Abtak Media Google News

કચ્છમાં બે દિવસ કોલ્ડ વેવની આગાહી: રાજકોટમાં 11 ડિગ્રી લધુતમ તાપમાન સાથે સીઝનમાં સૌથી ઠંડો દિવસ: સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીનો બોકાસો

ગિરનાર પર્વત પર પારો 8.4 ડિગ્રી સુધી પટકાતા પ્રવાસીઓ કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા

કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. કચ્છનું નલીયા આજે લધુતમ 4.6 ડીગ્રી સેલ્સીયસ તાપમાન સાથે કાતીલ ઠંડીમાં થર થર ધ્રુજી ઉઠયું હતું. રાજકોટમાં તાપમાનનો પારો 11 ડીગ્રી સુધી નીચો પટકાયો હતો. આજે રાજકોટ રાજયનું ત્રીજા નંબરનું સૌથી ઠંડુ શહેર બન્યુ હતું. કંડલા એરપોર્ટ પર તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં 9.9 ડીગ્રી નોંધાયો હતો. આવતીકાલે પણ કચ્છમાં કોલ્ડ વેવનો જારી રહેશે. સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજયમાં કાતીલ ઠંડીનો બોકાસો વર્તાયો હતો. આગામી દિવસોમાં હજી ઠંડીનું જોર સતત વધશે, નલીયામાં બે દિવસમાં ઠંડીનું જોર બમણું થઇ ગયું છે. છેલ્લા એક સપ્તાહથી નલીયાનું તાપમાન સતત સિંગલ ડિજિટમાં નોંધાઇ રહ્યું છે.

Advertisement

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટયન્સના કારણે જમ્મુ-કાશ્મીર સહીત દેશના ઉતરીય પહાડી રાજયોમાં હિમવર્ષા થઇ રહી છે. ઉતર ભારત અને પશ્ર્ચિમ ભારત તરફથી ફુંકાતા ઠંડા પવનોના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વઘ્યું છે. કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે જેની અસર તળે આજે કચ્છના નલીયાનું લધુતમ તાપમાન 4.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયુઁ હતું. ગઇકાલે પણ નલીયા 6 ડિગ્રી સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાયુ હતું. લધુતમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાતા નલીયાવાસીઓ ગાત્રો થીજાવતી ઠંડીમાં રિતસર ઠુંઠવાઇ ગયું છે. આવતીકાલે પણ નલીયા સહીત સમગ્ર કચ્છમાં કોલ્ડવેવ જારી રહેશે.

રાજકોટમાં આજે લધુમત તાપમાનનો પારો 2.7 ડીગ્રી સુધી નીચો પટકાયો હતો આજે 11 ડીગ્રી લધુતમ તાપમાન સાથે રાજકોટમાં ચાલુ સાલ શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ બની રહ્યો હતો. આજે રાજકોટ રાજયનું ત્રીજા નંબરનું સૌથી ઠંડુ શહેર બની ગયુ હતું. નલીયા અને કંડલા એરપોર્ટ આ બે સ્થળોએ જ રાજકોટ કરતા ઠંડી પ્રકોપ વધુ છે.

આજે કંડલા એરપોર્ટનું લધુતમ તાપમાન 9.9 ડીગ્રી, ભુજનું તાપમાન 11 ડીગ્રી, કંડલા પોર્ટ પર 1ર ડીગ્રી, ભાવનગરનું તાપમાન 14.6 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 12.5 ડીગ્રી, અમરેલીમાં 14 ડીગ્રી, પોરબઁદરમાં 1ર.ર ડીગ્રી, વેરાવળમાં 16.9 ડીગ્રી, દ્વારકામાં 1પ.6 ડીગ્રી, ઓખામાં 29.8 ડીગ્રી, ડિસામાં 12.5 ડીગ્રી અને દિવનું લધુતમ તાપમાન 14 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.

આવતીકાલે પણ કચ્છમાં કોલ્ડવેવ યથાવત રહેશે આગામી દિવસોમાં રાજયમાં કાતીલ ઠંડીનો દૌર શરુ થશે. ગુજરાતમાં ર0 થી 27 ડીસેમ્બર દરમિયાન કાતીલ ઠંડી પડશે. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થવાની સંભાવના છે જેની અસર તળે રાજયમાં ઠંડીનું જોર વધશે. આજે રાજયભરમાં ઠંડી એકા એક વધતા લોકો થર થર ધ્રુજી ઉઠયા હતા. રાજકોટ રાજયનું ત્રીજા નંબરનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. વહેલી સવારે રાજકોટવાસીઓને ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ કર્યા હતો.  વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ4 ટકા અને પવનની સરેરાશ ઝડપ 7 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.

જૂનાગઢ શહેરમાં ગઈકાલ રાતથી ઠંડીનો પારો નીચો જતા લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. તો ગિરનાર પર્વત પર 8.4 જેટલું લઘુતમ તાપમાન રહેતા ભવનાથ વિસ્તારના લોકો અને પ્રવાસીઓએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારથી લઈને મંગળવાર સુધી ઠંડાગાર પવન ફૂંકાશે અને લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી સુધી પહોંચી જશે જેથી ઠંડીમાં વધારો થશે.

જુનાગઢ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો નીચે નોંધાય રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોસમ વિભાગે નોંધેલ આંકડાઓ અનુસાર સવારે મહત્તમ તાપમાન 18.6 અને લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી ની સાથે પવનની હતી 6.1 કિમી. અને ભેજનું પ્રમાણ 77% નોંધાયું છે, જ્યારે ગિરનાર પર્વત પર ઠંડીનો પારો 8.4 પર પહોચ્યો છે. જેને લઇને લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે

દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોસમ વિભાગના ધીમંત વઘાસીયાના જણાવ્યા અનુસાર, 15 ડિસેમ્બરથી ઉત્તર ભારતીય વિસ્તારો અને ઉત્તર પશ્ચિમી મેદાની ભાગોમાં વેધર ડિસ્ટર્બન્સની અસર થશે. જેના કારણે બરફ વર્ષા તેમજ હિમવર્ષા થઈ શકે છે. ત્યાંરે હિમવર્ષા કે બરફ વર્ષાના કારણે ઉત્તરીય અને ઈશાની પવન ફૂંકાતા જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે. પરિણામે શુક્રવારથી લઈને મંગળવાર સુધી ઠંડાગાર પવન ફૂંકાશે અને લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી સુધી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.