Abtak Media Google News

આધારની માન્યતા મામલે પાંચ વર્ષ પહેલા થયેલી પીટીશનમાં વડી અદાલત આજથી સુનાવણી શરૂ કરશે

આધારની માન્યતા મામલે પાંચ વર્ષ પહેલા કરાયેલી સૌપ્રથમ પીટીશનની સુનાવણી આજે વડી અદાલતમાં હાથ ધરવામાં આવશે. મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠ આ સુનાવણી કરશે. પીટીશનમાં બાયોમેટ્રીકથી લેવાતી માહિતીનો અમર્યાદિત ઉપયોગ કરવાની સરકારની સત્તા મામલે દલિલો થઈ છે.

ઓગષ્ટ મહિનામાં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ.ખેહરની આગેવાનીવાળી ખંડપીઠના નવ ન્યાયાધીશોએ ગોપનીયતાને મુળભૂત હકક ગણતો ચુકાદો આપ્યો હતો. હવે સરકાર વડી અદાલતમાં દલીલ કરી રહી છે કે, આધાર હેઠળ ફિંગર પ્રિન્ટસના સેમ્પલ લેવા તે કોઈ પ્રાયવસીનો ભંગ નથી. સરકારે નાગરિકો પાસેથી એકઠી કરેલી વિગતો કયાં પ્રકારે કયાં ઉપયોગ થશે તેના માપદંડો નકકી કરવા અત્યંત કઠીન બાબત છે. પરિણામે વડી અદાલતમાં આ મુદ્દે અનેક વખત દલીલબાજી થઈ ચૂકી છે.

તાજેતરમાં આધારનો ડેટા લીક થયા હોવાના સમાચાર બહાર આવ્યા બાદ આધારની વિશ્ર્વસનીયતા મુદ્દે સવાલો ઉઠયા છે. ત્યારબાદ આજે વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાશે. સરકાર આધારની વિગતો લીક થયા મામલે સચેત થઈ છે. સરકારે તાજેતરમાં જ બે તબકકાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. બર્ચ્યુઅલ આઈડી દ્વારા સરકારે સિકયુરીટી મજબૂત બનાવી છે.

આગામી સમયમાં સરકાર ૧૨ આંકડાનો આધાર નંબર વધુ ગોપનીય બને તે નિર્ધારીત કરવા માટે નવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવશે. ફિંગર પ્રિન્ટ સહિતના ડેટા એકઠા કર્યા બાદ તેનો ઉપયોગ કરવા મામલે થયેલી પાંચ વર્ષ પહેલાની પીટીશનની સુનાવણી હવે હાથ ધરાશે. આજે એક રીતે આધાર ફરીથી એસીડ ટેસ્ટમાંથી પસાર થશે જેના આગામી દિવસોમાં શું પરિણામો આવશે તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.