Abtak Media Google News

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી આજે પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે રીતસર ઝઝુમી રહી છે. ગુજરાતમાં જાણે કોંગ્રેસનું અસ્તિત્વ જ ન રહ્યું હોય તેવો ભાશ લોકોને થઈ રહ્યો છે. દાયકાઓથી સત્તા વિહોણી કોંગ્રેસ સક્ષમ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવામાં પણ રીતસર નિષ્ફળ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એક જુટ બનીને ટક્કર આપવાના બદલે કોંગ્રેસની પાંચેય આંગળીઓ અલગ અલગ રીતે ચાલી રહી છે. એક સમયે કોંગ્રેસની વિચારધારા જેના રગ રગમાં વહી રહી હતી તેવા રાજકોટના પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ વચ્ચે થોડા સમય માટે પંજાનો સાથ છોડી દીધો હતો. જો કે અન્ય પક્ષમાં જવા છતાં માન મોભો ન મળતા આ બન્ને દિગ્ગજ નેતા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. રાજકોટ મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં માત્ર ચાર બેઠકોના કારણે સત્તાવિહોણી રહેલી કોંગ્રેસ આ વખતે એડી ચોટીનું જોર લગાવશેનું લાગતું હતું. હમ સાથ સાથ હૈના નારા સાથે શહેર કોંગ્રેસના દિગ્ગજો એકમંચ પર દેખાતા હતા. પરંતુ જેવી ઘડી ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવી કે કોંગ્રેસનો માચડો કડડભૂસ થઈ ગયો. રાજ્યગુરૂ અને ડાંગર શહેર કોંગ્રેસના ડાબો અને જમણો હાથ કહી શકાય. પરંતુ સંગઠનની ખામીના કારણે તેઓને ધારી સફળતા મળતી નથી. આજે મહાપાલિકાની ઉમેદવારોના ફોર્મની ચકાસણીના દિવસે કોંગ્રેસની બેદરકારીના કારણે વોર્ડ નં.1ના એક ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. હવે કોંગ્રેસ 72 નહીં પરંતુ 71 બેઠકો પરથી ચૂંટણી લડશે. અન્ય વોર્ડમાં પણ ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ફોર્મ રદ થયા બાદ કલેકટર કચેરી પરિસરમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને અશોક ડાંગર વચ્ચે ગંભીરતાપૂર્વક કંઈક ચર્ચા થતી જોવા મળી હતી. તસવીરમાં આ બન્ને મહાનુભાવો કોંગ્રેસની દશા અને દિશા વિશે વિચાર વિમર્શ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અંદર ખાને જાણે બન્નેના મનમાં શું રાજરમત ચાલતી હશે તે ભગવાન જાણે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ કોંગ્રેસની પાંચેય આંગળીઓ ફરી અલગ અલગ થઈ ગઈ છે. બન્ને દિગ્ગજો કોંગ્રેસનો ઉદ્ધાર કરવા નીકળી હતી પરંતુ મતદાન પૂર્વે જ કોંગ્રેસે પોતાની બેદરકારીના પાપે એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.