સ્વ ને ઓળખતા શિખવું જ પડશે…!

કુદરતના તમામ સર્જનોમાં મનુષ્ય સર્વોત્તમ બનીને હજુ પણ સતત રીતે પરિવર્તન અને વિકાસને આગળ ધપાવવામાં સફળ માનવામાં આવે છે ત્યારે જગત ઉપર રાજ કરનાર અને જ્ઞાન-વિજ્ઞાનના ભંડારોને ઉંલેચીને મહાજ્ઞાની બનેલા માણસ માટે હજુ પણ સ્વ ને ઓળખવું અઘરું બની રહ્યું છે. જો કે ઇશ્ર્વરે માનવ મનની રચના જ એવી કરી છે કે મનુષ્ય મોટાભાગે પોતાની વિચારશક્તિનો ઉપયોગ અહંમ, વહેમ, ઇર્ષ્યા, લોભ-લાલચમાં જ કરતો રહે છે. ઇશ્ર્વરે કેટલાંક જન્મજાત ગુણ અને અવગુણ માણસની ગળથૂંથીમાં જ ઘોળી દીધા હોય તેમ માનવી કેટલીક ટેવોથી ક્યારેય મુક્ત થઇ શકતો નથી.

વ્યક્તિત્વમાં ગમા-અણગમાના ચશ્મા દરેકે પહેરા જ છે. જેના કાચ વ્યક્તિએ વ્યક્તિએ જુદા રંગના હોય છે જેવી રીતે વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટ અલગ હોય તેમ દરેકને દ્રષ્ટિકોણ પણ અલગ હોય છે. ભાગ્યેજ કોઇ બે વ્યક્તિ એક મતનો હોય શકે. તેમાં પણ  સ્વ ને ઓળખવું એટલે પોતાનું પુથકરણ કરવું, પોતાનું જ તટસ્થ મૂલ્યાંકરણ કરવું બહું જ અઘરું છે. જાતનું તટસ્થ વિશ્ર્લેષણ કરવાના કાર્ય ભગીરથ ગણાય.

જાત પર જે માણસ હસી શકે ત્યારે કહી શકાય કે તેને પોતાની જાતને ઓળખવામાં થોડી ઘણી સફળતા મેળવી છે. જ્યારે આપણે આપણી જ ખામી અને ખૂબી સ્વીકારતા થઇ જઇએ, વિચારતા થઇને ખામી સુધારવાનું પ્રયત્ન શરૂં થાય તે ક્ષણથી સ્વ ની સાચી ઓળખ થતી કહેવાય. સ્વ ઓળખાય જાય તે પછી જ આત્મનો સાક્ષાત્કાર થાય છે અને અંદરથી આનંદ-આનંદ સર્જાય છે.

સ્વ એટલે હું મારી આત્મા, શરીર, મારું હૃદ્ય, મગજ, બધું જ ભેગું થાય ત્યારે બને સ્વ, હું ની સાચી ઓળખ મણે તો જગત સાફ ચોખ્ખું થઇ જાય. સ્વ ની ઓળખ કરવી હોય તો ગમતું વીણી-વીણીને લઇ લેવાના બદલે વ્યક્તિએ અવગુણ પારખવાની શરૂઆત કરવી જોઇએ. આપણે આપણી જાતને ઓળખવા માટે સ્વયંને એ વાત પૂછવી જોઇએ કે મારામાં ખામી શું છે?, જીવનમાં ઉતાવળ શું છે?, પોતાની જાતને કશે ? તેની કદર કરે ?, શું બદલતાં સમયને ઝડપથી પારખી શકીએ છીએ?, એકાંતમાં જાત સાથે ગભરામણ થાય છે?, તમે તમારી જાત સાથે કેટલા ઘાતકી છો?, શું તમારી પ્રગતિમાં કોઇ અવરોધકરૂપ થાય છે?, આ સવાલના જવાબ પોતાની જાત પાસેથી મેળવવામાં જેટલી સરળતા, સહજત્તા અને સમય મર્યાદામાં સફળતા મળી જાય એટલે સ્વ ને સ્વ ની ઓળખ મળી ગઇ ગણાય, જગત જીતવું હોય તો સૈન્ય ઉભું કરતા પહેલા સ્વ સાથે સ્વ ને જોડવાની શરૂઆત કરવી જોઇએ. એક વખત સ્વ ને ઓળખતાં શીખી જઇએ પછી કોઇ થોથા ગોખવાની જરૂરત રહેતી નથી.

પારદર્શક વ્યક્તિત્વ અને દંભમાંથી બહાર નીકળી જાય એટલે દુર્જનતા આપોઆપ સજ્જનતા બની જાય. સમાજ અને જીવનની પધ્ધતિ એવી છે કે જે જોઇતું હોય એ જલ્દીથી દેખાતું નથી કે સ્વીકાર્ય બનતું નથી. સમાજમાં દંભએ મૂળીયા એટલા બધા ઊંડા ઉતારી દીધા છે કે ધર્મ અને પરંપરા તેમાં વીંટળાઇ ગઇ છે. લોલુપતાભરી વૃતિથી નજર પુરૂષોની ખરાબ છે અને લાજથી મહિલાઓને વીંટાળવી પડે છે.

મહિલાઓને લોલુપતાની નજરથી બચાવવા માટે ખરેખર કામુક આંખો પર પટ્ટી કે ડાબલા ચડાવવા પડે, પણ સમાજમાં આ શક્ય નથી. અત્યારે સમગ્ર માનવ સમાજ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ધર્મ આધ્યાત્મિકતાના ઉંચા-ઉંચા શિખરો સર કરી ચુક્યો છે પણ હજુ સ્વ ને ઓળખવામાં ફાંફાં જ મારે છે. અઘરું છે પણ અશક્ય નથી. જ્યારે કાળા માથાનો માનવી સ્વ ને ઓળખતા શીખી જશે ત્યારે જગતમાં ક્યાંય દંભથી સર્જાતી ઉપાધીઓનું અસ્તિત્વ નહીં રહે અને જગત કલ્યાણકારી બની રહેશે.