Abtak Media Google News

એમેઝોન ઉપર રિલીઝ થિયેલી ’તાંડવ’ વેબ સિરીઝમાં હિન્દૂઓની લાગણી દુભાવાઈ હોવાના આક્ષેપ સાથે પગલાં લેવા માંગ: સોશિયલ મીડિયા ઉપર ભારે રોષ

તાંડવ વેબ સીરીઝને લઇને વિરોધ વંટોળ ફૂંકાયો છે. જેના પગલે કેન્દ્ર સરકારે એમેઝોન પાસે જવાબ માગ્યો છે. શુક્રવારે એક્ટર સૈફ અલી ખાન-ડિંપલ કાપડિયા અને અલી જીશાન આયૂબ જેવા કલાકારોની વેબ સીરીઝ તાંડવ રિલીઝ થઇ હતી. આ સીરીઝમાં કેટલાક સીનને લઇને કેટલાક લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. હિંદુઓની ભાવનાને ઠેંસ પહોંચાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર રોષનો માહોલ સર્જાયો છે. ત્યારે તાંડવ ઉપર સરકારનું ત્રીજું નેત્ર ખુલશે તેવી શકયતા છે.

મુંબઈના સંસદ મનોજ કોટક દ્વારા આ સીરીઝના મેકર્સ અને એક્ટર્સ વિરૂદ્ધ તાત્કાલિક ફરિયાદ દાખલ કરાવવામાં આવે તેવી માંગ પણ થઈ રહી છે.  આ મામલે તેમણે સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો હતો. જેમાં સીરીઝ પર એક્શન લેવાની વાત કરવામાં આવી હતી. બીજી તરફ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વિડિઓ, ડિઝની પ્લસ હોટસ્ટાર સહિતના પ્લેટફોર્મને સંચાર અને માહિતી વિભાગ હેઠળ લાવ્યા બાદ લાગણી દુભાવતા દ્રશ્યો, સંવાદ ઉપર કાતર ફરશે તેવી અપેક્ષા લોકોને હતી. જોકે ઘણી જગ્યાએ હજુ સેક્સ, ધૃણા, હિંસા, ડ્રગ, સતામણી અને અશિષ્ટતા ભરપૂર દર્શવાવામાં આવે છે, આવી સ્થિતિમાં તાંડવ સામે રોષ વ્યકત કરવામાં આવ્યો છે.

સીરીઝમાં સૌથી વધુ જીશાન આયૂબનો એક વીડિયો શેર કરી તાંડવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં આયૂબ ભગવાન શિવ બનીને કેટલીક એક્ટિંગ કરી રહ્યો છે. આ વીડિયોમાં જીશાન કેમ્પસના વિદ્યાર્થીઓની આઝાદીની વાત કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે, આ વિદ્યાર્થીઓને દેશમાં રહીને આઝાદી જોઇએ, દેશથી આઝાદી નથી જોતી. તાંડવના આ સીનને લઇને લોકોએ સોશિયલ મીડિયા પર આકરી નિંદા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.