Abtak Media Google News

ભાજપના ત્રણેય ઉમેદવારોનો નિશ્ચિત મનાતો વિજય જયારે કોંગ્રેસના બેમાંથી એક જ ઉમેદવાર વિજયી થઈ શકે તેમ હોય આંતરિક ખેંચતાણ પાર્ટીમાં નવા ‘ડખ્ખા’ ઉભા કરાવશે

રાજયના બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાભરી બનેલી રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. વિધાનસભામાં સંખ્યાબળની દ્રષ્ટિએ બંને પક્ષોના બે જ ઉમેદવારો જીતી શકે તેમ હોવા છતાં ત્રણ ઉમેદવાર ઉતારીને ભાજપે ફરીથી રાજકારણની કૂકરી ગાંડી કરી હતી. જે બાદ કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપતા રાજકીય સ્થિતિ અતિ રસાકસભિરી બનવા પામી હતી. કોંગ્રેસે પોતાના વધુ ધારાસભ્યો તૂટે નહી તે માટે રિસોર્ટ રાજકારણ રમીને ગઈકાલે તમામ ધારાસભ્યોને વ્હીપ આપવામાં આવ્યા છે. આ વ્હીપમાં ધારાસભ્યોને શકિતસિંહને પ્રથમ મના જયારે ભરતસિંહને બીજા ક્રમના ઉમેદવાર તરીકે જાહેર કરીને મત આપવા આદેશ કરાયો હતો. પરંતુ, હાલની સ્થિતિને જોતા ભાજપના ત્રણે ઉમેદવારોનો જયારે કોંગ્રેસના એક જ ઉમેદવારનો વિજય જ શકય છે. કોંગ્રેસના બંને ઉમેદવારો વચ્ચે પોતાના વિજય માટે આંતરિક ડખ્ખા થવાની સંભાવના છે. જેથી, આજની આ ચૂંટણી ભાજપને બખ્ખા અને કોંગ્રેસમાં ડખ્ખા કરાવવાની સાબીત થશે.

આજની રાજયસભાની ચૂંટણી પહેલા બે તબકકે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતાજેથી ગુજરાત વિધાનસભામાં હાલ ૧૭૨ ધારાસભ્યો છે જેમાં ભાજપ પાસે પોતાના ૧૦૩ અને એનસીપીનાં કાંધલ જાડેજા એમ કુલ ૧૦૪ ધારાસભ્યો છે. જયારે, કોંગ્રેસ પાસે ૬૫ અને એક અપક્ષ જીજ્ઞેશ મેવાણી એમ કુલ ૬૬ ધારાસભ્યો છે. જયારે બીટીપીના બે ધારાસભ્યો હજુ પોતાના પત્તા ખોલ્યાનથી પરંતુ આ બંને ધારાસભ્યોનું હાલમાં જે વલણ છે તે જોતા તેઓ કાંતો ભાજપને મત આપશે અથવા મતદાનમાં ગેરહાજર રહે તેવી સંભાવના છે.જેથી આ બંને સ્થિતિમાં ભાજપને જ ફાયદો થનારો છે. અને ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન આસાનીથી જીતી શકે તેમ છે.

રાજયસભાની આજની ચૂંટણીમાં ધારાસભ્યોની કુલ સંખ્યાબળ ૧૭૨ને ધ્યાનમાં રાખીએ તો દરેક ઉમેદવારને જીતવા ૪૩ મતોની જરૂર હોય છે. ભાજપ પાસે ૧૦૪ મતો નિશ્ચિત હોય તેના પ્રથમ બંને ઉમેદવારો જીત્યા બાદ વધેલા એકડાના મતને ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને આપવાનો અને ઉપરાંત સેક્ધડ પ્રેફરન્સ એટલે કે બગડાના મતથી તેમને વિજય બનાવવો ભાજપે વ્યૂહ બનાવ્યો છે.

