Abtak Media Google News

અબતક, રાજકોટ ; જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ. આ ગીતનું વાક્ય દરેક લોકોના જીવનમાં યથાર્થ સાબિત થાય છે. હવે આ વાક્ય વિદ્યાર્થીઓના જીવનમાં યથાર્થ થવા જઈ રહ્યું છે. કારણકે શિક્ષણ વિભાગે ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ રિઝલ્ટ તૈયાર કરવાની ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે. જો કે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આ નિર્ણય સામે અંદરખાને વિરોધ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાની પણ બુમરાળ ઉઠી છે. પરીક્ષાએ વિદ્યાર્થીઓના કૌશલ્યને નિખારવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી હોય તેની અવગણના વાલીઓ સાંખી લ્યે તેવા કોઈ સંજોગ હાલ જણાતા નથી.

વિદ્યાર્થીઓના કૌશલ્યને નિખારવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી એવી પરીક્ષાની અવગણના સામે વિરોધ વંટોળ ઉભો થાય તો નવાઈ નહિ

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, પરિણામ જાહેર  કરવા અંગે કેટલાક પ્રશ્નો મૂંઝવતા હતા. જોકે, સીબીએસી બોર્ડ દ્વારા ધો.12ના પરિણામની ફોર્મ્યુલા જાહેર કરાયા બાદ આજે ગુજરાત બોર્ડે પણ ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા નક્કી કરી હતી. ઉલ્લેખનીય છે કે પરિણામ તૈયાર કરવાની નીતિ નક્કી કરવા 11 શિક્ષણવિદોની સમિતિની રચના કરી હતી.

સીબીએસઈ બોર્ડની ફોર્મ્યુલા કરતા ગુજરાત બોર્ડની ફોર્મ્યુલા થોડી અલગ છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જોકે, જુલાઈ મહિનાના બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરવાની પણ જાહેરાત થઈ છે.

ગુજરાત બોર્ડની ધો. 12ની ફોર્મ્યુલા જોઈએ તો ધો.10ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધો.12ના જૂથ મુજબના વિષયના ગુણાંકન (71 ટકા) જેનું 50 ટકા ગુણભાર,  ધોરણ 11ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલા ધોરણ-11ની પ્રથમ સામાયિક કસોટીના અને દ્વિતિય સામાયિક કસોટીમાંથી મળેલા કુલ ગુણના સરેરાશ ગુણના આધારે ગુણાંકન જેનો 25 ટકા ગુણભાર, શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન યોજાયેલા ધોરણ-12ની પ્રથમ સામાયિક કસોટી અને વર્ષ દરમિયાન યોજાયેલા વિષયવાર એકમ કસોટી એમ કુલ 125 ગુણાંથી મળેલા ગુણના આધારે ગુણાંકન જેનું ગુણ ભાર 25 આમ કુલ 100 ગુણ પ્રમાણે પરિણામ નક્કી થશે.

91થી 100ને A1 ગ્રેડ, 81થી 90ને A2, 71થી 80ને B1, 61થી 70 વચ્ચે B2, 51થી 60 C1, 41થી 50 C2, 33થી 40 D ગ્રેડનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.ધોરણ 10માં 12.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 5.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થી છે, જેમાંથી ધોરણ 10માં રેગ્યુલર 8.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જ્યારે ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

હાલ સરકાર ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપેલા વિદ્યાર્થીઓને કઈ રીતે પરિણામ આપવું તથા કઈ રીતે આગળ પ્રવેશ આપવો એને લઈને મૂંઝવણમાં છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં તો આવ્યું છે, પરંતુ આગળ કઈ રીતે લઈ જવા એ અંગે હજુ નિર્ણય કર્યો નથી. ત્યારે પરિણામ અને પ્રવેશ અંગે વ્યવસ્થા અને નિર્ણય કરવામાં આવશે, એ બાદ જ રિપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં સીબીએસઇ પરિણામ ફોમ્ર્યુલાનો સ્વીકાર

