અરે વાહ…15મી ઓગસ્ટથી રાજકોટમાં 50 ઇલેક્ટ્રીક બસ દોડવા લાગશે

નવી 27 બસ આવી પહોંચી: આરટીઓ પાસિંગ સહિતની કામગીરી ચાલુ: હવે સિટી બસ પણ હશે ઇલેક્ટ્રીક: 2022 સુધીમાં વધુ 100 બસ આવી જશે

રાજકોટના રાજમાર્ગો પર ખાસ કરીને બીઆરટીએસ ટ્રેક પર હાલ 18 ઇલેક્ટ્રીક બસ દોડી રહી છે. જ્યારે એક બસ એઇમ્સ સુધી દોડી રહી છે. ચાર બસ અનામત રાખવામાં આવી છે. વધુ 27 ઇલેક્ટ્રીક બસ આવી પહોંચી છે. જેનું પાસિંગ સહિતનું કામ ચાલુ છે. 15મી ઓગસ્ટથી રાજકોટના રાજમાર્ગો પર 50 ઇલેક્ટ્રીક બસ દોડવા માંડશે. દરમિયાન વર્ષ-2022ના અંત સુધીમાં વધુ 100 બસ લેવા માટે તાજેતરમાં કોર્પોરેશન દ્વારા એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ શહેરમાં બીઆરટીએસ રૂટ પર 18 ઇલેક્ટ્રીક બસ ચાલી રહી છે. જ્યારે એઇમ્સ હોસ્પિટલ સુધી એક બસ દોડાવવામાં આવી રહી છે અને અન્ય ચાર બસ અનામત રાખવામાં આવી છે. તાજેતરમાં વધુ 24 બસ આવી ગઇ છે અને ટૂંક સમયમાં નવી ત્રણ બસ એજન્સી દ્વારા ફાળવવામાં આવશે. હાલ નવી તમામ બસનું પાસિંગ કરાવવા સહિતની કામગીરી ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ 15મી ઓગસ્ટથી રાજકોટના રાજમાર્ગો પર 50 સિટી બસ શરૂ કરી દેવામાં આવશે. હાલ માત્ર બીઆરટીએસ રૂટ પર જ દોડી રહી છે. દરમિયાન નવી 32 બસ સિટી બસના રૂટ પર દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.