Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષાઓ (GPSC)તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષાઓ (UPSC)ની દિશામાં બાળકોને દોરવાની જરૂર છે

આજે સૌ કોઈ વાલીઓને પૂછવામાં આવે કે આપને મૂંઝવતો પ્રશ્ન ક્યો ? તો મોટાભાગના વાલીઓનો એક જ જવાબ હશે કે બાળકોને ભણાવવાનો.વાલીઓને કાયમ સતાવતી ત્રણ બાબતો: બાળકોની પરીક્ષા, પરિણામ અને પ્રવેશ.

શાળા પ્રવેશની જો વાત કરવામાં આવે તો,ભારત સરકાર દ્વારા 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ પ્રાપ્ત થાય તે હેતુસર ’ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ’ પસાર કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપેલ છે,પરંતુ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને એમના માતા-પિતા કે વાલીઓની કસોટી કે ઈન્ટરવ્યૂ લઈને પ્રવેશ આપવામાં આવે છે.જે રાઈટ ટુ એજ્યુકેશન એકટની જોગવાઈ વિરુદ્ધ છે.રાજ્ય સરકાર દ્વારા આ અંગે ઠરાવ પણ કરવામાં આવ્યો છે.શાળાઓમાં પ્રવેશ માટે બાળકો તથા વાલીઓના લેવાતા ઈન્ટરવ્યૂ પર મનાઈ ફરમાવવામાં આવી છે.સાથે સાથે પ્રવેશ વખતે કોઈપણ જાતની કેપીટેશન ફી લેવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે.

જેથી પ્રવેશ વખતે કાનૂની રીતે કોઈ પણ બાળકો કે વાલીઓના ઈન્ટરવ્યૂ લઈ શકાય નહીં.તેમજ પ્રવેશ ફોર્મ આપવાનો ઈનકાર પણ કરી શકાય નહીં.આ ઠરાવનો અમલ તમામ એટલે કે સરકારી શાળા,જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા,નગર શિક્ષણ સમિતિ સંચાલિત શાળા,અનુદાનિત અને બિનઅનુદાનિત શાળા, સીબીએસસી કે આઈસીએસઈ અથવા કોઈપણ બોર્ડ સાથે સંકળાયેલ કોઈ પણ પ્રાથમિક કે માધ્યમિક શાળાઓ અને તેના સંચાલકોએ અમલ કરવાનો રહે છે.કેટલીક શાળાઓ એવી દલીલ કરતી હોય છે કે પ્રવેશ વખતે વિદ્યાર્થીઓના જ્ઞાનને ચકાસવું આવશ્યક છે.તો વળી કેટલીક શાળાઓ એવી પણ દલીલ કરે છે કે મેડિકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી હોય તો શાળા કક્ષાએ પરીક્ષા શા માટે નહીં ? જે વાલી પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માગે છે,તેવા માતા-પિતાનું શિક્ષણ,પરિવારનું વાતાવરણ,ઘરના માહોલની જાણકારી મેળવવી શાળા માટે જરૂરી હોય છે.

જેમ સ્કૂલ માટે દરેક માતા-પિતાની ઘણી અપેક્ષા હોય છે,તેમ સ્કૂલની પણ માતા-પિતા માટે અપેક્ષાઓ હોય છે.સ્કૂલ દ્વારા આવી દલીલો આગળ ધરવામાં આવતી હોય છે. બાળકની પરીક્ષા વખતે વાલીની મૂંઝવણ રહેવા પામે છે કે,પરીક્ષામાં પેપર કેવા નીકળશે?બાળક દ્વારા પરીક્ષા હેમ ખેમ આપી દીધા પછી બાળકનું પરિણામ આવવાનું હોય તો ફરી બીજી મૂંઝવણ જન્મે છે કે,હવે પરિણામ કેવું આવશે ? પરિણામ જો અપેક્ષા મુજબનું આવે તો વાલીની મૂંઝવણમાં થોડો ઘણો ઘટાડો ચોક્કસ થાય છે,પણ જો પરિણામ અપેક્ષા મુજબ ન આવે તો મા બાપ ફરી વખત ચિંતામાં મુકાઈ જાય છે.મારા બાળકને પ્રવેશ ક્યાં મળશે ? પ્રવેશ માટેની દોડધામ ચાલુ થઈ જાય છે.

આજકાલ ગુજરાતમાં કેટલાક સમયથી ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે શાળાઓને સમાંતર પ્રાઈવેટ કોચિંગ ઇન્સ્ટિટયૂટ અને ડમી સ્કૂલો અસ્તિત્વમાં આવી છે.આ પ્રાઈવેટ કોચિંગ ઇન્સ્ટિટયૂટ અને ડમી સ્કૂલ એવી છે,જેમાં વિદ્યાર્થીઓને માત્ર કોચિંગ કરાવવામાં આવે છે.વાસ્તવમાં વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન તો કોઈ સરકારી માન્યતા ધરાવતી સ્કૂલમાં કરવામાં આવે છે.આવી માન્યતા વાળી સ્કૂલમાં વિદ્યાર્થીઓનું માત્ર નામ રાખવામાં આવે છે અને બોર્ડની પરીક્ષા માટેનું આવેદનપત્ર ભરવામાં આવે છે.આ શાળામાં વિદ્યાર્થીને ભણવા માટે આવવાનું રહેતું નથી.બલકે ભણવા માટે પ્રાઈવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કે પછી ડમી સ્કૂલમાં જવાનું હોય છે.