સીબીએસઇ ધો.10,11 અને 12ના કલાસમાં વિદ્યાર્થીઓના પરિણામના આધારે ધો.12નું પરિણામ ત્યાર કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે પરિણામ ફોમ્ર્યુલાનો સ્વીકાર કરી લીધો છે. પરિણામ ત્યાર કરવા માટેની ફોમ્ર્યુલા માટે રચાયેલી કમિટીએ ગુરુવારે સુપ્રીમને રિપોર્ટ સોંપ્યો હતો. બીજીબાજુ ગુજરાત બોર્ડ દ્વારા પણ ફોમ્ર્યુલા નકકી કરવામાં આવી છે જે સીબીએસઇની સરખામણીએ અલગ પડે છે.સીબીએસઇમાં ધોરણ 10ની પરીક્ષાના કોઈપણ ત્રણ વિષયમાં મેળવેલા હાઈએસ્ટ માર્કમાંથી 40% વેઈટેજ છે. જ્યારે ગુજરાત બોર્ડ એ તમામ વિષયોના માર્ક ગણીને તેને 50% વેઇટેજ આપ્યું છે. હવે જોવાનું રહેશે કે વાલીઓ અને વિદ્યાર્થીઓને આ ફોમ્ર્યુલા પચે છે કે કેમ?

3 વર્ષની મહેનત જ ધોરણ 12નું પરીણામ!!

સીબીએસઇ અને ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોમ્ર્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે. ત્યારે અહીં પ્રશ્ન એ પણ થાય કે વિદ્યાર્થીઓએ ધો.10, 11 અને 12 માં કરેલી મહેનત જ ધોરણ 12ના પરિણામમા આવશે. ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવું પણ લાગી રહ્યું છે.સીબીએસઇમાં ધોરણ 10ની પરીક્ષાના કોઈપણ ત્રણ વિષયમાં મેળવેલા હાઈએસ્ટ માર્કમાંથી 40% વેઈટેજ છે. જ્યારે ગુજરાત બોર્ડ એ તમામ વિષયોના માર્ક ગણીને તેને 50% વેઇટેજ આપ્યું છે.

ગુણભાર મુજબની ફોર્મ્યુલાથી વિદ્યાર્થીઓને અન્યાય?

કોઈ વિદ્યાર્થીને ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના 70માંથી 49 માર્ક્સ આવ્યા હોય તો ધોરણ-12ની માર્ક્સશીટમાં ગુણભાર મુજબ તેને 50માંથી 35 માર્ક મળે તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ-11ની પ્રથમ કસોટીમાં 50 માર્ક્સમાંથી 38 માર્ક આવ્યા હોય અને બીજી કસોટીમાં 50માંથી 42 આવ્યા હોય તો આમ કુલ 100માંથી 80 મેળવેલા માર્ક્સ થાય, જેની સરેરાશ કરતાં 40 માર્ક્સ થાય અને જેના 50 ટકા કરીએ તો 12માંની માર્ક્સશીટમાં 25માંથી 20 માર્ક લખાશે તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ 12ના જે-તે વિષયની પ્રથમ સામયિક કસોટીમાં 100 માર્ક્સમાંથી 80 માર્ક્સ આવ્યા હોય અને વર્ષ દરમિયાનની એકમ કસોટીમાં 25માંથી 20 માર્ક્સ આવ્યા હોય તો 125માંથી 100 માર્ક્સ મેળવેલા ગણાય, જેના 20 ટકા કરતાં 20 માર્ક્સ થાય, જે 25 માર્ક્સમાંથી મેળવેલા ગણાશે. આમ, એકંદરે જોવા જઈએ તો 50માંથી 35, 25માંથી 20 અને 25માંથી 20 આમ કુલ 100માંથી 75 માર્ક્સ થાય. તો શું આ પદ્ધતિ વિદ્યાર્થીઓને ન્યાય આપશે ખરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.