મહારાષ્ટ્રમાં શિવસેનાના ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ ‘માંધાતા’ઓની લડાઈ જામશે ?

કેન્દ્રીય કેબીનેટ મંત્રી નારાયણ રાણેના નિવેદન અને ધરપકડ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: એકનાથ સિંદે મોટા ખેલના મુડમાં હોવાની ચર્ચાઓ

દેશના રાજકીય ઈતિહાસમાં મહારાષ્ટ્રનું ખુબજ મહત્વ રહેલું છે. શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેનો સુરજ જ્યારે મધ્યાહને તપતો હતો ત્યારે એવું કહેવામાં આવતું હતું કે, દેશના વડાપ્રધાને પણ આશિર્વાદ લેવા માટે મુંબઈ સુધી ધક્કો ખાવો પડે છે. બાલાસાહેબ ખુદ એક સરકાર હતા. કેન્દ્ર કે, રાજ્યમાં કોઈપણ પક્ષની સરકાર બને પરંતુ તેઓનું વજન ક્યારેય ઘટ્યું નથી. આજે શિવસેનાનો સુરજ જે રીતે તપી રહ્યો છે તેનો સંપૂર્ણ શ્રેય બાલાસાહેબના ફાળે જાય છે. છેલ્લા ચારેક દિવસથી મહારાષ્ટ્રના રાજકારણમાં જે ગતિવિધિ ચાલી રહી છે તેનાથી દેશ આખાનું ધ્યાન ખેંચાયું છે.

એક સમયે શિવસેનાના મોટાગજાના નેતા ગણાતા અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાં કેબીનેટ મંત્રીનો દરજ્જો ધરાવતા નારાયણ રાણેના નિવેદન અને ધરપકડ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં નવો જ રંગ પુરાયો છે. શિવસેનાના ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ નેતાઓ વચ્ચે આગામી દિવસોમાં લડાઈ જામે તેવું લાગી રહ્યું છે. પ્રમુખ શિવસેનીકો એવું માની રહ્યાં છે કે, પક્ષમાં બે ઉભા ફાડીયા કરાવવાની આ રાજરમત ચાલી રહી છે જે આગામી દિવસોમાં શિવસેના માટે ઘાતક પુરવાર થશે.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં 43 નવા નેતાને મંત્રી બનાવવામાં આવ્યા છે. જેની ઓળખ માટે દેશના અલગ અલગ રાજ્યોમાં જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. કેન્દ્રીય એમએસએમઈ કેબીનેટ મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રમાં યાત્રા દરમિયાન એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આજાદીના કેટલા વર્ષ થયા તેનું જ્ઞાન નથી. આ માટે તેઓએ અન્યને પુછવું પડ્યું હતું. જો તે સમયે હું ત્યાં બેઠો હોત તો ઉદ્ધવને એક ફડાકો મારી દેત.

કેન્દ્રીય કેબીનેટ મંત્રીના આ નિવેદન બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ભડકે બળ્યું છે. ભાજપ અને શિવસેનીકો રીતસર સામ-સામે આવી ગયા છે. એટલું જ નહીં રાણેએ ૈએવું પણ કહ્યું હતું કે, રાજ્યના શહેરી વિકાસ મંત્રી એકનાથ સિંદે અંદરથી ખુબજ મુંજવણ અનુભવી રહ્યાં છે અને તેનું નિવેદન એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે કે, રાણેને મહારાષ્ટ્ર શિવસેનામાં બે ઉભા ફાડીયા કરવા માટેનું હોમવર્ક સોંપવામાં આવ્યું છે.

જ્યારે વિધાનસભાની ગત ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટ્યું ત્યારથી બન્ને વચ્ચે બહુ ખેંચતાણ ચાલી રહી છે. એક સમયે એક જ થાળીમાં જમતા શિવસેના અને ભાજપના નેતાઓ વચ્ચે હવે જાણે બાપે માર્યા વેર જામ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ મુખ્યમંત્રીપદ માટે રોટેશન અપનાવવા તૈયાર હતુ પરંતુ તે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા માંગતું હતું. જ્યારે ઉદ્ધવની રાજહઠના કારણે બન્ને વચ્ચે ભંગાણ પડ્યું હતું. હવે મહારાષ્ટ્રનું રાજકારણ ધીમે ધીમે કરવટ બદલી રહ્યું છે.

વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ભાંગીને ભુક્કો થઈ જાય તેવું ભાજપ ઈચ્છી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. આ માટે શિવસેનાના ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ નેતા વચ્ચે જો લડાઈ જામે તો જ શિવસેનાના બે ફાડીયા થઈ શકે તેમ છે. ખાસ ટાર્ગેટ સાથે એક સમયે શિવસેનામાં કદાવર નેતા તરીકેનું સ્થાન ધરાવતા અને ત્યારબાદ સેનાનો સાથ છોડી વાયા કોંગ્રેસ થઈ ભાજપમાં આવેલા નારાયણ રાણેને કેબીનેટ મંત્રી બનાવવા પાછળનો પણ મુખ્ય ઉદ્દેશ પણ શિવસેનાને રમણ-ભમણ કરી નાખવાનો હોય તેવું લાગી રહ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ શિવસેનાના જૂના જોગીઓ જે પક્ષ છોડી અન્ય પક્ષમાં જતા રહ્યાં છે તેની વચ્ચે અને હાલ પક્ષમાં મોટા માથા બની ગયેલા નેતાઓ વચ્ચે બરાબરની ટક્કર જામશે તે નિશ્ર્ચિત છે. નારાયણ રાણે એવા નાના-સુના નેતા નથી કે તેઓને એ વાતનું જ્ઞાન ન રહે કે એક રાજ્યના મુખ્યમંત્રી વિશે કેવા પ્રકારનું નિવેદન આપી શકાય અને શું બોલી શકાય તેઓ જે બોલ્યા તેની પાછળ બહુ મોટો ઈરાદો છે.

એકનાથ સિંદે વિશેનું પણ તેઓનું નિવેદનમાં કેટલોક મર્મ છુપાયેલો છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન શક્ય તેટલા ટૂંકાગાળામાં તૂટે તેવી રમત ભાજપ રમી રહ્યું છે અને આ આખુ ઓપરેશન પાર પાડવાની જવાબદારી નારાયણ રાણેના શિરે મુકવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાણે શિવસેનાની રગે-રગથી વાકેફ છે.