Abtak Media Google News

જુન-જુલાઈમાં ૨ લાખ ટન પામતેલનો જથ્થો આવવાથી તહેવારો દરમિયાન તેલ ગૃહિણીઓને દઝાડશે નહીં

ગુજરાતમાં લાંબા સમયથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ આસમાને જઈ રહ્યાં છે. તહેવારોની સીઝન દરમિયાન તેલના ભાવ ભડકે બળે તેવી ભીતિ હતી. અલબત ભારત અને મલેશીયા વચ્ચે થયેલી તકરારોમાં સમાધાન થઈ રહ્યું હોવાથી આગામી સમયમાં પામતેલનો મોટો જથ્થો ભારતમાં આવશે. જેના કારણે તહેવારો દરમિયાન દર વર્ષે ગૃહિણીઓના બજેટ બગાડતા તેલના ભાવમાં ચાલુ વર્ષે મહદઅંશે રાહત થાય તેવી શકયતા જોવાઈ રહી છે. આમ તો પામતેલનો ઉપયોગ ફરસાણની દુકાનો અને હોટલોમાં થતો હોય છે. બહુ ઓછા પરિવારો પામતેલનો ઉપયોગ કરે છે. અલબત બજારમાં પામતેલની આવકની અસર સિંગતેલ, કપાસીયા તેલ અને મસ્ટર્ડ તેલના ભાવમાં પણ પડશે.

મલેશીયાથી જુન-જુલાઈ દરમિયાન ૨ લાખ ટન પામતેલનો જથ્થો ભારતમાં ઠાલવાશે. જેના પરિણામે ભારતમાં સ્થાનિક બજારોમાં ભાવ ઠંડા પડશે. ભારત સરકારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ કર્યાનો વિરોધ મલેશીયાની પૂર્વ સરકાર દ્વારા થયો હતો. આ ઉપરાંત સીએએ કાયદાની અમલવારી મુદ્દે પણ મલેશીયાની પૂર્વ સરકારે દખલગીરી કરી હતી. જેના માઠા પરિણામ ભોગવવા પડ્યા હતા. ભારતની આંતરિક બાબતોમાં દખલના કારણે મોદી સરકારે મલેશીયાને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો હતો અને ભારતમાં પામતેલની આયાત મુદ્દે પરવાના પ્રથામાં કડક કાયદા-કાનૂન સહિતના નિર્ણયો લીધા હતા. જેથી છેલ્લા ચાર-પાંચ મહિનામાં મલેશીયાથી આવતું પામતેલ એકદમ ઘટી ગયું હતું.

દરમિયાન મલેશીયા પામતેલના ઉત્પાદનમાં વિશ્ર્વમાં બીજો ક્રમ ધરાવે છે. જેમાંથી મોટાભાગનું તેલ ભારત ખરીદતું હતું. હવે ભારતે શખત નીતિ નિયમોની અમલવારી કરી હતી. પામતેલની ખરીદી સામે મલેશીયાએ પણ ભારત પાસેથી કેટલીક વસ્તુની ખરીદી કરવી પડશે તેવી શરત મુકાઈ હતી. જેથી હવે મલેશીયા ભારત પાસેથી ૧ લાખ ટન જેટલા ચોખા ખરીદવા તૈયાર થયું છે. બીજી તરફ ભારતે પણ ૨ લાખ ટન પામતેલ લેવાની તૈયારી બતાવી છે. આ પામતેલ જુન-જુલાઈ માસ દરમિયાન ભારતમાં આવશે.

