Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ગ્રેજ્યુએશન 4 વર્ષ અને પોસ્ટ ગ્રેજ્યુએશન 1 વર્ષનો કરવા અમલવારી કરવામાં આવશે

કોલેજોની મંજૂરી અને દરખાસ્ત પણ નિયમોને આધીન મંજુર કરતુ એકેડમિક કાઉન્સીલ

નવા સત્રથી લો ની પ્રવેશ પ્રક્રિયા બાર કાઉન્સીલના નિયમોને આધિન કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સીમાં આજે કુલપતિ ડો.ગિરીશ ભીમાણીની અધ્યક્ષતામાં એકેડમિક કાઉન્સીલની બેઠક મળી હતી.જેમાં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી હતી કે, આગામી નવા સત્રથી યુનિવર્સીટીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી થશે જેને સત્તાવાર રીતે એકેડમિક કાઉન્સીલમાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ગ્રેજ્યુએશન 4 વર્ષ અને પોસ્ટ ગ્રેજ્યુએશન 1 વર્ષનો કરવા અમલવારી કરવામાં આવશે તેમજ વિધાર્થીઓ હવે એક જ યુનિવર્સીટીમાં બે અભ્યાસક્રમ કરી શકશે તેની અમલવારી પણ નવા સત્રથી કરવામાં આવશે.

વિશેષમાં આ એકેડમિક બેઠકમાં છેલ્લા ઘણા સમયથી પેન્ડિગ રહેલી નવી કોલેજોની મંજૂરી અને દરખાસ્ત મંજુર કરાઈ હતી. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ચાલુ જોડાણ અને નવા જોડાણની ચર્ચા-વિચારણા કર્યા બાદ મોટા ભાગની કોલેજોમાં કોર્ષ મંજુર કરવામાં આવ્યા હતા.

જ્યારે સાંજે એસ્ટેટ કમિટીની પણ મિટિંગ મળવાની છે.

એસ્ટેટ કમિટીની બેઠકમાં યુનિવર્સિટીના ટ્રાન્ઝિટ હાઉસમાં ફર્નિચર માટેના ખર્ચ, ભવનોમાં જુદા જુદા કામના ખર્ચ, સફાઈ માટે કરાયેલા ખર્ચની ચર્ચા કરી મંજૂર કરાયા હોવાનું જાણવા મળે છે.

કેમ્પસ પર ટ્રાન્ઝિસ્ટ હાઉસમાં તમામ રૂમોમાં રસોડાના ફર્નિચર માટે રૂ.5.64 લાખ, નેનો સાયન્સ ભવનમાં નવા એલ્યુમિનિયમ સેક્શન પાર્ટિશન માટે રૂ. 3.71 લાખ, નંદનવન યોજના અંતર્ગત 60 હેક્ટર વાવેતરની 31મી માર્ચ સુધી જાળવણી માટે રૂ. 5.69 લાખનો ખર્ચ મંજૂર કરવા સહિતના જુદા-જુદા મુદ્દાઓની ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાશે.

આ ઉપરાંત યુનિવર્સિટી કેમ્પસના મેદાનમાં ઘાસ, બાવળ સહિતની બિનજરૂરી વસ્તુ કાઢી સફાઈ કરવા માટે 4 લાખથી વધુનો ખર્ચ થયો છે તેને મંજૂર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.