Abtak Media Google News

ઘણી સ્ત્રીઓને એ પ્રશ્ન કે સમસ્યાઓ થતી હોય છે કે પોતાના પાર્ટનરને અગત્યના દિવસો જેમ કે લગ્ન તારીખ, સગાઈ તારીખ, જન્મદિવસ કે પ્રથમ વખત પ્રપોઝ કર્યાની તારીખો યાદ નથી રહેતી અને તેને કારણે નાના મોટા સંઘર્ષો થતા રહે છે. સ્ત્રીઓ માટે અગત્યના દિવસોનું મહત્વ અલગ હોય છે અને જેને તે લાગણી કે પ્રેમ સાથે જોડીને રાખે છે. પણ જ્યારે તેની આ લાગણીઓને ઠેસ પહોંચે છે ત્યારે તે દુ:ખી થાય છે. ખાસ કરીને સબંધને લગતી સ્મૃતિ કોની વધુ મજબૂત છે એ જોવા અને તેને વિષે લોકોના મંતવ્યો જાણવા મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશી દ્વારા 1084 લોકો પર સર્વે કરવામાં આવ્યો જેમાં સબંધ વિશેની સ્મૃતિ સ્ત્રીઓમાં વધુ જોવા મળી. સર્વેમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશી દ્વારા 1084 લોકો પર સર્વે કરવામાં આવ્યો જેમાં સબંધ વિશેની સ્મૃતિ સ્ત્રીઓમાં વધુ જોવા મળી

સંબધ પર સ્મૃતિની અસરો ઘણી થાય છે ત્યારે સંબધને બચાવવા અને ટકાવવા માટે જરૂરું છે કે બને તો તમારા અગત્યના દિવસો યાદ રાખવા પ્રયત્ન કરો, યાદ ન રહે તો રિમાઇન્ડર સેટ કરી તમારા પાર્ટનરને અચાનક જ નાની સરપ્રાઈઝ આપો, જે રીતે લોનના હપ્તા કે બેન્કના હપ્તાની તારીખો યાદ રાખો છે તેમ તમારા પાર્ટનરના પણ અગત્યના દિવસો યાદ રાખવા પ્રયત્ન કરો, મોબાઈલમાં નામની સાથે જ તારીખ પણ સેવ કરી શકાય જેથી જ્યારે જ્યારે ફોન કરવા મોબાઈલ લેશો એક જ તારીખ વારંવાર સામે આવે જેથી યાદ રહી શકે, જે જગ્યાએ વધુ બેસવાનું થતું હોય ત્યાં તારીખો લખીને રાખો જેથી રોજ વાંચી શકાય.

પુરૂષનું મગજ એક સ્ત્રીના મગજ કરતાં સાઈઝમાં 9 ટકા મોટું હોય છે

આપણા મગજના 2 રસાયણ ખૂબ જ જરૂરી હોય છે. એક છે ઓક્સિટોસિન, જેના કારણે આપણને પ્રેમ, લાગણી અને લોકો જોડે સમય વિતાવવાની ઇચ્છા થાય છે. જ્યારે ડોપામાઇન નામના રસાયણના કારણે પ્લેઝર મળે છે. આ કારણોસર વાતચીત અને ગોસિપ કરવી, શોપિંગ કરવું, એકબીજાનાં રહસ્યો શેર કરવા, કપડાં અને હેર સ્ટાઇલ સાથે એક્સપરિમેન્ટ કરવું વગેરે એક સ્ત્રીને ખૂબ ગમે છે. મોટાભાગની ટીનએજ છોકરીઓ એટલે જ ફોન પર કલ્લાકો અને કલ્લાકો વાતો કરતી હોય છે. કોઈપણ સિચ્યુએશનમાં સામાન્યપણે પુરુષ ડાબા મગજનો વધારે ઉપયોગ કરશે, જે આપણા લોજિક, વાસ્ત્વિકતાલક્ષી વિચારો માટે જવાબદાર છે, જ્યારે કે કોઈ સ્ત્રી જમણા મગજનો વધારે ઉપયોગ કરશે જે ઈમોશન, આર્ટ, ન બોલાય એવા શબ્દો પર વધારે ધ્યાન આપે છે.

શા માટે સ્ત્રીઓ અમુક દિવસો વધુ યાદ રાખી શકે છે?

માણસને પાંચ ઇન્દ્રિય હોય છે જેનાથી એ અનુભવ કરી શકે છે. પણ આપણે સાંભળીએ પણ છીએ અને અનુભવીએ પણ છીએ કે સ્ત્રીની સિક્સ સેન્સ મજબૂત હોય છે. આ સિક્સ સેન્સ એટલે વ્યક્તિને ઓળખવાની કે તેની સાથે જોડાયેલ ઘટનાઓને યાદ રાખવાની એક શક્તિ. વિવિધ સંશોધન અનુસાર સ્ત્રીઓની એપિસોડિક મેમરી વધુ મજબૂત હોય છે. માટે દરેક ઘટનાઓને એ સારી રીતે યાદ રાખી શકે છે.

