Abtak Media Google News

પીપળીયા ચાર રસ્તા નજીક સોના – ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા વેપારીને આંતરી મરચું છાંટી લૂંટ ચલાવાઈ

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક સોના – ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા સોની વેપારીને આંતરી લૂંટાવદર નજીક ત્રણ લૂંટારુંઓએ આંખમાં મરચું છાંટી પાંચ લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, લૂંટની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને મોરબી – માળીયામાં નાકાબંધી કરી લૂંટારુઓને  ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક અંબિકા જવેલર્સ નામની દુકાન ધરાવતા ધીરજલાલ શિવલાલ પારેખ, ઉ. ૬૦ ગઈકાલે પોતાના નિત્યક્રમ મુજબ પોતાની દુકાન બંધ કરી સોના ચાંદીના દાગીનાના બે થેલા ભરી પોતાના ગામ લૂંટાવદર જવા નીકળ્યા હતા ત્યારે અગાઉથી જ રાહ જોઇને ઉભેલા ત્રણ શખ્સોએ ધીરુભાઈ લૂંટાવદરના પાટિયા નજીક પહોંચતા તેમની આંખમાં મરચું છાંટી દાગીના ભરેલા થેલા પડાવી લેવા ઝપાઝપી કરી હતી.

જો કે જવેલર્સ ધીરજલાલ પારેખે ત્રણેય લૂંટારુઓનો બરાબર સામનો કર્યો હતો આમ છતાં તસ્કરો રૂપિયા પાંચેક લાખના સોના અને ચાંદીના દાગીના ભરેલ થેલો આંચકી અંધારામાં નાસી ગયા હતા, લૂંટાયેલા આ થેલામાં સાડા છ તોલા સોનુ અને આઠ કિલો ચાંદીના દાગીના હતા.જો કે ધીરુજલાલ શિવલાલ પારેખ સોની પાસે રહેલ બીજો થેલો તેઓએ લૂંટારુઓનો હિંમતપૂર્વક સામનો કરતા બચી ગયો હતો અને આ થેલામાં સોનાના દાગીના ભરેલા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ લૂંટાવદર નજીક લૂંટ થયાની જાણ થતાં જ મોરબી એસઓજી, એલસીબી અને માળીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લૂંટારુઓને ઝડપી લેવા મોરબી – માળીયા પંથકમાં નાકાબંધી કરી લૂંટારુઓનું પગેરું દબાવવા પ્રયાસ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે અંબિકા જવેલર્સ વાળા ધીરજલાલ શિવલાલભાઈ સોની દરરોજ નિત્યક્રમ મુજબ સાંજે સાડા સાત વાગ્યે દુકાન બંધ કરી પરત પોતાના ગામ જતા હોય લૂંટારુઓ જાણભેદુ હોવાની શંકા બળવત્તર બની છે કારણ કે ત્રણેય લૂંટારુઓએ મોઢા પર લાલ કલરની બુકાની બાંધી હતી અને લૂંટ કરી પીપળીયાની સીમમાં નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું છે.

જો કે સદનસીબે ધીરજલાલભાઈ પારેખ પાસે બે થેલા પૈકી બચી ગયેલા થેલામા રૂપિયા ચાર લાખનું સોનુ હતું જે ધીરજલાલભાઈની હિંમત પૂર્વકના સામનાને કારણે બચી ગયુ હતું

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.