Abtak Media Google News

Table of Contents

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં પ્રથમ સ્ટાફ રેન્ડમાઈઝેશન કરાયુ, હવે આગામી દિવસોમાં સેક્ધડ રેન્ડમાઇઝેશન કરી સ્ટાફને વિધાનસભા બેઠક ફાળવી દેવાશે

રાજકોટ લોકસભા બેઠક પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી  પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી કામગીરી માટે સ્ટાફની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ રેન્ડમાઈઝેશનમાં 10,536 સ્ટાફની ચૂંટણી ફરજ માટે પસંદગી કરવામાં આવી છે.

નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી તથા જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી એન. કે. મુછારની ઉપસ્થિતિમાં રાજકોટ લોકસભાના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી કામગીરી માટે કેટલા સ્ટાફની જરૂરિયાત છે, તેની સમીક્ષા કરવામાં આવી હતી.આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ ચૂંટણી કામગીરી માટે જે સ્ટાફના ઓર્ડર થયેલા છે, તેઓનું પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં આજે 10,536 સ્ટાફને વિવિધ હોદ્દાઓ ફાળવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી દિવસોમાં હજુ બે વાર સ્ટાફ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં બીજા રેન્ડમાઈઝેશનમાં સ્ટાફને વિસ્તારોની ફાળવણી અને ત્રીજા રેન્ડમાઈઝેશનમાં બૂથની ફાળવણી થતી હોય છે. આ બધી જ પ્રક્રિયા સોફ્ટવેર આધારિત હોય છે.

કલેકટર કચેરી અને સિટી-1 પ્રાંત સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

રાજકોટ બેઠક માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ 12 એપ્રિલ 2024 (શુક્રવાર) છે. ત્યારથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ  19 એપ્રિલ 2024 (શુક્રવાર), ઉમેદવારીની ચકાસણીની તારીખ : 20 એપ્રિલ 2024 (શનિવાર), ઉમેદવારી પત્ર પાછુ ખેચવાની છેલ્લી તારીખ  22 એપ્રિલ 2024 (સોમવાર) અને મતદાન તારીખ : 07 મે 2024 (મંગળવાર) તથા મત ગણતરી તારીખ : 04 જૂન 2024 (મંગળવાર) છે. રાજકોટ બેઠક માટે કલેકટર કચેરીમાં કલેકટર સમક્ષ તથા જૂની કલેકટર કચેરીમાં સિટી-1 પ્રાંત સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.

કલેકટર અને અધિક ચૂંટણી અધિકારી મોરબીમાં, તૈયારીઓનું નિરિક્ષણ

મોરબી જિલ્લાનો અનેક વિસ્તાર રાજકોટ લોકસભા બેઠકમાં આવતો હોય, પરિણામે રાજકોટ અને મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર વચ્ચે સંકલન હોવું જરૂરી છે. જે સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને અધિક ચૂંટણી અધિકારી એન.કે.મુછાર આજે મોરબીની મુલાકાતે ગયા હતા. જ્યાં બન્ને અધિકારીઓએ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત વાકાનેર પ્રાંત અને ટંકારા મામલતદાર પાસેથી તમામ વિગતો મેળવી તૈયારીઓની સમીક્ષા હાથ ધરી હતી.

લોકશાહીના મહાપર્વમાં જોડાવા માટે 9 એપ્રિલ સુધી નવું ચૂંટણી કાર્ડ કઢાવી શકાશે

T1 64

ગુજરાત રાજ્યમાં આગામી તા.7મી મે-2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર  છે. રાજકોટ જિલ્લામાં તા. 16/03/24 સુધીમાં લોકસભા બેઠક વિસ્તાર અનુસાર 10,89,546 પુરુષો અને 10,14,938 સ્ત્રીઓ એમ કુલ- 21,04,519 મતદારો રાજકોટ જિલ્લામાં નોંધાયેલા છે. ત્યારે, રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પાત્રતા ધરાવતા કોઇ પણ મતદાર ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત ન રહે તથા પ્રત્યેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. જેના ભાગરૂપે, જે કોઇ પણ નવા મતદારો નામ નોંધાવવામાં બાકી રહી ગયા હોય તેઓ માટે, મતદારયાદીમાં નવા નામ નોંધણી હેતુ ફોર્મ-6 આગામી તા.9/4/2024 સુધી ભરી શકાશે.  જેના માટે મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા કલેકટર કચેરીમાં રૂબરૂ અરજી આપી શકાશે. આ ઉપરાંત મતદારો વોટર હેલ્પલાઇન એપ, વોટર સર્વિસ પોર્ટલ (https://voters.eci.gov.in) પર પણ ઓનલાઈન અરજી કરી શકે છે. જેથી, રાજકોટ જિલ્લામાં હજુ પણ પોતાનું અને પોતાના પરિવારના પુખ્ત વયના સભ્યોનું નામ મતદારયાદીમાં છે કે નહિં તે તપાસી લેવા અને જરૂર જણાયે હજુ પણ મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે અરજી કરી શકાશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

