Abtak Media Google News
  • પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિ.ના સર્વાંગી વિકાસ માટે 100 કરોડની ગ્રાન્ટ મંજૂર
  • ડો.આંબેડકર ટીચીંગ, રીસર્ચ એન્ડ ઇનોવેશન ચેર-સેન્ટર બિલ્ડીંગના નિર્માણ કરાશે

પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત દેશની યુનિવર્સિટી અને કોલેજોને વિકાસ માટેની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જેમાં મલ્ટી ડીસીપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીઝ અંતર્ગત કમ્પોનન્ટ-1માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઇતિહાસમાં પ્રથમ વાર આટલી 100 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુદા-જુદા ભવનોના નિર્માણ મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન, ઇનોવેશન વગેરે માટેના નુતન પ્રકલ્પો રિસર્ચ માટેના જુદા-જુદા આયામો અંગેની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સો કરોડ જેટલી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત અને રાજ્ય સરકાર અનુદાનિત બાબાસાહેબ ડો.બી. આર. આંબેડકર ચેર- સેન્ટર છેલ્લા સાત વર્ષથી યુનિવર્સિટી કેમ્પસ પર કાર્યરત છે. આ સેન્ટરનું કાર્ય રાજ્યમાં મોડલ ચેર તરીકે પ્રશંસાને પાત્ર બન્યું છે . આ ચેર – સેન્ટર માટે એક અલગ નવું ભવન નિર્માણ થાય તે માટેની દરખાસ્ત છેલ્લા પાંચ વર્ષથી રાજ્ય સરકારમાં કરવામાં આવી રહી હતી 2017 18 માં શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી . ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ ચેર- સેન્ટર માટે નવા ભવન નિર્માણ માટેની રૂ.6 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આગામી સમયમાં આચારસંહિતા પૂર્ણ થયા બાદ આ ભવનનો શિલાન્યાસ કરવામાં આવનાર છે. આ નિર્માણ થનાર ભવનનું નામ “ડો.આંબેડકર ટીચિંગ, રીસર્ચ એન્ડ ઇનોવેશન ચેર- સેન્ટર” રાખવામાં આવશે.

નિર્માણ થનાર સેન્ટરમાં ડો.આંબેડકરના જીવન, કાર્યો, અને તત્વજ્ઞાન અંગેનું સ્ટડી અને રિસર્ચ થશે. ચેરના ઉદેશ્યો પ્રમાણેના આયામો હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારના ડો.આંબેડકર ફાઉન્ડેશન અનુદાનિત ડો.આંબેડકર ચેર જેમાં વાર્ષિક ધોરણે રૂપિયા એક કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે. તે મંજુર કરાવી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ડો.આંબેડકર ફાઉન્ડેશન અનુદાનિત “સેન્ટર ફોર એક્સીલન્સ” સૌરાષ્ટ્ર રિજયોન માટે મંજુર કરાવી શરૂ કરવામાં આવશે. જેમાં વાર્ષિક ધોરણે 100 છાત્રોને યુપીએસસી, જીપીએસસી પરીક્ષા માટેના વર્ગ-1 અને 2નું કોચિંગ કરાવવામાં આવે છે. જેમાં એક છાત્ર દીઠ વાર્ષિક 75 હજારનો ખર્ચ કરવામાં આવે છે. સામાજિક સમતા, સમરસતા માટેના વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારના ગામડાઓમાં આ સેન્ટર દ્વારા ડો.આંબેડકર સ્ટડી સર્કલ ઊભા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.