Abtak Media Google News

જામનગરના ગાંધીનગરથી ઉપડેલી સ્પેશ્યલ ટ્રેન ઉતરપ્રદેશના ગાઝીપુર સુધી જશે: તમામ મજૂરોને કિટ આપી મેડિકલ તપાસ કરાઈ

જામનગર શહેર-જિલ્લામાં ફસાયેલા વતન જવા માંગતા મજૂરો માટે આજે એક સ્પેશિયલ ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશનથી રાત્રે ઉપાડવામાં આવી છે જે ૧૨૦૦ જેટલા મજૂરો ભરીને ઉત્તરપ્રદેશના ગાઝીપુર જવા રવાના થશે. ટ્રેન ઉપડવાના પૂર્વે તમામ મજૂરોને એસ.ટી. બસ વાટે રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા છે જ્યાં તેમના દસ્તાવેજોનું ચેકીંગ કર્યા બાદ મેડિકલ તપાસણી કરી સ્વખર્ચની રેલવેની ટિકિટ આપવામાં આવી હતી. રેલવે સ્ટેશન ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ટ્રેન ઉત્તરપ્રદેશના ગાઝીપુર સુધી જશે. આ ટ્રેન ઉપડે તે પૂર્વે આજે તમામ મજૂરોને એસ.ટી. બસ મારફતે રેલવે સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા જ્યાં તેમના આઈ કાર્ડ તેમજ દસ્તાવેજોની કડક તપાસણી બાદ તેમની આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી હતી જે બાદ તેમને સ્વખર્ચની રેલવેની ટિકિટ આપવામાં આવી હતી. ગાઝીપુર રવાના થયેલા મજૂરો માટે રેલવે દ્વારા રૂા.૭૨૫ ટિકિટ ફાડીને તે પૈસા પરપ્રાંતિયો પાસેથી લેવાયા હતાં. જે જામનગર પોલીસના ધ્યાનમાં આવતાં એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.ગાધે, પીએસઆઇ વી.કે. ગઢવી અને મહીલા પોલીસ સ્ટેશનના પીઆઇ યૂ.એસ.વસાવા દ્વારા આ શ્રમિકોને ટ્રેનની ટીકીટી માટે રોકડ રકમની સહાય કરાઇ હતી. આજ સવારથી જ તંત્ર દ્વારા મેરેથોન મિટિંગનો દૌર શરૂ થયો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે એક-એક મજૂરને તેમના અરજીના આધારે બસ મારફતે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા તેમની આરોગ્ય તપાસણી કરાઈ હતી. જામનગરમાંથી હજુ પણ હજારો મજૂરો પોતાના વતન જવાની રાહમાં બેઠા છે જેમના માટે આગામી દિવસોમાં વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે તેમ જાણવા મળે છે.જામનગર જિલ્લામાં રહેલા મધ્યપ્રદેશના મજૂરો પૈકીના ૨૦,૨૩૭ મજૂરોને ૫૬૮ બસો દ્વારા મધ્યપ્રદેશ અત્યાર સુધી રવાના કરવામાં આવ્યા છે જે લોકો મધ્યપ્રદેશ પહોંચવાની તૈયારીમાં છે, જરૂર પડયે વધુ બસો પણ દોડાવવાની તંત્રની તૈયારી છે. જામનગર જિલ્લામાં ઉત્તરપ્રદેશના ૨૪૦૦ તેમજ બિહારના ૧૨૦૦ મજૂર પોતાના વતનની રાહમાં બેઠા છે. કલેકટર તંત્ર દ્વારા કેન્દ્ર સરકાર, રેલવે, ઉત્તરપ્રદેશ અને બિહાર સરકાર સાથે સંપર્કમાં રહીને તમામને વતનમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે જેના ભાગરૂપે ૧૨૦૦ મજૂરોને ઉત્તરપ્રદેશ મોકલાયા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.