Abtak Media Google News

છેડતી અંગેની ફરીયાદ નોંધાવી હોવા છતાં પોલીસ તંત્રની રહેમનજર તળે આ શખ્સ સામે કાર્યવાહી થતી ન હોવાનો પોલીસ કમિશનર સમક્ષ મહિલાઓનો ઉકળાટ

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રામાપીર ચોકડી પાસે આવેલા શાસ્ત્રીનગર વિસ્તારની મહીલાઓની રમેશ મેરાભાઇ મકવાણા નામનો આહિર શખ્સ લાંબા સમયથી છેડતી કરે છે. આ શખ્સની સામે થનારી મહીલાઓ પર નિર્લજજ હુમલા પણ કરતો રહે છે. જેથી આ શખ્સ સામે તાજેતરમાં એક મહિલાએ પોલીસ ફરીયાદ નોંધાવી હોવા છતાં પોલીસ તંત્રમાં કોઇ કાર્યવાહી ન કરતા વિસ્તારની મહીલાઓએ આજે પોલીસ કમિશ્નરને રજુઆત કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.

આ અંગે વિસ્તારવાસી મહીલાઓએ કરેલા કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે રામાપીર ચોકડી પાસે રમેશ મકવાણા પોતાની યુટીલીટી ઉભી  રાખીને અહીંથી પસાર થતી બહેનો-દીકરીઓ સામે બિભત્સ ઇશારાઓ કરીને પજવણી કરતા રહે છે. આ પજવણી અંગે વિસ્તારવાસીઓ તેને સમજાવા જાય તો તેને ધાકધમકી આપીને પોતાને પોલીસમાં લાગવાગ હોવાની દાટી મારીને ખોટા કેસમાં પુરાવી દેવાની ધમકી આપતો રહે છે.

તાજેતરમાં આ માથાભારે શખ્સને પ્રવિણભાઇ ચાવડા નામના નાગરીક સમજાવવા ગયા હતા તો તેની સામે આ શખ્સે પોલીસમાં ખોટી અરજી કરીને હેરાન-પરેશાન કર્યા હતા. જે બાદ બેફામ બનેલા રમેશે ગઇકાલે સોનલબેન ચાવડા નામની મહીલાની પજવણી કરી હતી. સોનલબેને તેનો પ્રતિકાર કરતા તેના પર નિર્લજજ હુમલો કરીને કપડા ફાડી નાખ્યા હતા. જેથી આ અંગેની સોનલબેને ફરીયાદ કરવા ગયા તો હદના મુદ્દે ગાંધીગ્રામ, યુનિવર્સિટી વગેરે પોલીસ સ્ટેશનના સ્ટાફે ધકકા ખવડાવ્યા હતા. જે બાદ મહીલા પોલીસ સ્ટેશનમાં આ શખ્સ સામે ફરીયાદ નોંધી હતી. પરંતુ, આ ફરીયાદ બાદ પોલીસ તંત્રએ નકકર કાર્યવાહી ન કરતા આ શખ્સ બેફામ બન્યો હોય તેમ ધાકધમકી આપતો રહે છે. જેવો આક્ષેપ કરીને આ વિસ્તારવાસી મહીલાઓએ આ માથાભારે શખ્સ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી પોલીસ કમિશ્નર સમક્ષ રજુઆત કરી હતી આ રજુઆત અંગે પોલીસ કમિશ્નરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.