Abtak Media Google News

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં ઘટસ્ફોટ: આરબીઆઈ રૂ.૨૦૦૦ની નોટો પાછી ખેંચે અથવા નવી નોટો છાપવાનું બંધ કરે તેવી શકયતા

રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટબંધી થયા બાદ રૂ.૫૦૦ અને રૂ.૨૦૦૦ની નવી નોટો ભારતીય ચલણમાં આવી હતી પરંતુ હવે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા-આરબીઆઈ રૂ.૨૦૦૦ની નોટ પરત ખેંચે અથવા નવી ૨૦૦૦ રૂપિયાની નોટ છાપવાનું બંધ કરે તેવી શકયતા છે. આ ઘટસ્ફોટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલમાં થયો છે.

એસબીઆઈના ઈકોફલેશના અહેવાલના જણાવ્યા અનુસાર, માર્ચ વર્ષ ૨૦૧૭ સુધીમાં સરકયુલેશનમાં રહેલી નાની ચલણી નોટોનું મુલ્ય ૩૫૦૧ અબજ રૂપિયા હતું જયારે ૮ ડિસેમ્બર સુધીમાં બજારમાં ફરતી મોટી ચલણી નોટોનું મુલ્ય ૧૩,૩૨૪ અબજ રૂપિયા હતું. આ ઉપરાંત આઠ ડિસેમ્બર સુધીમાં આરબીઆઈએ રૂ.૨૦૦૦ની ત્રણ અબજ ૬૫ કરોડ ૪૦ લાખ નોટો છાપી છે.

આરબીઆઈએ લોકસભામાં રજુ કરેલા વાર્ષિક રિપોર્ટના આધારે આ બાબત એ દર્શાવે છે કે આરબીઆઈએ રૂ.૨૪૬૩ અબજની ઉંચા મુલ્યની નોટોનું પ્રિન્ટીંગ કર્યું છે પરંતુ માર્કેટમાં પુરો જથ્થો મુકયો નહીં હોય. આ સમગ્ર રીપોર્ટ એસબીઆઈના આર્થિક સલાહકાર સૌમ્યા ક્રાંતિ ઘોષ દ્વારા તૈયાર કરાયો છે. હવે, આરબીઆઈ મોટા મુલ્યની ચલણની પ્રિન્ટીંગમાં ઘટાડો અને નાના મુલ્યની ચલણી નોટની પ્રિન્ટીંગમાં વધારો કરી શકે છે. જેથી નાના મુલ્યની ચલણી નોટનું સરકયુલેશન ૩૫ ટકાની સપાટીએ પહોંચશે.

આમ રોકડની અછતને ભરપાઈ કરવા અને બેલેન્સ કરવા આરબીઆઈ રૂ.૨૦૦૦ની નોટ પાછી ખેંચે અથવા નવી નોટો છાપવાનું બંધ કરે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.