આ ડમી સ્કૂલમાં વિદ્યાર્થીઓને બે વર્ષ દરમિયાન માત્ર અને માત્ર NEET અને JEEની પરીક્ષા ઓની તૈયારી જ કરાવવામાં આવે છે.માત્ર ખઈચ આધારિત પ્રશ્નો ઉપર જ ધ્યાન આપવામાં આવે છે.ધોરણ 11 અને 12 ના અભ્યાસક્રમના ઊંડાણથી આ વિદ્યાર્થીઓ  બિલકુલ અજ્ઞાત રહેવા પામે છે.ભવિષ્યમાં આવા વિદ્યાર્થીઓને જો અભ્યાસક્રમ આધારિત કોઈ બાબત ભણવામાં આવે તો તેનું જ્ઞાન શૂન્ય સાબિત થાય છે.તેમને તો માત્ર એન્જિનિયરિંગ અને મેડિકલ લાઈનના જ સપનાઓ બતાવવામાં આવે છે.આ ઈન્સ્ટિટ્યૂટ કે ડમી સ્ફૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી ઉઘરાવવામાં આવે છે.બે વર્ષની આ ફી સામાન્ય રીતે ચારથી પાંચ લાખની આસપાસ હોય છે.તેમજ આ વિદ્યાર્થીઓનું જે શાળામાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે,તે શાળાને એક વર્ષની લગભગ રૂપિયા 30,000 જેવી ફી પણ વાલીઓ એ જ ભરવાની હોય છે.

આમ વાલી ચારે બાજુથી લૂંટાય છે.વાલી ઉપર ખૂબ મોટો આર્થિક બોજો પડતો હોય છે.આ ફી સામાન્ય વર્ગના કે મધ્યમ વર્ગના મા-બાપને પરવડે નહીં તેવી ઊંચી છે.તેમ છતાં વાલીની આંધળી ડોટ NEET અને JEE તરફની છે,તે ખરેખર દુ:ખદ છે.આજે સામાન્ય ભણતર ધરાવનાર કે ગ્રામ્ય કક્ષાના વાલીઓ પણ જ્યારે પોતાના સંતાનના પ્રવેશ માટે જાય છે,ત્યારે જે તે શાળામાં પ્રશ્નોત્તરી કરતા જોવા મળે છે કે,’તમારી શાળામાં IIT માં પ્રવેશ મળે એવું ભણાવવામાં આવે છે ?’ મતલબ કે દરેક મા-બાપ પોતાના સંતાનને ડોક્ટર કે IITનો એન્જિનિયર બનાવવા માંગે છે.વાલીની ગરજનો ગેરલાભ આવી લે ભાગુ ડમી સ્કૂલો કે પ્રાઈવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના માલિક લઈ રહ્યા છે.આવી ડમી સ્કૂલ સામે લોક રોષ જોવા મળે છે,તેમ છતાં કોણ જાણે કેમ હજુ સુધી તેઓની સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.ડમી સ્કૂલ અને પ્રાઈવેટ કોચિંગ ક્લાસનું કલ્ચર જો ચાલુ જ રહેશે તો એક સમય એવો આવશે કે આપણે સ્કૂલની ઓળખ ગુમાવી દઈશું.

વાલી પોતાના બાળકના ટેલેન્ટ,રસ,રુચિ અને આવડતનો બિલકુલ વિચાર કરતા નથી.પરંતુ ગાડરિયા પ્રવાહની જેમ બીજાની પાછળ દોરવાઈ જાય છે.આ પરિસ્થિતિ વર્ષોથી જોવા મળે છે.આજે દેશમાં જે મોટા ભાગની બેકારી જોવા મળે છે,એ બેકારી પાછળનું એક કારણ આ પણ છે.પોતાની આવડત કે જાણકારી વગરની ફેકલ્ટીમાં પ્રવેશ લઈને બાળક કાં તો શિક્ષણ અધૂરું મૂકે છે અથવા તો માંડ માંડ પૂરું કરે અને ડિગ્રી મેળવે છે.આવી ડિગ્રી મેળવેલા બાળકને જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની થાય છે,ત્યારે તે તેમાં નાસીપાસ થાય છે.નિષ્ળ જાય છે.આ ઘટનાનું પુનરાવર્તન દર વર્ષે થાય છે.તેમ છતાં વાલીઓમાં જાગૃતિ આવતી નથી.તાજેતરમાં જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું.જાહેર થયેલા આંકડાઓ મુજબ ઉત્તરોતર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવું કેમ બને છે ? ક્યારેક વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો હોય તો ક્યારેક વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો જોવા મળે છે.