ભારત વિશ્ર્વમાં સૌથી મોટુ એડિબલ ઓઈલનું ઈમ્પોર્ટર છે. અત્યાર સુધીમાં મલેશીયા પાસેથી પામતેલની ખરીદી બંધ કરવામાં આવતા મલેશીયામાં ભાવ ૧૦ મહિનાના તળીયે પહોંચી ગયા હતા. ભારે પ્રમાણમાં ઉત્પાદન થયું હોવા છતાં મલેશીયાને પામતેલમાં કોઈ લેવાલ મળ્યો ન હતો. અગાઉની સરકાર દ્વારા ભારત તરફે દાખવવામાં આવેલી આડોડાઈના માઠા પરિણામો મલેશીયા ભોગવી રહ્યું હતું. અલબત તાજેતરમાં મલેશીયામાં નવી સરકાર રચાઈ હતી જે ભારત સાથે અનુકુળ સંબંધો બાંધવામાં સફળ નિવડી છે અને ભારતે ફરીથી પામતેલની આયાત શરૂ કરવાનું નક્કી કર્યું હતું. થોડા સમય માટે ભારત ઈન્ડોનેશીયાથી પામતેલનું ખરીદી કરી રહ્યું હતું. અલબત સોમવારે ઈન્ડોનેશીયાએ પણ ટન દીઠ ૫ ડોલરનો ટેકસ ઝીંકતા પામતેલ મોંઘુ થવા પામ્યું હતું. દરમિયાન મલેશીયાએ ટન દીઠ ૧૫ ડોલરનું ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી બતાવતા ભારતે પામતેલનો મોટો ઓર્ડર આપ્યો છે.

નોંધનીય છે કે, ભારત એક વર્ષમાં ૯૦ લાખ ટન પામતેલની ખરીદી કરે છે. કુલ એડિબલ ઓઈલની ઈમ્પોર્ટમાં પામતેલ ૨/૩ ભાગ ધરાવે છે. વર્ષ ૨૦૧૯માં ભારતે મલેશીયા પાસેથી ૪૦ લાખ ટન પામતેલની ખરીદી કરી હતી. અલબત ધીમે ધીમે ભારત અને મલેશીયા વચ્ચેના સંબંધો સુધરતા આગામી સમયમાં બન્ને વચ્ચે ફરીથી ભૂતકાળની જેમ વેપારી સંબંધો ગાઢ બનશે તેવું જાણવા મળે છે.

સ્થાનિક તેલના ભાવ ઉપર ધીરે ધીરે અસર થશે: મહેન્દ્રભાઇ નથવાણી (ગુલાબ ઓઇલ)

ગુલાબ સિંગતેલના મહેન્દ્રભાઈએ કહ્યું હતું કે, પામતેલની આયાતની અસર સ્થાનિક બજારો ઉપર તાત્કાલીક નહીં થાય પરંતુ ધીમે-ધીમે આસમાને જતા ભાવ સ્ટેબલ થશે. બજારમાં પામતેલ આવશે એટલે આપો આપ અન્ય શ્રેણીના તેલના ભાવ ઉપર પણ અસર થશે.

૧૫ ડોલર ડિસ્કાઉન્ટના દરે પામતેલ મળશે

મલેશીયા સાથે લાંબા સમય સુધી વ્યાપારી સંબંધોમાં ભારતે કડકાઈ દાખવતા હવે મલેશીયાને ઝુંકવું પડ્યું છે અને ઈન્ડોનેશીયા કરતા ૧૫ ડોલરના ડિસ્કાઉન્ટે ભારતને પામતેલ આપવાની તૈયારી બતાવી છે. જો આ ડિસ્કાઉન્ટ લાંબા સમય સુધી આપવામાં આવશે તો ભારત મલેશીયા પાસેથી વધુને વધુ પામતેલ ખરીદશે તેવું સુત્રો પાસેથી જાણવા મળે છે. અત્યારે મલેશીયા પાસે પામતેલના જથ્થાનો ભરાવો થયો છે. જેના કારણે ત્યાંની સ્થાનિક બજારો ઉપર પણ ગંભીર અસર પડી છે. મલેશીયાની પામ ઓઈલ ઈન્વેન્ટરી ૨ મીલીયન ટનથી વધી ચૂકી છે.

કપાસીયા તેલના ભાવ ઘટશે: સમિરભાઈ શાહ (સોમા)

રાજમોતિ ઓઈલ મીલના માલિક સમિરભાઈ શાહે કહ્યું હતું કે, પામતેલની આયાતથી સિંગતેલના ભાવ ઉપર નહીંવત અસર થશે. જો કે કપાસિયા તેલ અને મસ્ટર્ડ ઓઈલના ભાવ ઘટી શકે છે. પામોલીન તેલ સામાન્ય રીતે ફરસાણ બનાવવા કે હોટેલોમાં વપરાતું હોય છે. લોકડાઉન દરમિયાન લોકલ તેલની માંગ વધી છે. પામોલીન તેલનો વપરાશ ઘટ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.