Abtak Media Google News

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો આજથી સાઉથમ્પટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં શરૂ થઈ ચૂક્યો છે. આ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-૧૧ જાહેર કરી દેવાઈ છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ ૨ સ્પિનર્સ અને ૩ ફાસ્ટ બોલર્સની સાથે મેદાનમાં ઉતરશે.

પરિસ્થિતિ વિપરીત બને તો પણ ટીમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા તત્પર : કોહલીનો વિજય વિશ્વાસ 

અશ્વિન અને જાડેજા સ્પિન ડિપાર્ટમેન્ટ સંભાળશે. તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા પેસ બોલિંગની જવાબદારી સંભાળશે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે.

ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માની સાથે શુભમન ગિલ ઓપનિંગ કરશે. ગિલે પ્રેક્ટિસ મેચમાં ૧૩૫ બોલમાં ૮૫ રનની ઈનિંગ રમી હતી. સેકન્ડ ઓપ્શન મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલ પણ હતા, પરંતુ કેપ્ટન કોહલીએ તેના પર વિશ્વાસ નથી મુક્યો. ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિતે ૧૧ મેચમાં ૬૪.૩૭ ની સરેરાશથી ૧૦૩૦ રન બનાવ્યા છે. ૪ સેન્ચુરી પણ ફટકારી છે. શુભમને ૭ ટેસ્ટમાં ૩૪.૩૬ની સરેરાશથી ૩૭૮ રન ફટકાર્યા છે.

ટીમ ઈન્ડિયામાં મિડલ ઓર્ડરની જવાબદારી કેપ્ટન કોહલી, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને વિકેટકીપર બેટ્સમેન રૂષભ પંત પર હશે. પંતે પ્રેક્ટિસ મેચમાં સેન્ચુરી પણ ફટકારી છે. તેને ૯૪ બોલમાં ૧૨૧ રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી.

પ્રી મેચ કોન્ફરન્સમાં ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે, વિશ્વની શ્રેષ્ઠ ટીમનો નિર્ણય પાંચ દિવસની અંદર કરવો મુશ્કેલ છે. આ અમારા માટે એક સામાન્ય ટેસ્ટ મેચ જ રહેશે. ભારતીય ટીમ સાઉથહેમ્પટનમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ફાઇનલ મેચ રમશે.

કોહલીએ કહ્યું- માત્ર એક ટેસ્ટ સત્યતા પ્રકાશિત કરી શકતી નથી. સત્ય તો એ છે કે અમે છેલ્લા ૪-૫વર્ષથી ટેસ્ટ મેચમાં જીત પ્રાપ્ત કરતા આવ્યા છીએ. અમે અત્યારે માત્ર અમારી તૈયારીઓ પર ધ્યાન આપી રહ્યાં છીએ. અમે અહીંયા માત્ર એક ટેસ્ટ રમવા નથી આવ્યાં. અમારું ધ્યાન ઈંગ્લેન્ડ ટૂરની અન્ય ૬ મેચ પર પણ રહેલું છે.

કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે મારા માટે આ એક સામાન્ય મેચ સમાન હશે. દર્શકો માટે આ રસપ્રદ રહેશે. એક ટીમના દ્રષ્ટિકોણથી અમે શ્રેષ્ઠ પ્રદર્શન તથા પોતાની ગેમને અપગ્રેડ કરવાનું ચાલુ રાખીશું. અમે જાણીએ છીએ કે અમારે શું કરવાનું છે.

ફાઇનલ મેચ જીતવા ફાઇનલ પ્લાન પણ તૈયાર: કેપ્ટન કોહલી

કોહલીએ કહ્યું કે અમે એક એવી ટીમ સામે ફાઇનલ રમી રહ્યાં છે, જે એક મજબૂત હરીફ છે. મેદાન બહાર અમારા ખેલાડીઓ સારા મિત્રો છે. પરંતુ મેચ દરમિયાન અમે એકદમ પ્રોફેશનલ છીએ, અમને ખબર છે કે અમારે શું કરવાનું છે. અમને હવામાનનો ભય નથી. અમારો ફાઇનલ અંગે પ્લાન તૈયાર છે. અમારી માનસિકતા અગાઉ જેવી મજબૂત છે. ટીમ કોઈ પણ વિઘ્ન સામે લડી લેવા માટે તૈયાર છે.

‘મેદાન’ મારવા મેદાને ઉતરનારી ટીમ ઇમડિયા

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રૂષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.