Abtak Media Google News

સંતાનોએ તેમની આવકની ૫ થી ૧૦ ટકા રકમ તેમના માતા -પિતાના જીવનનિર્વાહ માટે તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવી પડશે: નેપાળ સરકાર નવો કાયદો લાવશે

હાલના ઝડપી અને સ્વાર્થી ગણાતા સમયમાં સંતાનો માતા પિતાની કાળજી રાખતા ન હોવાની ફરિયાદો સામાન્ય થઈ ગઈ છે. પોતાના અંગત લાભ માટે સંતાનો પોતાના વૃધ્ધ માતાપિતાને નસીબના સારે રઝળતા છોડી દેતા હોય છે. જેથી, ભારત સહિત દુનિયાભરમા વૃધ્ધાશ્રમોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ સમસ્યામાંથી નિ:સહાય માતા પિતા ઉગારવા નેપાળ સરકારે કમર કસી છે. જે મુજબ સંતાનોએ તેમના માતા પિતાની સંભાળ માટે આવકની અમુક રકમ તેમના બેંક ખાતામાં જમા કરાવવી પડશે.

નેપાળમાં વૃધ્ધ માતા પિતાની દેખરેખા રાખવામાં સંતાનો નિષ્કાળજી રાખતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેથી નેપાળ સરકાર આ માટે નવા કાયદો લાવવા જઈ રહી છે. પ્રધાનમંત્રીના મીડીયા સલાહકાર કુંદન અટયાલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતુકે સંતાનોને તેની વૃધ્ધ માતા પિતાની દેખરેખ માટે તેમની આવકના પાંચથી દશ ટકા રકમ તેમના માતા પિતાના બેંક ખાતામાં જમા કરાવવી પડશે આ કાયદા માટે વરિષ્ટ નાગરિક કાયદા ૨૦૦૬માં સુધારા કરવામાં આવશે અને તે માટે કેબીનેટમાં નિર્ણય થયા બાદ આ ખરડાને સંસદમાં રજૂ કરવામાં આવશે.

આ પ્રસ્તાવિત ખરડાનું મુખ્ય લક્ષ્ય દેશના વરિષ્ટ નાગરીકોની સુરક્ષા નકકી કરવાનું છે. નવા નિયમો મુજબ સંતાનોએ તેમની આવકની પાંચથી દશ ટકા રકમ તેમના માતા પિતાના બેંક ખાતામાં દર માસે જમા કરાવવી ફરજીયાત બનાવાશે. તેમ જણાવીને અટયાલે ઉમેર્યું હતુ કે આ નવો ખરડો દેશના અનેક સાધન સંપન્ન સંતાનો પોતાના માતા-પિતાને ઉપેક્ષિત હાલતમાં છોડી દેતા હોવાની ફરિયાદો બાદ લાવવામાં આવ્યો છે.

નેપાળનાં વરિષ્ટ નાગરિક કાયદા ૨૦૦૬ મુજબ ૬૦ વર્ષથી ઉંપરના લોકોને સિનિયર સીટીઝન માનવામાં આવે છે.આ ખરડામાં પોતાની આવકની નિશ્ચીત કરેલી રકમ પોતાના માતા પિતાના જીવનનિર્વાહ માટે તેમના બેંક ખાતામાં જમા ન કરાવનારા સંતાનોને દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમ જણાવીને અટયાલે અંતમાં ઉમેર્યું હતુ કે આ દંડની રકમ પણ માતા પિતાના બેકં ખાતામાં જમા કરાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.