Abtak Media Google News

કેન્દ્રીય માહિતી આયુકતના ઉદય માહુરકરજી, કુલપતિ ગીરીશ ભીમાણીના હસ્તે સાવરકર અભ્યાસ અને સંશોધન કેન્દ્રનું લોકાપર્ણ કરાશે

જેમણે યુવાનીનાં અઢ્ઢાર-અઢ્ઢાર વર્ષો આંદામાન-નિકોબારની કાલ કોટડીમાં અસહ્ય યાતનાઓ સહન કરવા છતા જીવનનાં અંતિમ શ્ર્વાસ સુધી ભારતમાતાનાં અખંડ સ્વરુપની આરાધના કરી અને એ માટે પરિવારથી દુર રહીને અંગ્રેજો દ્રારા ઘડાયેલા મનઘડત આરોપોનો સામનો કરવા છતા સ્વતંત્રતા આંદોલનના યજ્ઞમાં પોતાની જાતની આહુતી આપી દીધી એવા આદર્શ પુરુષ અને મહાનાયક એટલે સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર.જન્મથી જ જેનું રોમે-રોમ અંગ્રેજોના ગુલામ રહેલા આ દેશને સ્વાતંત્ર્ય કરાવવા માટે તિવ્ર ઝંખના ન માત્ર અનુભવતુ હતુ પરંતુ યુવાનીમાં પ્રત્યક્ષ ભારત ભક્તિ માટે કાર્યરત થયુ.

પરિણામ સ્વરુપ કદાચ એ સમયનાં કોઇપણ સ્વાતંત્ર્ય આંદોલનના નેતાને નહોતી ભોગવવી પડી એવી કઠોર યાતના ન માત્ર વિનાયકરાવે ભોગવી પરંતુ ભાઇ અને પત્નિ સમેત તમામ પરિવારજનોએ તેની આકરી કિંમત ચુકવવી પડી.તેમના પત્નીએ પરણીને આવ્યા ત્યારથી યુવાનીનો પુરો કાલખંડ પતિ વિયોગમાં વિતાવવો પડયો , તેમના ભાઇને પણ જેલવાસ ભોગવવો પડયો.આઝાદી પછી પણ તેમનું અખંડ ભારતનું સ્વપ્ન તો રોળાયું પરંતુ રાજનિતિજ્ઞોના રાજકીય સ્વાર્થે આવા મહાનાયકનાં ચારિત્રને રાષ્ટ્રીય સ્તરે હનન કરવા માટેના તમામ નીમ્ન સ્તરનાં હથકંડાઓ અજમાવ્યા અને તેમનું વ્યકિતત્વ હનન કરવા માટેના બિભત્સ પ્રયાસો આજે પણ થઇ રહ્યા છે.

મહાનાયકોનાં રાષ્ટ્ર પૂન:નિર્માણમાં એમના અમૂલ્ય યોગદાનને વર્તમાન પેઢી સમક્ષ ઉજાગર કરવા અને તેમના વિચારો-વ્યકિતત્વ અને તેમની કૃતિનને સત્ય સ્વરુપે સમાજ સન્મુખ ઉજાગર કરવા માટે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર સૌરાષ્ટ્ર યુનિ.એ કમરકસી છે.જેનાં ભાગરુપે વિદ્યાર્થીઓ – પ્રોફેસરો અને સંશોધકો આ દિશામાં કાર્યરત થાય ,વીર સાવરકરનાં રાષ્ટ્ર વિષયક દ્રષ્ટીકોણને સંશોધન દ્રારા ઉજાગર કરવા માટે આવતીકાલ 28 જુલાઇ સૌરાષ્ટ્ર યુનિ.ખાતે બપોરે 12 થી 2.00 દરમ્યાન કેન્દ્રિય માહિતી આયુકત અને વીર સાવરકરનાં જીવનનું યથાર્થ લેખન કરનારા ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં ભૂતપુર્વ નિવાસી તંત્રી એવા ઉદય માહુરકરજીનાં હસ્તે આ અધ્યયન અને સંશોધન કેન્દ્રનો પ્રારંભ સોરાષ્ટ્ર યુનિ.અને લોકજાગરણ અભિયાનનાં સંયુકત ઉપક્રમે પ્રારંભ થશે.સૌરાષ્ટ્ર યુનિ.સાથે લોકજાગરણ અભિયાનનાં સંયોજક પ્રો.હર્ષદભાઇ યાજ્ઞિક અને શ્રીમતિ રુત્વિબેન પટેલ ગુજરાત ભરની તમામ યુનિ.ઓમાં દેશનાં મહાનાયકોનાં જીવનવૃતાંતને વર્તમાન પેઢી સમક્ષ લાવવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે , ત્યારે એમના આ ભગીરથ કાર્યને સૌરાષ્ટ્રમાં ઉજાગર કરવા સોરા.યુનિ.નાં એચઆરડીસી વિભાગનાં અધ્યક્ષ પ્રો.નિકેશ શાહ,સહ અધ્યાપક ધીરેનભાઇ પંડયા ,સમાજ શાસ્ત્ર વિભાગના ભરતભાઇ ખેર જેવા અધ્યાપકોના સહયોગથી આવતીકાલના આ ભવ્ય કાર્યક્રમનું આયોજન યુનિ.સેનેટ હોલમાં યોજાવા જઇ રહ્યુ છે.તો આ સમગ્ર આયોજનને ,સંશોધન અને અધ્યયનને સતત પ્રોત્સાહન આપનારા સોરા.યુનિ.ના કુલપતિ ડો.ગિરીશભાઇ ભીમાણી ન માત્ર માર્ગદર્શન આપી રહ્યા છે પરંતુ રાષ્ટ્રનાયકોના આદર્શ જીવનનાં પાઠો વિદ્યાર્થીઓ શીખે અને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી સમાજ અને રાષ્ટ્ર સેવામાં અગ્રેસર થાય એ માટે અતિ વ્યસ્ત કાર્ય માંથી પણ સમયકાઢી અને સતત સ્વયં પ્રયાસરત છે.

ભારતિય પરંપરા અનુસાર દિપ પ્રજ્જવલન – પ્રાર્થના બાદ મહેમાનોના સ્વાગત્ત અને પરિચય પછી માહુરકરજી અધ્યયન સેંટર ખુલ્લુ મુકશે અને વીર સાવરકરજીના જીવન વૃતાંત ઉપર સંબોધન અને જીજ્ઞાસા સમાધાન બાદ કુલપતિ શ્રી ભીમાણી સાહેબના અધ્યક્ષીય પ્રવચન સાથે આ કાર્યક્રમ પૂર્ણ થશે.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેરના અધ્યક્ષ ડો.દિપકભાઇ પટેલ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.