Abtak Media Google News

પ્રધાનમંત્રી ટી.બી. મુકત ભારત અભિયાનને યોગદાન આપવા જનભાગીદારીની ભાવના સાથે નિક્ષય મિત્ર બનીએ અને ક્ષય નાબુદ કરીએ

સમગ્ર વિશ્વમાં તા. 24 માર્ચના રોજ ’વિશ્વ ક્ષય દિવસ’ ઉજવવામાં આવે છે. ક્ષય રોગ એ માઈકો બેક્ટેરીયમ ટ્યુબરક્યુલોસીસ નામના બેકટેરિયાને કારણે ફેલાતો ચેપી રોગ છે. દેશભરમાં ક્ષય રોગને નાબૂદ કરવા વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2025 સુધીમાં ’પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે જનભાગીદારી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત રાજકોટ ખાતે કાર્યરત જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા ક્ષય નાબૂદીની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement

રાજકોટ ડીસ્ટ્રીકટ ટી.બી. ઓફિસર ડો. જી. જે. મહેતાના માર્ગદર્શન મુજબ ‘પ્રધાનમંત્રી ક્ષયમુક્ત ભારત’ અભિયાન અંતર્ગત નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દીઓને સારવાર દરમિયાન દર માસે રૂ. 500 ડાયરેક્ટ બેનિફિશીયરી ટ્રાન્સફર મારફતે બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે. એટલું જ નહીં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને ડીસ્ટ્રીકટ હોસ્પિટલના સહયોગથી ક્ષય રોગ અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે કન્ટિન્યુ મેડિકલ એજ્યુકેશન મિટિંગ, કોમ્યુનિટી મિટિંગ, સ્કૂલ-કોલેજ સેનેટાઈઝેશન તથા એક્ટિવ ટી.બી. સર્વેની કામગીરી કરવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં ક્ષય ઉપર વિજય મેળવવા માટે આર્થિક રીતે સશક્ત નાગરિકો માટે “નિક્ષય મિત્ર” બનીને સામાજિક ઋણ અદા કરવાની સુવર્ણ તક છે. “નિક્ષય મિત્ર” ક્ષયના દત્તક દર્દીને સારવાર દરમિયાન બાજરી, જુવાર, ઘઉં, મગ, ચણા, તુવેર દાળ, સિંગદાણા, તેલ જેવા પોષણયુક્ત આહાર સહિતની અંદાજિત રૂ. 500ની કીટ આપી શકે છે. “નિક્ષય મિત્ર” બનવા માટે ૂૂૂ.ક્ષશસતવફુ.શક્ષ પર નોંધણી કરી શકાય છે. ત્યારે આપણે સૌ રાજકોટ જિલ્લા સહીત ભારત દેશમાં ’પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત’ અભિયાનને યોગદાન આપવા માટે જનભાગીદારીની ભાવના સાથે ’નિક્ષય મિત્ર બનીએ અને ક્ષય નાબૂદ કરીએ.’

1611 ટીબી દર્દીઓને ન્યુટ્રિશન કીટ અપાઈ: ડો.બાદલ વાછાણી

રાજકોટ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્રના ડીસ્ટ્રીકટ ટી.બી. મેડીકલ ઓફિસર્સ  ડો. બાદલ વાછાણી તથા ડો. સમીર દવેએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ’પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત’ અભિયાન હેઠળ સામુદાયિક પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકી રહી છે તેમજ દર્દીઓને ક્લિનિકલ સપોર્ટ માટે ’નિક્ષય મિત્ર’ પહેલ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં જૂન, 2022થી અત્યાર સુધી 141 નિક્ષય મિત્રો દ્વારા આશરે 900 જેટલા ક્ષયના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. તેમજ 1611 ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.