એપિસોડિક મેમરી એ આત્મકથનાત્મક સ્મૃતિ છે જે ઘટનાઓને સારી રીતે યાદ કરવામાં સક્ષમ છે. જેમ કે પ્રથમ વખત આપેલ ભેટ, પ્રથમ વખત મળ્યા એ જગ્યા, સમય, વાર બધું યાદ રાખી શકે. સામાન્ય રીતે પુરુષોને કમાવવાનું અને આર્થિક ઉપાર્જન કરવાનું હોય છે. માટે તેની સાથે જોડાયેલ દરેક બાબત સારી રીતે યાદ રાખી શકે જ્યારે સ્ત્રીઓને સંભાળ અને પોષણ સાથે લાગણીની મૂર્તિ માનવામાં આવે છે માટે એ દરેક દિવસો જે તેની લાગણી સાથે જોડાયેલા હશે તે તેને સારી રીતે યાદ રહી શકતા હોય છે.

હોર્મોનની અસર પણ ક્યાંય સ્મૃતિ પર થઈ શકે છે જેમ કે જર્નલમાં પ્રકાશિત થયેલ સંશોધન મુજબ ટેસ્ટસ્ટેરોનની અસર બોધત્મક કાર્ય પર થતી જોવા મળે છે. સ્મૃતિ એક પ્રકારનું બોધાત્મક કાર્ય છે જેના પર પણ તેની અસર જોવા મળી શકે. સામાન્યપણે આપણે એવું માનતા હોઈએ છે કે લોકોની માનસિકતા એમના ઉછેર, સંસ્કાર અને મા-બાપ પર નિર્ભર હોય છે. પરંતુ કેટલીક વસ્તુઓ આપણા વિશે એવી હોય છે કે જેનું મૂળ તત્ત્વ પુરુષત્વ અથવા સ્ત્રીત્વ છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેનો ભેદ ખાલી માણસોમાં જ નહીં પરંતુ પશુ-પક્ષીઓમાં અને ઝાડ-પાન તેમજ ફૂલોમાં પણ જોવા મળે છે.

સર્વેના તારણો

  • કોને જીવન સાથે જોડાયેલ અગત્યના દિવસોની તારીખો યાદ રહે છે? જેમાં 13% લોકોએ સ્ત્રીઓ જણાવ્યું.
  • જેની સાથે લાગણીથી જોડાયેલ હોય એ દિવસોની તારીખો અને સમય કોને સારી રીતે યાદ રહે છે? જેમાં 20% લોકોએ સ્ત્રીઓ જણાવ્યું
  • પોતાના અંગત વ્યક્તિના અગત્યના દિવસો (જન્મદિવસ, લગ્ન તારીખ, સગાઈ તારીખ વગેરે)કોને વધુ યાદ રહે છે? જેમાં 60% લોકોએ સ્ત્રીઓ જણાવ્યું
  • જ્યારે સંબધની શરૂઆત હોય ત્યારે કોને અંગત વ્યક્તિના બધા દિવસો કે તારીખો યાદ રહેતી હોય છે? જેમાં 10% લોકોએ પુરુષો જણાવ્યું
  • સંબંધ આગળ વધતા આ પ્રકારના દિવસોની સ્મૃતિ કોની નબળી પડે છે? જેમાં 72% લોકોએ પુરુષો જણાવ્યું
  • અગત્યના દિવસો ભૂલી જાય ત્યારે કોણ દુ:ખની લાગણી વધુ અનુભવે છે? જેમાં 30% લોકોએ સ્ત્રીઓ જણાવ્યું
  • જે પ્રમાણેની અપેક્ષા અંગત વ્યક્તિ પાસેથી હોય એ પ્રમાણેનું વર્તન ન થાય ત્યારે કોણ વધુ દુ:ખ અનુભવે છે? જેમાં 70% લોકોએ સ્ત્રીઓ જણાવ્યું
  • વર્ષો વિતતા કોણ અગત્યના દિવસો ભૂલતા જાય છે? જેમાં 10% લોકોએ પુરુષો જણાવ્યું
  • કોણ અગત્યના દિવસો સારી રીતે યાદ રાખી શકે છે? જેમાં 82% લોકોએ સ્ત્રીઓ જણાવ્યું
  • સંબંધોમાં અગત્યના દિવસોને લાગણી કે પ્રેમ સાથે કોણ જોડીને રાખે છે? જેમાં 50% લોકોએ સ્ત્રીઓ જણાવ્યું
  • સંબંધોમાં આવતી દુરીનું એક કારણ એ આ પ્રકારની ભૂલો પણ છે? જેમાં 60% લોકોએ હા જણાવી
  • તમે માનો છો કે અગત્યના દિવસોની ઉજવણી સંબંધોને મજબૂત બનાવે છે? જેમાં 80% લોકોએ હા જણાવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.