રૂ.10 લાખથી વધુની રકમ પકડાશે તો આવકવેરા વિભાગને જાણ કરાશે

પક્ષના કાર્યકર કે એજન્ટ પાસેથી રૂ.50 હજારથી વધુની રકમ, રૂ.10 હજારથી વધુની પ્રચાર સામગ્રી કે ભેટ પકડાશે તો જપ્ત કરી લેવાશે

રાજકોટ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં છે ત્યારે ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર જો કોઈ પણ વ્યક્તિ પાસે રૂ.10 લાખની રકમ કે 1 કિલોથી વધુ કિંમતી ધાતુ પકડાશે તો આવકવેરા વિભાગને જાણ કરવામાં આવશે તેવું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. હાલ જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગો દ્વારા ચૂંટણી પંચના નિયમો અનુસાર પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ આચાર સંહિતાના અમલ દરમિયાન જો કોઈ પક્ષના કાર્યકર કે એજન્ટ પાસેથી રૂ.50 હજારથી વધુની રકમ ઝડપાશે તો તેને જપ્ત કરી લેવામાં આવશે. આવી જ રીતે તેઓની પાસેથી જો રૂ.10 હજારથી વધુની પ્રચાર સામગ્રી, દારૂ કે ભેટ મળશે તો તેને પણ જપ્ત કરી લેવામાં આવશે. વધુમાં જો કોઈ સ્ટાર પ્રચારક હોય અને તેઓની પાસેથી રૂ.1 લાખથી વધુની રકમ મળી આવશે તો પાર્ટીના ખજાનચીના સહી વાળું પ્રમાણપત્ર લેવામાં આવશે. આ રકમ જપ્ત કરવામાં આવશે નહિ. બીજી તરફ રૂ.10 લાખથી વધુની રકમ કે 1 કિલોથી વધુની કિંમતી ધાતુ મળી આવશે તો આવકવેરા વિભાગને જાણ કરવામાં આવશે. બાદમાં તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લામાં 20 હજારથી વધુ પ્રચારાત્મક લખાણો અને બેનરો હટાવાયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની જાહેરાતથી રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે. જે અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટ આઉટ વગેરે દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.     આ કામગીરી અંતર્ગત રાજકોટ જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 20 હજારથી વધુ લખાણો અને પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.

મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આગોતરૂ આયોજન કરવા કલેકટરની સૂચના

T2 37

એ.આર.ઓ., મામલતદારો, નાયબ મામલતદારની ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ(એ.આર.ઓ),  મામલતદાર, નાયબ મામલતદારઓ સાથે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરએ ઉમેદવારોના ફોર્મ પ્રોસેસિંગમાં રાખવાની સાવચેતી, પૂરક મતદાન મથકો, એ.આર. ઓ. કક્ષાએ તાલીમ, એમ.સી.સી. ફરિયાદ નિવારણ, સ્વીપ વગેરે અંગેની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. મતદાર જાગૃતિના અવનવા અને અસરકારક કાર્યક્રમોનું આગોતરું આયોજન કરવા  કલેક્ટરએ સ્વીપના નોડલ ઓફિસરને સૂચના આપી હતી. વધુમાં એ.આર.ઓશ્રી તેમજ મામલતદારને મતદાન મથકોની મુલાકાત લઈ મતદાતા માટેની સુવિધાઓનું જાતે નિરીક્ષણ કરવા જણાવ્યું હતું. અને તબક્કાવાર સ્ટાફ રેન્ડમાઈઝેશન, સ્ટાફ તાલીમના સુચારુ આયોજન વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઉપરાંત, પોસ્ટલ બેલેટ માટેના આયોજન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, સ્વીપના નોડલ ઓફિસર જિજ્ઞાસા ગઢવી, તેમજ એ.આર.ઓ.,મામલતદારો,નાયબ મામલતદારો અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વીપ માટે દરેક વિધાનસભા દીઠ રૂ.3.5 લાખનો ખર્ચ કરાશે

સ્વીપ એક્ટિવિટી માટે દરેક વિધાનસભા દીઠ રૂ.3.5 લાખનો ખર્ચ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાની 7 વિધાનસભા બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા રૂ.24.5 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે. વધુમાં ચૂંટણી પંચે ટર્ન આઉટ ઇમ્પલીટેશન પ્લાન બનાવ્યો છે અને અલગથી બધા જિલ્લામાં તે મુજબ મતદાર જાગૃતિ લાવવા પ્રયાસો કરવા સૂચના આપી, જેમાં કામદારો અને ગરીબો રહેતા હશે તેવા વિસ્તારોમાં મતદાર જાગૃતિ વધારવા વિશેષ કાર્યક્રમો યોજાશે.

