Abtak Media Google News

૨૦ વખત ફરિયાદ કરવા છતાં સમસ્યાનો હલ ન આવતા મહિલાઓ રજૂઆત કરવા કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા

વોર્ડ નં.૭માં રામનાથપરા વિસ્તારમાં પોલીસ ચોકી સામે આવેલા ઓમ બ્યુટીપાર્લર સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા આઠ માસથી ડહોળુ પાણી આવી રહ્યું હોય. સતત રજૂઆત કરવા છતાં ફરિયાદનો નિવેડો ન આવતા આજે મહિલાઓનું એક ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયને હાથ જોડી સમસ્યાનો તાત્કાલીક નિવેડો લાવવા રજૂઆત કરી હતી.મહિલાઓએ મેયરને જણાવ્યું હતું કે, વોર્ડ નં.૭માં રામનાથપરા વિસ્તારમાં છેલ્લા ૮ માસથી અત્યંત ડહોળુ પાણી આપવામાં આવે છે. આ અંગે તેઓએ ૨૦ વખત મહાપાલિકાના અલગ અલગ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો કોઈ નિવેડો આવતો નથી. ચાર વખત અધિકારીઓ રૂબરૂ આવીને તપાસ કરી ગયા છે અને છેલ્લા આઠ દિવસથી અહીં ખાડા ખોદી રાખી દેવામાં આવ્યા છે. કોઈ અધિકારીને ફરિયાદ કરવામાં આવે તો તેઓએ એવું બહાનું કાઢે છે કે આ વિસ્તાર અમારામાં આવતો નથી. જેના કારણે અમે છેલ્લા ૮ દિવસથી પાણી પ્રશ્ર્ને હાડમારી વેઠી રહ્યાં છીએ.એક મહિલાએ કરગરતા મેયરને એવી રજૂઆત કરી હતી કે, તમે ઈચ્છતા હોય તો અમે તમોને હાથ-પગ જોડીને પણ વિનંતી કરવા તૈયાર છીએ. તાત્કાલીક અસરથી અમારી પાણીની સમસ્યા હલ કરો. આ વિસ્તારમાં અન્ય લોકો ઈલેકટ્રીક મોટર મુકી પાણી ખેંચી લે છે જેના કારણે અમને પુરતા ફોર્સથી પાણી મળતું નથી. આ અંગે પણ અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. મહિલાઓને રજૂઆતને ધ્યાનમાં રાખી મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે તાત્કાલીક વોર્ડ ઓફિસરને ફોન પર સમસ્યાનો તાકીદે નિકાલ કરવા સુચના આપી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.