આવું કેમ બને છે.આમ બનવા પાછળનું કારણ એક જ છે કે ઉપર ચર્ચા કરી એમ દેખાદેખીથી મા બાપ પ્રવેશ લેવા માટે દોરવાય છે.વાસ્તવમાં જો બાળકની યોગ્યતા મુજબ જ એને ફેકલ્ટી આપવામાં આવે તો આવા બાળકો ચોક્કસ સફળ થાય અને પોતાની કારકિર્દી બનાવી શકે.મા – બાપને બે જ ફેકલ્ટી નજર સામે દેખાય છે: એન્જિનિયરિંગ અને મેડિકલ.આ બે ફેકલ્ટી સિવાય શું વિદ્યાર્થીઓની કારકિર્દી બનવાની જ નથી ?વિદ્યાર્થીઓ બીજા કોઈ ક્ષેત્ર માટે લાયક જ નથી? તાજેતરમાં જાહેર થયેલા અંકડાઓ મુજબ એન્જિનિયરિંગ કોલેજોની પ્રવેશ ક્ષમતાથી ઓછી સંખ્યામાં અ ગ્રુપ રાખનારા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.અર્થાત્ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, એ બધાને પ્રવેશ મળશે.તેમ છતાં એન્જિનિયરિંગ કોલેજોની સીટ ખાલી રહી જશે ! આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

આ ઘટના પરથી આપણે સમજી શકીએ કે આવું કેમ બને ? કારણ કે ભૂતકાળમાં એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં જવાનો પ્રવાહ ખૂબ વધુ હતો.જેને લીધે માંગના પ્રમાણમાં એન્જિનિયરિંગ કોલેજો અસ્તિત્વમાં આવી.ક્રમશ: આ ફોર્સ ડાયવર્ટ થયો.આવું છાસવારે બન્યા કરે છે. આ બધી બાબતોની ચર્ચાનો સાર એટલો જ નીકળે કે બાળકમાં જે ટેલેન્ટ હોય એ ટેલેન્ટ મુજબ એમને ફેકલ્ટી આપી અને ગ્રેજ્યુએશન કરાવવું જોઈએ.આજે સિવિલ સર્વિસમાં એટલી બધી શક્યતાઓ વધી ગઈ છે કે બાળક એ દિશામાં પ્રયત્ન કરે તો તેમને ખૂબ ગૌરવશાળી નોકરી મળી શકે છે.

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષાઓ (GPSC)તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષાઓ (UPSC)ની દિશામાં બાળકોને દોરવાની જરૂર છે.આ પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસ પણ ચાલતા હોય છે.સરકાર દ્વારા પણ ’સ્પીપા’ નામે કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ CCDC  સેન્ટરમાં કોચિંગ કરાવવામાં આવે છે.તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કોચિંગ ક્લાસ ચલાવતી હોય છે.જેમાં સૌને પરવડે તેવી સાધારણ ફીમાં તાલીમ મળી રહે છે.બાળક પોતાની આવડત મુજબની ફેકલ્ટીમાં ગ્રેજ્યુએશન કરી અને આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે તો ચોક્કસ તેમને એમાં સફળતા મળતી જ હોય છે.

દરેક વ્યક્તિએ ભણવું જોઈએ,એ આજના સમયની માગ છે.જીવનમાં ભણવું ખૂબ જરૂરી છે.નામદાર સરકાર દ્વારા પણ શિક્ષણ પૂરું પાડવા માટેના પર્યાપ્ત પ્રયત્નો કરવામાં આવે છે.આ બધા વિકલ્પોને આધારે બધા ભણે છે.ડિગ્રી મેળવે છે.પરંતુ જે તે ફેકલ્ટીના વિષયોની જે પરીક્ષાઓ આપી હોય છે,એમાં તેઓનું જ્ઞાન ખૂબ જ અધકચરું જોવા મળે છે.આજના ગ્રેજ્યુએટ થયેલા મોટા ભાગના યુવાનોને નથી અરજી લખતા આવડતી કે નથી તેઓ પાંચ વાક્ય સ્પષ્ટ રીતે બોલી શકતા! અત્યારે બહુમતી વિદ્યાર્થીઓ આવી લાયકાત ધરાવનારા જોવા મળે છે.તેમ છતાં પોતાને ડિગ્રી મુજબની નોકરીની અપેક્ષા તો રહેવાની જ.વાસ્તવમાં તે પોતે  નોકરી મેળવવા સક્ષમ નથી.જે તે નોકરી મેળવવા માટે પોતાની પાસે જોઈએ તેવું કૌશલ્ય નથી.આવડત કે હોશિયારી નથી.આવા ઉમેદવારની યાદી દિવસે ને દિવસે લંબાતી જાય છે.રોજગાર કચેરીમાં નોંધાયેલા બેકારોની સંખ્યામાં આ આંકડા ઉમેરાતા જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.