Abtak Media Google News

ખીંચ મેરી ફોટો… ખીંચ મેરી ફોટો!!!

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીના ફોટોવાળા ૧૦ લાખ કેલેન્ડરનું વિતરણ હાથ ધર્યું

દેશભરમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે કોંગ્રેસ તેમના “નવા-ગાંધી’ની શોધ પ્રિયંકા ગાંધીમાં કરી રહ્યું છે. કોંગ્રેસ પક્ષનું સુકાની કોણે સોંપવું ? જે રીતે ભાજપનો ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ છે તે રીતે કોંગ્રેસનો ચહેરો કોણ ? તેવા સવાલો અગાઉ ઉદ્દભવ્યા હતા ત્યારે કોંગ્રેસનો ચહેરો પ્રિયંકા ગાંધી બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીને યોજાય તેના એક વર્ષ પૂર્વે જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીના ફોટોવાળું કેલેન્ડર બહાર પાડ્યું છે જે સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.

R

દિન પ્રતિદિન ચૂંટણીઓમાં વામણી સાબિત થઈ રહેલી કોંગ્રેસના સુકાનીપદમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વ પર ચોક્કસ સવાલો ઉદ્દભવ્યા છે ત્યારે કોંગ્રેસ તેના સુકાનીપદ માટે નવા ચહેરાની શોધમાં છે. જે રીતે કોંગ્રેસમાં પરિવારવાદની વાતો થતી હોય છે તેને ધ્યાને રાખીને જો વાત કરવામાં આવે તો કોંગ્રેસનું સુકાનીપદ હવે મૂળ ગાંધી પરિવારના પ્રિયંકા ગાંધી વાડ્રાને સોંપી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. ઉત્તરપ્રદેશમાં હાલ યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સરકારનું સાશન છે. તેમજ કેન્દ્રમાં મોદી મેજીક છે ત્યારે કોંગ્રેસને ફ્રન્ટફુટ પર લાવવા માટે પ્રબળ નેતૃત્વની જરૂરિયાત છે તેવા સમયમાં કોંગ્રેસે પ્રિયંકા ગાંધીના ફોટોવાળા કેલેન્ડર પ્રસિદ્ધ કરાવ્યા છે. કોંગ્રેસના ઉત્તરપ્રદેશના મીડિયા ઇન્ચાર્જ લલિત કુમારના જણાવ્યા અનુસાર કોંગ્રેસના કેલેન્ડરમાં પ્રિયંકા ગાંધીના ફોટો સાથે કોંગ્રેસે પ્રજા સાથે સાંધેલાં સંવાદ સહિતના કાર્યક્રમોના ફોટો પણ સંલગ્ન હશે.

5 3

લલિત કુમારના જણાવ્યા અનુસાર કોંગ્રેસે કુલ ૧૦ લાખ કેલેન્ડર પ્રસિદ્ધ કરાવ્યા છે. જેનું વિતરણ દરેક ગામડાઓમાં તો કરાશે જ સાથોસાથ શહેરી વિસ્તારના દરેક વોર્ડમાં પણ કરવામાં આવશે. આ મામલે પાર્ટી ઓફિસ ખાતેથી આદેશ પણ આપવામાં આવ્યા છે. શહેર અને જિલ્લાના સંગઠનોને તેમના વિસ્તારની વસ્તીને આધારે કેલેન્ડર આપવામાં આવી રહ્યા છે. કુમારે વધુમાં ઉમેર્યું હતું કે, કેલેન્ડરમાં પ્રિયંકા ગાંધીએ લોકો સાથે યોજેલા સંવાદો તેમજ તેમના સંઘર્ષની ગાથા વ્યક્ત કરતા ફોટો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

4 1

આ ફોટોયુક્ત કેલેન્ડરમાં પ્રિયંકા ગાંધીએ હાથરસ બળાત્કાર કેસમાં પીડિતાના પરિવાર સાથે હાજર રહીને ન્યાયની માંગણી માટે યોજેલ કાર્યક્રમોને ફોટો સ્વરૂપે દર્શાવવામાં આવ્યો છે.

3 5

અન્ય ફોટોની જો વાત કરવામાં આવે તો નાગરિક ધારાના અમલીકરણ બાદ સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉભો થયો હતો ત્યારે કોંગ્રેસે પણ આ બીલનો વિરોધ કર્યો હતો. આઝમગઢ ખાતે થઈ રહેલા વિરોધ પ્રદર્શન સમયે પ્રિયંકા ગાંધીએ એક બાળકીના આંશુ લૂછયા હતા તેવા ફોટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત ગાંધી જયંતિ નિમિતે પ્રિયંકા ગાંધીની પદયાત્રા, અમેઠી ખાતે યોજાયેલી જનસભા સહિતના ફોટો પણ કેલેન્ડરમાં જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.