Abtak Media Google News

ધારીના કેટરર્સના સ્ટાફને નડ્યો ગમખ્વાર અકસ્માત: સુરેન્દ્રનગરના ગેડીયા ગામે સપ્તાહમાં રસોઇનાં કામ માટે જતા’તા

આટકોટના સાથણી ગામ નજીક ગઇકાલ મોડી રાત્રિના સમયે બોલેરો પિકઅપ વાહન પલ્ટી મારી જતાં ધારીના કેટરર્સ સ્ટાફના 20 લોકોને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે પ્રથમ જસદણ બાદ અત્રેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાનું સારવારમાં મોત નીપજતાં અરેરાટી વ્યાપી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ડ્રાઇવરે સ્ટેયરીંગ પર કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.

આ અંગે બનાવની મળતી વિગતો અનુસાર આટકોટ નજીક આવેલ સાથાણી ગામ પાસે મોડી રાત્રિનાં બોલેરો પીકઅપ વાહન પલ્ટી મારી જતાં તેમાં બેસેલા 20 લોકોને ગંભીર ઇજા પહોંચતા તેઓ તમામને સારવાર અર્થે પ્રથમ જસદણ બાદ અત્રેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવારમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ આટકોટ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, ધારીનો કેટરર્સનો સ્ટાફ સુરેન્દ્રનગરના ગેડીયા ગામે સપ્તાહ હોવાથી ત્યાં તેઓએ કેટરર્સનું કામ રાખ્યુ હોવાથી ત્યાં બોલેરો પિકઅપ વાહનમાં જતો હતો. તે વેળાંએ આટકોટ નજીક ડ્રાઇવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતાં બોલેરો પલ્ટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમાં બેઠેલા 20 લોકોને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે જસદણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

પરંતુ તેઓમાનાં 17 લોકોની હાલત ગંભીર હોવાથી તેઓને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાંના શરદબેન ઉર્ફે શારદાબેન મગનભાઇ ડાભી (ઉ.વ.55, રહે. જસદણ)ને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવાર શોકમાં ગળકાવ થયો છે. બોલેરો વાહનનો ગુડકો એટલે કે તાણીયો તૂટી ગયો હોવાથી ડ્રાઇવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આટકોટ પોલીસે હોસ્પિટલે દોડી જઇ અને જરૂરી કાર્યવાહી હાથધરી છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની યાદી

આટકોટ નજીક બોલેરો પલ્ટી મારી જતાં 20 લોકોને ઇજા પહોંચી હતી. જેમાં રાજુબેન સનાભાઇ ડાંગરીયા (ઉ.વ.55), અજાણી સ્ત્રી (ઉ.વ.50) (રહે. સાથણી-જસદણ), દયા જીવરાજ રાઠોડ (ઉ.વ.30), ભાણુબેન, વિલાશબેન, પાયલબેન મનસુખ વેસરા (ઉ.વ.23, બગસરા), અસ્મિતાબેન બાવસન સિસણાદા (ઉ.વ.22, ધારી), સુમીતાબેન જીતુ ડુંગરીયા (ઉ.વ.30, ધારી), ભગવતીબેન રમેશ રાફુસા (ઉ.વ.38, બગસરા),

મંજુબેન ભૂતપભાઇ અઘેડા (ઉ.વ.40, ધારી), હિરલબેન નિલેશ રાજેશ (ઉ.વ.25, દુધાળા), દયાબેન જીવરાજ (ઉ.વ.30), જીતુબેન હરજીભાઇ શેખ (ઉ.વ.50), પ્રભાબેન ભગવાન વાઘેલા (ઉ.વ.45, ધારી), કંચનબેન ભાનુભાઇ સાવલીયા (ઉ.વ.50, બગસરા), ભદરાબેન નાનજીભાઇ ગોહિલ (ઉ.વ.66, બગસરા), શારદાબેન ઉર્ફે શરદબેન મગનભાઇ ડાભી (ઉ.વ.55) અને અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. જેમાં શારદાબેન ઉર્ફે શરદબેનનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.