Abtak Media Google News

એનડીપીએસ કોર્ટે પાંચ મુદ્દે કરેલી ટિપ્પણી જામીન માટે મોટા વિઘ્ન સમાન!!

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ગઈ કાલે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ફગાવી દીધી છે. જજ વીવી પાટિલે ૨૧ પાનાના પોતાના આદેશમાં કહ્યું કે, પહેલી નજરે જોતા જાણવા મળે છે કે આર્યન ખાન વિરુદ્ધ પુરાવા છે. આર્યન ખાનને જામીન કેમ ન મળ્યા તે જાણવા કોર્ટની આ પાંચ ટિપ્પણી સમજવી ખૂબ જરૂરી છે અને હવે હાઇકોર્ટમાં કરાયેલી જામીન અરજીમાં આર્યન ખાનને છુટકારો મળશે કે કેમ તે બાબતનો નીર્ધાર પણ આ પાંચ મુદ્દા પર જ છે.

પ્રથમ મુદ્દે કોર્ટે કહ્યું કે આર્યન અને અરબાઝ મર્ચન્ટ લાંબા સમયથી મિત્ર છે. તેઓ એક સાથે જઈ રહ્યા હતા અને તેમને ક્રૂઝ પર સાથે પકડવામાં આવ્યા હતા. બંનેએ પોતાના નિવેદનોમાં ડ્રગ્સ લેવાની વાત કબૂલી છે. જેનાથી જાણવા મળે છે કે આર્યનને ખબર હતી કે અરબાઝના જૂતામાં ડ્રગ્સ છે.

બીજો મુદ્દો છે કે, આર્યનના વકીલોએ દલીલ કરી કે તેમની પાસેથી ડ્રગ્સ મળ્યું નથી આથી તેઓ નશામાં ન હતા. જેના પર કોર્ટે કહ્યું કે આરોપી નંબર વન (આર્યન ખાન) પાસે ભલે કોઈ પ્રતિબંધિત પદાર્થ નથી મળ્યો પરંતુ આરોપી નંબર બે (અરબાઝ મર્ચન્ટ) પાસેથી ૬ ગ્રામ ચરસ મળ્યું હતું. આથી કહી શકાય કે બંનેને તેના વિશે ખબર હતી.

ત્રીજા મુદ્દાનો ઉલ્લેખ કરતા જજ વી વી પાટિલે કહ્યું કે, વોટ્સએપ ચેટથી ખબર પડે છે કે આરોપી નંબર ૧ અજાણ્યા વ્યક્તિઓ સાથે ડ્રગ્સ અંગે વાત કરતો હતો. આથી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે, આવેદક અને આરોપી નંબર વન અજાણ્યા વ્યક્તિ સાથે પ્રતિબંધિત નાર્કોટિક્સ પદાર્થની ડીલ કરતા હતા.

ચોથો મુદ્દો જણાવતા તેમણે કહ્યું કે વોટ્સએપ ચેટથી જાણવા મળે છે કે આરોપી નંબર ૧ અને ડ્રગ્સ પેડલર્સ વચ્ચે સાઠગાંઠ હતી. આરોપી નંબર ૨ સાથે પણ તેની ચેટ છે. આ ઉપરાંત આરોપી નંબર ૧થી ૮ સુધીની ધરપકડ કરાઈ અને તેમની પાસેથી કઈક માત્રમાં પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યા છે.

એનસીબીને ક્રૂઝ પર રેવ પાર્ટીની સૂચના મળી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓ સપ્લાય કરનારા લોકોના નામનો ખુલાસો કર્યો છે. જે આરોપીઓના કોઈ અપરાધિક ષડયંત્રમાં સામેલ હોવા તરફ ઈશારો કરે છે. પ્રથમ દ્રષ્ટિએ રેકોર્ડ પર રખાયેલી સામગ્રીથી જાણવા મળે છે કે આ મામલે એનડીપીએસની કલમ ૨૯ લાગૂ થાય છે.

અંતિમ મુદ્દે જજ પાટિલે જાણ્યું કે આ મામલો એવો જ છે જેવો રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીનો હતો. શોવિકની વોટ્સએપ ચેટથી પણ જાણવા મળ્યું હતું કે તે ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો. જજ પાટિલે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આરોપી એક મોટા નેટવર્કનો હિસ્સો છે. જેવું શોવિક ચક્રવર્તીના મામલે હતું. આરોપી ષડયંત્રનો ભાગ છે એટલે જે પણ ડ્રગ્સ જપ્ત થયું છે તેના માટે તે પણ જવાબદાર છે. દરેક આરોપીના મામલાને એક બીજાથી અલગ કરી શકાય નહીં.

આ મામલે વીવી પાટિલે આદેશમાં એમ પણ કહ્યું કે આ વાતોથી ખબર પડે છે કે આરોપી નંબર ૧ ને આરોપી નંબર ૨ દ્વારા પોતાના જૂતામાં છૂપાયેલા પ્રતિબંધિત પદાર્થ અંગે જાણકારી હતી. આરોપી નંબર ૧ થી ૩ (આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા) ની ગંભીર અપરાધમાં પ્રથમ દ્રષ્ટિએ સંડોવણી જોતા, આ જામીન આપવા જેવો મામલો નથી. કોર્ટે કહ્યું કે કેસના કાગળો અને આર્યન ખાન તથા અરબાઝ મર્ચન્ટના સ્વૈચ્છિક નિવેદનોથી ખબર પડે છે કે તેમની પાસે સેવન અને મોજમસ્તી માટે માદક પદાર્થ હતા.

પોતાની ચેટમાં આર્યને ભારે માત્રામાં અન્ય હાર્ડ ડ્રગ્સનો ઉલ્લેખ કર્યો. પ્રથમદ્રષ્ટિએ આ સામગ્રી દર્શાવે છે કે અરજીકર્તા નંબર ૧ (આર્યન ખાન) અભિયોજન પક્ષના આરોપ મુજબ પ્રતિબંધિત નશીલા પદાર્થોના કારોબાર કરનારા વ્યક્તિઓના સંપર્કમાં હતો.

હવે આર્યન ખાનને બોમ્બે હાઇકોર્ટમાંથી ત્યારે જ જામીન મળી શકે જ્યારે તેમના વકીલો આ મુદ્દાઓના સંતોષકારક જવાબ આપી શકે અને હાલના તબક્કે આ મુદ્દે જવાબ રજૂ કરવો ખૂબ કઠિન છે જેથી દિવાળી પૂર્વે આર્યન ખાનને છુટકારો મળે તેની સંભાવના નહિવત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.