહોંચી શકે છે.

ફુગાવો વધવા પાછળ યુદ્ધ સહિતના અનેક કારણો

ગવર્નર દાસના મતે રશિયા-યુક્રેન વચ્ચે એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધે રિઝર્વ બેંકને અચાનક નિર્ણય લેવાની ફરજ પાડી હતી.  તેમણે કહ્યું કે પૂર્વ યુરોપમાં ચાલી રહેલા યુદ્ધને કારણે એવી સ્થિતિ ઉભી થઈ કે આરબીઆઈને 01 ઓગસ્ટ 2018 પછી પહેલીવાર વ્યાજ દરો વધારવાનો નિર્ણય લેવો પડ્યો.  દાસના મતે, યુરોપમાં ચાલી રહેલી લડાઈ અને કેટલાક મોટા ઉત્પાદક દેશોના નિયંત્રણોને કારણે, ખાદ્યતેલ સહિત એવી કેટલીક વસ્તુઓની અછત સર્જાઈ છે, જે ભારત માટે ફુગાવા પ્રત્યે સંવેદનશીલ છે.  આ સિવાય ખાતરના ભાવમાં વધારાથી ઈનપુટ કોસ્ટમાં વધારો થયો છે અને તેની સીધી અસર ભારતમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પડી છે.

બેલેન્સ ટ્રેડ જાળવવા ભારત ઓછા ભાવે રશિયા પાસેથી ક્રૂડ મેળવવા પ્રયત્નશીલ

ભારત રશિયા પાસેથી પ્રતિ બેરલ 70 ડોલર (5352 રૂપિયા)થી ઓછામાં રશિયન તેલ ખરીદવા ઈચ્છે છે. વૈશ્વિક બેંચમાર્ક બ્રેંટ હાલ 105 ડોલર (8028 રૂપિયા) પ્રતિ બેરલ આસપાસ વેચાઈ રહ્યું છે.  જો રશિયા ભારત દ્વારા કહેવામાં આવેલી કિંમતો પર સહમત બને અને ભારતને તેલ ડિલીવર કરે તો ભારતના સરકારી રિફાઈનર એક મહિનામાં આશરે 1.5 મિલિયન બેરલ ખરીદી શકે છે જે કુલ આયાતનો 10મો હિસ્સો છે. તેમના કહેવા પ્રમાણે સરકાર સાથે સંકળાયેલા પ્રોસેસર કોઈ પણ સંભવિત સમજૂતીથી લાભાન્વિત થશે. જો આ ડીલ સફળ રહી તો બેલેન્સ ટ્રેડ જાળવવામાં થોડી મદદ મળશે. ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ રાહત થઈ શકે એમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.