કાલે બેન્ક અધિકારીઓ સાથે કલેકટરની બેઠક: શંકાસ્પદ વ્યવહારો ઉપર નખાશે નજર

Untitled 1 3

અસામાન્ય ટ્રાન્ઝેક્શન અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેન્ક મેનેજરો તેમજ અન્ય ખાતાના વડાઓને અપાશે સૂચના બેઠકમાં પોલીસ, સી.જી.એસ.ટી. એસ.જી.એસ.ટી, ફોરેસ્ટ, ઈન્કમટેક્ષ, પોસ્ટ ઓફીસ સહિતના વિભાગો રહેશે ઉપસ્થિત

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે  જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી આવતીકાલે જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ, પોલીસ અધિક્ષક, સી.જી.એસ.ટી. એસ.જી.એસ.ટી, ફોરેસ્ટ, ઈન્કમટેક્ષ, પોસ્ટ ઓફીસ, આર.પી.એફ. સાથે કલેકટર કચેરી ખાતે ખાસ બેઠક યોજશે. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે દેખરેખ રાખી ચૂંટણી વિભાગને માહિતીગાર કરવા જણાવશે.

કોઈ સામાન્ય નાગરિકો તેમજ અન્ય કોઈને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ ભાર મુકવામાં આવશે. છેલ્લા બે માસ દરમિયાન (સાયલેન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓની માહિતીને ચૂંટણી તંત્રના ધ્યાને દોરવા સૂચનાઓ આપવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં/ મતવિસ્તારમાં આવી તબદિલીના કોઈ પણ પૂર્વ દ્રષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓના ખાતામાં આર.ટી.જી.એસ. દ્વારા અસામાન્ય રકમની તબદિલી થઈ હોય તેવી માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે. નોમીનેશન ફાઈલ દાખલ કરનાર ઉમેદવાર ઉપરાંત તેમના પરિવારજનો અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી તંત્રને મોકલવાની રહેશે. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, અધિક નિવાસી કલેકટર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, બેન્ક મેનેજરો સહિતના ઉપસ્થિત રહેશે.

કાલે ચૂંટણી પંચની વિડીયો કોન્ફરન્સ રાજકોટ જિલ્લાની તૈયારીઓની થશે સમીક્ષા

રાજકોટ જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં આવતીકાલે ચૂંટણી પંચની વિડીયો કોન્ફરન્સ યોજાનાર છે. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર પી.ભારતી રાજકોટ જિલ્લાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. આ ઉપરાંત મતદાર યાદી, મતદાન મથકો અને ચૂંટણીની પૂર્વ તૈયારીઓની વિગતો જાણી જરૂરી માર્ગદર્શન આપશે.

ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનોના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ

વાહનોનો ખર્ચ ચૂંટણી ખર્ચમાં દર્શાવવાનો રહેશે: મતદાનના દિવસે વાહન વપરાશની પરવાનગી મેળવવાની રહેશે

ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ની જાહેરાત ગત તા. 16 માર્ચના રોજ કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે, જે મુજબ સરકારી વાહનોનો પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં.

ચૂંટણી પ્રચાર, ચૂંટણી કામગીરી અથવા ચૂંટણી સંલગ્ન પ્રવાસ માટે સરકારી વાહનોના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ પણ રાજકીય પદાધિકારી ખાનગી કે સરકારી મુલાકાતો દરમિયાન પાયલોટીંગ કાર કે સાયરન લગાવેલી કાર કે સાંકેતીક કારનો ઉપયોગ કરી શકશે નહીં. ઝેડ પ્લસ સુરક્ષા અપાયેલી હોય, તેઓ રાજયની માલિકીનું એક બુલેટપ્રુફ વાહન વાપરી શકશે. આ ઉપરાંત, પ્રચાર માટે કે અન્ય હેતુ માટે ઉમેદવારો કે પક્ષના કાર્યકર્તાઓ કે એજન્ટોએ ઉપયોગમાં લેવાના થતા વાહનોની નોંધણી સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં કરાવી, પરવાનગી મેળવી, અસલ પરમીટ વાહનના વિન્ડ સ્ક્રિન ઉપર સહેલાઈથી દેખાય તે રીતે લગાવવાની રહેશે.

