Abtak Media Google News

રાજ્યમાં કેટલાક સમયથી મોટા પાયે ઉચ્ચ અધિકારીઓની બદલીના ઓર્ડર નિકળી રહ્યાં છે. થોડા સમય પહેલા જ IAS અધિકારીઓ જેમાં મહાનગરોના ક્લેક્ટર, કોર્પોરેશન કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની બદલીના ઓર્ડર નિકળ્યા હતા. હવે IPS અધિકારીઓના બદલીના ઓર્ડર નિકળે તેવા સૂત્રોએ અણસાર આપ્યા છે. આ તમામ બદલી અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા બાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ IPS અધિકારીઓની બદલીમાં ત્રણ મહાનગરના પોલીસ કમિશનરનો પણ સમાવેશ થઇ શકે છે.

સૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે રાજકોટ, અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનરની બદલી થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. વધુમાં સૂત્રોનું કહેવું છે કે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સુરતના પોલીસ કમિશનર બનાવાય તેમ લાગી રહ્યું છે. જ્યારે સુરત પોલીસ કમિશનર અજય તોમરને અમદાવાદ પોલીસનું સૂકાન સોંપવામાં આવી શકે છે. આ સિવાય અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ACBના ડિરેક્ટર બનાવાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલના રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જો સુરત બદલી થઇ તો તેમની જગ્યાએ કોણ રાજકોટ પોલીસ કમિશનર બનશે તે વાત પર ભારે અવઢવ ચાલી રહ્યો છે. જો કે આ માટે કેટલાક IPS ઓફિસરો પ્રબળ દાવેદાર હોવાનું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશનરની રેસમાં IPS રાજુ ભાર્ગવ, IPS કે.એલ.એન. રાવ, IPS રાજકુમાર પાંડિયન, IPS નીરજા ગોતરું, , IPS નરસિમ્હા કોરમનું નામ ચર્ચાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.