Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 51 માં યુવક મહોત્સવ “અભિવ્યક્તિ” નો રંગારંગ પ્રારંભ: ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ તથા જાણીતા લોકગાયક બિહારીભાઈ હેમુભાઈ ગઢવી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ડો. સી.કે. કુંભારાણા તથા ડો. આર.એસ. કુંડુની વિશેષ ઉપસ્થિતિ

51 મા યુવક મહોત્સવમાં કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક એમ ત્રણ વિભાગમાં બે દિવસ સુધી 33 ઈવેન્ટસમાં કુલ 1098 કલાસાધકો પોતાની કલા રજૂ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ 51 મા યુવક મહોત્સવ “અભિવ્યક્તિ” નું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ યુવક મહોત્સવનું ઉદઘાટન આજે ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, લોકગાયક બિહારીભાઈ હેમુભાઈ ગઢવી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ડો. સી.કે. કુંભારાણા તથા ડો. આર.એસ. કુંડુની વિશેષ ઉપસ્થિતિમાં દીપપ્રાગટય કરી કરવામાં આવેલ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 51 મા યુવક મહોત્સવમાં પધારેલ મહેમાનોનું ભારતીય પરંપરા અનુસાર શ્રીફળ, મોમેન્ટો અને શાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ હતું. કાર્યક્રમના પ્રારંભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખામટાની મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ વંદના સ્તુતી રજૂ કરવામાં આવેલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો. રમેશભાઈ પરમારે યુવક મહોત્સવમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બે દિવસીય 51 મા યુવક મહોત્સવમાં કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક એમ ત્રણ વિભાગમાં કુલ 33 સ્પર્ધાઓમાં કુલ 1098 વિદ્યાર્થીઓ ભાગ લઈ પોતાની કલા રજૂ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શિક્ષણ, સંશોધન, કલા-સાહિત્ય અને રમત-ગમત ક્ષેત્રમાં અગ્રેસર છે.

Advertisement

Whatsapp Image 2024 03 11 At 9.22.06 Am 1 1

આજે 51 મા યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તાજેતરમાં વિવિધ રમતોમાં આંતર યુનિવર્સિટી રમતોમાં તથા ઓલ ઈન્ડિયા લેવલે ઉત્કૃષ્ટ દેખાવ કરી યુનિવર્સિટીનું ગૌરવ વધારેલ છે એવા તમામ ખેલાડીઓને કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવે, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, લોકગાયક બિહારીભાઈ હેમુભાઈ ગઢવી તથા કુલસચિવ ડો. રમેશભાઈ પરમારના હસ્તે મેડલ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું. યુવક મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત એવા જાણીતા લોકગાયક બિહારીભાઈ હેમુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આજે ખુબ આનંદનો અવસર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુવક મહોત્સવનું આયોજન કરી આપણા લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિનું જતન કરવાનું શુભ કાર્ય કર્યું છે. યુવક મહોત્સવમાં યુવાનોનો ખુબ ઉત્સાહ છે. હું અહીં ઉપસ્થિત રહી મારી જાતને ભાગ્યશાળી માનું છું.

બિહારીભાઈ ગઢવીએ આ તકે લોકસાહિત્યના સાધક ઝવેરચંદ મેઘાણી, આપાભાઈ ગઢવી, કવિ કાગ જેવા અનેક લોકકલાના સાધકોને યાદ કર્યા હતા. બિહારીભાઈએ જણાવ્યું હતું કે આપ જેવા વિદ્યાર્થીઓ આવા લોકકલાના કાર્યક્રમમાં ભાગ લઈ લોકસંસ્કૃતીનું જતન કરી રહ્યા છો, હું આપને અભિનંદન પાઠવું છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડો. સી.કે. કુંભારાણાએ આજના યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, યુવક મહોત્સવ એ તમારામાં રહેલી બહુવિધ પ્રતિભાઓ ખીલવવાનો અવસર છે. આજે મને આનંદ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે ડો. દર્શીતાબેન શાહ તથા લોકગાયક બિહારીભાઈ ગઢવી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. યુવક મહોત્સવ એ આપણી લોકસંસ્કૃતી અને લોકપરંપરાને ઉજાગર કરવાનો અવસર છે. યુવાનોમાં ખુબ પ્રતિભાઓ રહેલી છે. તમે સૌ આ યુવક મહોત્સવમાં ભાગ લીધો છે એ ખુબ આનંદની વાત છે. ગુજરાતની સંસ્કૃતિ એ લોકકલા અને લોકસાહિત્યની હરહંમેશ જાળવણી કરેલી છે.

T1 34

અંતમાં કુલપતિએ વિદ્યાર્થીઓને હાર-જીતથી પર રહી આનંદ અને ઉત્સાહ સાથે યુવક મહોત્સવમાં તમારી કલાને પ્રસ્તુત કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મહિલા કોલેજ, ખામટા તથા મહિલા કોલેજ, ઉપલેટાની વિદ્યાર્થીનીઓએ પ્રાચીન રાસ રજૂ કર્યા હતા. આજના કાર્યક્રમનું સુંદર સંચાલન ડો. રાજેશભાઈ મહેતા તથા ડો. રસીદાબેન ભારમલે કર્યું હતું અને આભારવિધિ શારીરિક શિક્ષણ નિયામક ડો. મીનાક્ષીબેન પટેલે કરી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોના અધ્યક્ષ, આચાર્ય, શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દરેક યુવાનોમાં અલગ-અલગ કલાઓ રહેલી છે : ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ

યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહ પ્રસંગે પધારેલા રાજકોટના ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહે જણાવ્યું હતું કે, દરેક યુવાનોનું કૌશલ્ય અને પ્રતિભા ખીલે એ માટે યુવક મહોત્સવનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે. દરેક યુવાનોમાં અલગ-અલગ કલાઓ રહેલી છે. આજના યુવાનો આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ’વિકસીત ભારત2047’ ની સંકલ્પનાને સાકાર કરવા માટે આપ જેવા યુવાનોએ આગળ આવી રાષ્ટ્ર માટે કાર્ય કરવાનું છે. દેશના યુવાઓમાં અનેકવિધ કૌશલ્ય રહેલું છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ યુવાઓમાં ખુબ મોટો વિશ્વાસ મુક્યો છે. વિશ્વમાં સૌથી વધુ યુવાઓ ભારતમાં છે. આજે દરેક ક્ષેત્રમાં ભારત વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે. હું પણ આ યુનિવર્સિટીની વિદ્યાર્થી છું અને તમારા બધાની જેમ યુવક મહોત્સવની સાક્ષી રહી છું. ડો. દર્શીતાબેન શાહે કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેને યુવક મહોત્સવના સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.