Abtak Media Google News

ગુજરાત રાજ્યે ૯૦ ટકા શ્રમિકો વતન પહોંચાડયા: શ્રમિકોને રોજગારી આપવા નોંધણી પ્રક્રિયા શરૂ કરાશે

વૈશ્ર્વિક મહામારી બાદ જે લોકડાઉનની સ્થિતિ સર્જાય હતી તેનાથી ઈન્ડસ્ટ્રીઝની હાલત પણ અત્યંત કફોડી બની છે. બીજી તરફ પરપ્રાંતિય શ્રમિકોની વતન તરફની હિઝરતથી ઈન્ડસ્ટ્રીઝને તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે. હાલનાં તબકકે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તથા રાજયને તાકિદ કરી જણાવ્યું છે કે, સ્થળાંતરીત થયેલા મજુરો અથવા તો શ્રમિકોને ઘર બેઠી રોજી આપવામાં આવે જેને લઈ હાલ રાજય સરકાર દ્વારા આગામી થોડા સમયમાં નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે. લોકડાઉન પૂર્વે ઉધોગો દ્વારા જે રીતે મજુરોને સાચવવામાં આવ્યા હતા એવી જ રીતે લોકડાઉનમાં પણ તેઓને રાશન, પગાર અને ઉપાડ પણ આપવામાં આવ્યો હતો જેથી આ સમયમાં તેઓ ઉધોગોને છોડે નહીં અને વતન તરફની દોટ ન મુકે પરંતુ સામાજીક સ્તર પર નજર કેન્દ્રિત કરતા પરપ્રાંતિય શ્રમિકો વતન તરફ આગળ વધવા

Advertisement

માટે મથામણ કરી રહ્યા હતા જેનાથી સરકારે પણ પીછેહઠ કરી તમામ મજુરોને વતન તરફ મોકલવા માટેનાં પ્રયાસો હાથધર્યા છે.

ગુજરાત રાજયએ ૯૦ ટકા શ્રમિકોને વતન પરત કર્યા છે ત્યારે અનલોક-૧માં ઈન્ડસ્ટ્રીઝ અથવા તો ઉધોગો દ્વારા જે રજુઆત યોગ્ય જગ્યાએ પહોંચવી જોઈએ તે પહોંચી શકતી નથી. હાલ સરકાર જો ઘર બેસી શ્રમિકોને રોજગારી પુરી પાડશે તો ઉધોગોની હાલત અત્યંત કફોડી બનશે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર અને રાજયને તાકિદ કરી જણાવ્યું છે કે, એક કરોડ સ્થળાંતરીત શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવે જેને લઈ હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ હાથ ધરાય છે. આ સમયગાળા દરમિયાન માત્રને માત્ર સ્કિલ્ડ કારીગરોને નોકરી આપવાની જે વાત સામે આવી છે તેનાથી ઉધોગોની હાલત આવનારા સમયમાં ખુબ જ ખરાબ થશે તેવું માનવામાં આવી રહ્યું છે. કોઈપણ ઉધોગનો પાયો તેમાં કામ કરતા કામદારો હોય છે. હિજરત કરી આવતા શ્રમિકો કમાવવાની દ્રષ્ટિએ ગુજરાત સહિતનાં અનેકવિધ વિકસિત રાજયોમાં આવતા હોય છે.

લોકડાઉન દરમિયાન જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેનાથી ઉધોગોને કેવી રીતે બેઠા કરી શકાય તે દિશામાં પણ હાલ સરકાર વિચાર કરી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્રને અને રાજયને સુચનો કર્યા છે તેની સામે ઉધોગો દ્વારા યોગ્ય અવાજ ઉઠાવવામાં આવ્યો નથી. જો આજ પરિસ્થિતિ યથાવત રહી તો આવનારા સમયમાં ઉધોગોની હાલત અત્યંત દયનીય થશે. પુરતી રોજગારી મળી રહે તે માટે પરપ્રાંતિય શ્રમિકો તેમના નિયત ઉધોગોમાં પરત ફરવા માટે પણ તેઓ તૈયાર છે પરંતુ હાલની સાંપ્રત પરિસ્થિતિ જોતા સરકાર આ તમામ શ્રમિકોને વતનમાં જ રોજગારી આપે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. ખોટા એનજીઓ દ્વારા જે વાતો શ્રમિકોને લઈ કરવામાં આવી છે તેનાથી ઉધોગોને પણ અત્યંત દયનીય પરિસ્થિતિમાંથી પણ પસાર થવું પડયું છે. હાલ ઉધોગોની સ્થિતિ જાણે શિયાળ તણે સીમ ભણી અને કુતરા તણી ગામ ભણી જેવી જોવા મળે છે.

સ્થળાંતરિત લોકોની એફઆઇઆર રદ થશે?

લોકડાઉન અમલી બનાવ્યા બાદ સ્થળાંતરીત લોકો તેમનાં વતન તરફ હિઝરત માટે જે રીતે તલપાપડ થયા હતા તેને લઈ તેમના પર એફઆઈઆર દર્જ કરવામાં આવી છે ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજયને તાકિદ કરી જણાવ્યું હતું કે, સ્થળાંતરીત લોકો પર જે એફઆઈઆર દાખલ કરાય છે તેને રદ કરવામાં આવે. સ્થળાંતરીત પછી આંતરરાજયમાં હોય, આંતર જિલ્લાઓમાં હોય તે તમામ પર એફઆઈઆર રદ કરવા માટેની તાકિદ હાલ સુપ્રીમ દ્વારા કરવામાં આવી છે. સાથોસાથ સુપ્રીમ કોર્ટે રાજયને તાકિદ કરતા જણાવ્યું છે કે, આ તમામ પ્રકારનાં સ્થળાંતરીત શ્રમિકોને આવનારા ૧૫ દિવસમાં તેમના વતન પહોંચાડવામાં આવે. સુપ્રીમની ભલામણ બાદ કેન્દ્રએ પણ વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો પણ નિર્ણય કર્યો છે. દિલ્હી તથા મુંબઈ પોલીસ દ્વારા શ્રમિકો ઉપર અનેકવિધ ફરિયાદો દાખલ કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ઘણાખરા પરપ્રાંતિય મજુરો પર એફઆઈઆર દર્જ કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત રાજયએ તેના ૨૩ લાખ સ્થળાંતરીત લોકોમાંથી ૨૦.૫ લાખ લોકોને વતન પરત કર્યા છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ૩૭,૦૦૦ લોકો તેમના વતન પરત થવા માટે રાહ જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.