લોકસભા સમાન્ય ચૂંટણીના પ્રસંગે મતદાનના દિવસે વાહન વપરાશની પરવાનગી ચુંટણી અધિકારીશ્રીની કચેરી કક્ષાએથી મેળવવાની રહેશે. જેમાં હરીફ ઉમેદવારના પોતાના ઉપયોગ માટે જે તે વિધાનસભા મતદાર વિભાગ માટે એક વાહન, હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટના ઉપયોગ માટે જે તે વિધાનસભા મતદાર વિભાગ માટે એક વાહન અને વધારેમાં, હરીફ ઉમેદવારના કાર્યકરો અથવા પક્ષના કાર્યકરો માટે પાંચ (ડ્રાઈવર સહીત) કરતા વધારે નહીં તેવી બેઠક ક્ષમતા ધરાવતા એક વાહન માટે મંજૂરી મેળવવી પડશે. આ વાહનનો સબંધિત વ્યકિત સિવાય અન્ય કોઈ ઉપયોગ કરી શકશે નહીં.

તમામ વાહનોનો ખર્ચ ચૂંટણી ખર્ચમાં દર્શાવવાનો રહેશે. કોઈ પણ વાહનો પણ બેનર લગાડી શકાશે નહીં. રોડ શો દરમિયાન 6 ફુટ ડ્ઢ 4 ફુટનું બેનર હાથમાં લઈ જવાની છુટ છે. ટુ વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર વ્હીલર દીઠ ફક્ત એક જ ધ્વજ મહત્તમ 1 ફુટ ડ્ઢ 0.5 ફુટ (મહત્તમ 3 ફુટની લાકડી/સ્ટીક સાથે) રાખવાની મંજૂરી છે. વાહનો પર એક અથવા બે નાના સ્ટિકરો લગાડી શકાશે કોઈ પણ રોડ શો કે રેલી પૂર્વ મંજુરી વગર યોજી શકાશે નહીં તથા પશુઓના નાટકો યોજી શકશે નહીં. 10 વાહનો બાદ 100 મીટરની જગ્યા છોડવાની રહેશે. રોડ શો દરમિયાન પ્રાણીઓના પ્રદર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વાહનો પર સ્પોટ/ફોકસ/ફલેસીંગ/સર્ચ લાઈટ/હુટર મુકવાની પરવાનગી નથી.

વધુમાં, ખાનગી તથા સરકારી મિલકત અને વાહનોમાં નુકશાન ન થાય તે માટે ચૂંટણી દરમિયાન પ્રચારમાં પોસ્ટર, બેનર વગેરે બનાવવા પ્લાસ્ટીક અને પોલીથીન જેવી સામગ્રીનો ઉપયોગ ટાળવાનો રહેશે. તેમજ પ્રચાર દરમિયાન મિલકતોને કોઈપણ જાતનું નુકશાન ન થાય કે વિકૃતિ ન આવે, તેની કાળજી રાખવાની રહેશે.

સી-વિજિલ કંટ્રોલ રૂમ ખાતે નોડલ ઓફિસર અને કર્મચારીઓની નિમણૂંક

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ટૂંક સમયમાં યોજાનાર છે ત્યારે આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય અને ચૂંટણી આદર્શ વાતાવરણમાં યોજાય તે માટે સમગ્ર જિલ્લામાંથી રજૂ થતી ફરિયાદોના મોનિટરિંગ તથા નિવારણ હેતુ જિલ્લા કક્ષાએ “સી-વીજીલ” કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.આ અન્વયે ફરિયાદ નિવારણ સેલના નોડલ ઓફિસર તરીકે જી.એસ.ટી ઘટક-23 રાજકોટના નાયબ કમિશનર એચ. કે.સ્વામી તથા કંટ્રોલ રૂમ ખાતે સરકારી પોલીટેકનિક કોલેજના અધ્યાપકશ્રીઓ એસ.એમ. કોન્ઢીયા, આર.પી.મેવાડા, નીરજ કારેલીયા, એ.વી.પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના અધ્યાપકો જે.એ.આસલ અને  એમ.પી.ગિરનારી, સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો એ.કે.શુક્લ, મઝહર અબ્દુલ્લા ધન્નકોટ, રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના આઇ.ટી. ડાયરેક્ટર એસ.એમ ગોહિલ તથા પ્રોગ્રામર  ભાવેશ શાહ રાઉન્ડ ધ કલોક ડયુટી બજાવશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.