ભાજપના ધારાસભ્યો ભૂતકાળમાં મત આપવામાં કરેલી ભૂલોની જેમ આ ચૂંટણીમાં પણ ભૂલ ન કરે તે માટે ગઈકાલે તેમને મતદાનની તાલીમ આપવામાં આવી હતી. તેવી જ રીતે કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યોને મતદાન કરવાન તાલિમ આપી હતી. કોંગ્રેસે હવે પોતાના ધારાસભ્યો ક્રોસવોટીંગ કરે નહી તે માટે પોતાના ધારાસભ્યોને એકસાથે હોટલમાં રાખીને તેમના પર ભારે દબાણ બનાવી રાખ્યું છે. અને ગઈકાલે બે ગ્રુપ બનાવીને તમામને વ્હીપ આપવામાં આવ્યો હતો.

આ વ્હીપમાં કોંગ્રેસે શકિતસિંહ ગોહિલને પ્રથમ ક્રમના જયારે ભરતસિંહ સોલંકીને બીજા ક્રમના ઉમેદવાર જાહેર કરીને તે પ્રમાણે જ મત આપવા ધારાસભ્યોને આદેશ કરાયો છે. જોકે હાલની સ્થિતિમાં કોંગ્રેસના બેમાંથી એક જ ઉમેદવાર જીતી શકે તેમ હોય કોંગ્રેસના બંને સિંહ ઉમેદવારો પોતાને પ્રથમ ક્રમનો મત આપવા ધારાસભ્યો પર દબાણ કરી રહ્યા છે. જો કોંગ્રેસમાં બે સિંહો વચ્ચેની ઈનફાઈટના કારણે હાલમાં કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોચી જવા પામી છે. જેથી કોંગ્રેસી ધારાસભ્યો મતદાન કરે પછી જ ખ્યાલ આવશે કે તેમને હાઈકમાન્ડના વ્હીપનું પાલન કર્યું છે. કે ઉલ્લંઘન જો કે, કોંગ્રેસમાં ભૂતકાળમાં વ્હીપના ઉલ્લંઘનની અનેક ઘટનાઓ બની હોય આવી સ્થિતિમાં પણ કોંગ્રેસ માટે નવાઈભરી નહીં રહેવા પામે આમ, રાજયસભાની આજની ચૂંટણી ભાજપ માટે બખ્ખા સમાન જયારે કોંગ્રેસ માટે ડખ્ખા લાવનારી પૂરવાર થશે.

કોંગ્રેસ ગઈકાલથી જ હારી ગઈ: મુખ્યમંત્રી

રાજયસભાની ચૂંટણી સંદર્ભે મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણી વિધાનસભા પહોચ્યા હતા ત્યારે તેઓએ જાહેર નિવેદન આપ્યું હતુ કે કોંગ્રેસ તો ગઈકાલથી જ હારી ગઈ છે. પરેશ ધાનાણી હારના ડરથી સુપ્રિમ કોર્ટમાં પહોચી ગયા છે. અને અંતમાં તેઓએ વિશ્ર્વાસ સાથે કહ્યું કે મતગણતરી પછી કોંગ્રેસની જુથબંધી ખૂલ્લી પડવાની છે.

કોંગ્રેસને ક્રોસ વોટીંગની ઘટનાનું પૂનરાવર્તન થવાની ભીતિ

વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે વ્હીપ આપી દીધો હોવા છતા ૮ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતુ આ વખતે પણ આ ઘટનાનું પૂનરાવર્તન થાય તેવો કોંગ્રેસને ડર સતાવી રહ્યો છે. આ વખતે કોંગ્રેસે ધારાસભ્યોના બે ગ્રુપ પાડી વ્હીપ આપ્યા છે. પંથમ નંબરે શકિતસિંહ ગોહિલ અને બીજા નંબરે ભરતસિંહ સોલંકીને પ્રેફરન્સ આપવામાં આવ્યો છે. બંને સિંહોમાંથી કોઈ સિંહનો જ વિજય થઈ શકે તેમ હોય અંદરોઅંદરની ખેંચતાણ શરૂ થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.