Abtak Media Google News

અધિકારીઓને પણ આઉટ ડોરની કામગીરી માટે વાહન અથવા પેટ્રોલ એલાઉન્સ પૈકી કોઇ એક જ સુવિધા આપો: મ્યુનિ.કમિશનરને કડક રજૂઆત

કોર્પોરેશનની આર્થિક સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. અધિકારીઓ અને કર્મચારીઓ કરકસર કરવાનું નામ સુદ્વા લેતા નથી. કોરોના કાળમાં ફિલ્ડને લગતી કામગીરી માટે વોર્ડ ઓફિસરોને ફાળવવામાં આવેલા વાહનો હવે પરત ખેંચી લેવા તથા અધિકારીઓને આઉટ ડોરની કામગીરી માટે વાહન અથવા પેટ્રોલ એલાઉન્સ બે પૈકી કોઇપણ એક સુવિધા આપવા અંગે તાજેતરમાં શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળા દ્વારા મ્યુનિ.કમિશનર અમિત અરોરાને કડક રજૂઆત કરવામાં

આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મ્યુનિ.કમિશનરને લેખિતમાં કરાયેલી આ રજૂઆતમાં શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું છે કે વૈશ્ર્વિક મહામારી કોરોનાની કામગીરી દરમિયાન ક્ષેત્રીય ફિલ્ડ કામગીરી કરવા માટે તમામ વોર્ડ ઓફિસરને કોર્પોરેશન દ્વારા વાહનની ફાળવણી કરવામાં આવી હતી. હવે સ્થિતિ થાળે પડી ગઇ છે ત્યારે મહાપાલિકા પર આર્થિક બોજ ન પડે તે માટે વોર્ડ ઓફિસરને ફાળવવામાં આવેલા તમામ વાહનો તાત્કાલીક અસરથી પરત ખેંચી લેવાની માંગણી કરવામાં આવી છે.

મહાપાલિકાના દરેક વિભાગની કામગીરીમાં ગતિશીલતા આવે તેમજ રાજકોટ મહાનગરપાલિકાને બિનજરૂરી આર્થિક નુકશાન થતું અટકે તે માટે હાલ તમામ વોર્ડ ઓફિસર્સને ફાળવવામાં આવેલા વાહનો પરત લેવા તેમજ વોર્ડ દીઠ તમામ વિભાગની જરૂરીયાત મુજબ આ વાહન ફાળવવા બાબતે સત્વરે કાર્યવાહી કરશો.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના જુદી-જુદી શાખાના અધિકારીઓ ક્ષેત્રીય કામગીરી માટે રાજકોટ મહાનગરપાલિકાના વાહનોનું ઉપયોગ કરે છે. સાથોસાથ નિયત પેટ્રોલ એલાઉન્સ પણ મેળવે છે. તે અધિકારીઓ ક્ષેત્રીય કામગીરી માટે ઉપરોક્ત બે પૈકી કોઇપણ એક સુવિધાનો જ ઉપયોગ કરે તો રાજકોટ મહાનગરપાલિકાને આર્થિક નુકશાન થતું અટકે તેમ છે.

જે ધ્યાને લઇ આ બાબતે સત્વરે જરૂરી પરિપત્ર કરશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.