Abtak Media Google News

‘ગોલી છેહ…આદમી તીન…બહોત નાઈન્સાફી…’

પાર્ટીના સનિષ્ઠ કાર્યકર ડો. નેહલ શુકલને મવડી મંડળ વિશ્ર્વાસમાં લઇ લેશે તેવા સંકેતો

ભાજપના બે ઉમેદવારો પૂર્વ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીના પુત્ર દક્ષ ત્રિવેદી અને બીજા જાણીતા આર્કિટેકટ રાહુલ મહેતાએ ફોર્મ ભર્યા: ચોથા ઉમેદવાર તરીકે ડો. કલાધર આર્યના ધમપછાડા

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સેનેટની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે આજે ડોનરની શીટ પર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ત્રણ શીટ પર ભાજપે બે મુરતિયાઓ જાહેર કર્યા છે. હાલની સ્થિત જોતા તો એવું જ લાગી રહ્યું છે કે, ’ગોલી છે…આદમી તીન…બહોત નાઈન્સાફી…’ હુઈ હૈ. કેમ કે પૂર્વ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીના પુત્ર દક્ષ ત્રિવેદી અને બીજા સહકારી અગ્રણી જ્યોતિન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતાએ બુધવારે બપોરે યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યા હતા. સાથોસાથ મોડે મોડે ગુજરાત ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને દાતાની સીટના પૂર્વ વિજેતા ડો.નેહલ શુક્લએ ડોનરની શીટ પર ફોર્મ ભર્યું હતું.

યુનિવર્સીટીના શિક્ષણક્ષેત્રમાં જે રીતે રાજકારણ ખદબદી રહ્યું છે. તેની સામે દાતાની શીટમાં જે ફોર્મ ભરાઈ  રહ્યા છે તે નારાજગીના ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. જે પક્ષની સાથે છે તેને વિશ્વાસમાં લેવાયા ન હોય જો કે નેહલ શુક્લને મવડી મંડળ વિશ્વાસમાં લઇ લેશે અને નેહલભાઈ ફોર્મ પરત ખેંચી લેશે તેવું રાજકીય વર્તુળમાંથી જાણવા મળી રહ્યું છે.અને આજે વધુ એક મુરતિયાએ ફોર્મ ભરતા હવે ચૂંટણીમાં રાજકારણ ગરમાયુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની દાતાની કુલ 3 બેઠક પૈકી બે બેઠક પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા હતા.

એવામાં બુધવારે સાંજે પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. નેહલ શુક્લએ અચાનક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવીને દાતાની બેઠક પર ફોર્મ ભરી દેતા રાજકારણ ગરમાયું છે. જો કે આમાં જ પૂરું ન હોય તેમ વધુ એક ભાજપ અગ્રણી ડો.કલાધર આર્યએ આજે ફોર્મ ભરતા વાતાવરણ ગરમાયુ છે. એટલે કે શીટ ત્રણ અને મુરતિયાઓ ચાર!!! જો કે ડો.નેહલ શુક્લ ફોર્મ પરત ખેંચે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

ભાજપમાં સામાન્ય રીતે પક્ષ નક્કી કરે તે જ ઉમેદવાર ફોર્મ ભરતા હોય છે, પરંતુ ડો. નેહલ શુક્લ અને આર્યએ સ્વતંત્ર રીતે પોતે દાવેદારી નોંધાવી દેતા દાતાની બેઠક માટે ચૂંટણી યોજવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે હજુ 22મી સુધી ફોર્મ પરત ખેંચવાનો સમય બાકી હોવાથી હજુ નવા-જૂની થવાનાં એંધાણ થાય તેવી પુરી શક્યતા છે.

શનિવારે આચાર્યની બે બેઠકો પર ચૂંટણીનો જંગ

માધ્યમિક શિક્ષકની બંને બેઠક બિનહરીફ થયા બાદ હવે આગામી તારીખ 22મી જુલાઈએ આચાર્યની બે બેઠકની ચૂંટણી થવાનું નક્કી જ છે. આચાર્યની બે સીટમાં ચાર ઉમેદવાર જેતલસરના નયન વીરડા, રાજકોટના સંજય પંડ્યા અને તુષાર પંડ્યા, જામનગરના મેઘના શેઠ સહિત ચાર ઉમેદવારના ફોર્મ માન્ય રહેતા અને કોઈએ ફોર્મ પરત નહીં ખેંચતા આ ચારેય વચ્ચે આગામી તારીખ 22 જુલાઈએ ચૂંટણી જંગ થશે. આચાર્યની બે બેઠક માટેની ચૂંટણીમાં યુનિવર્સિટીના કાર્યક્ષેત્રના જિલ્લાઓમાં રહેલી ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યો મતદાન કરશે. ચૂંટણી પ્રક્રિયામાં મતદાન બેલેટ પેપરથી કરવામાં આવશે.

કોંગ્રેસમાંથી ડો.નિદત બારોટ અને ડો.હરદેવસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સેનેટની ચૂંટણીમાં દાતાની શીટ પર ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપમાં ચાર ઉમેદવારોએ ફોર્મ ભરતા આજે કોંગ્રેસમાંથી ડો.નિદત બારોટ અને ડો.હરદેવસિંહ જાડેજાએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી છે. હવે દાતાની ત્રણ શીટ પર વર્ષોથી 1 કોંગ્રસ અને બે ભાજપના ઉમેદવારો નોંધાય છે ત્યારે આ વર્ષે કંઈક ઉલટફેર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.