Abtak Media Google News

જો જીતા વો સિકંદર પરંતુ અમુલ્ય જીવને જોખમમાં મુકી મામુલી રકમ જીતવાના જોખમી જુગારનો પડધરી પોલીસે પદાર્ફાસ કર્યો છે. રાજકોટથી પડધરી સુધી વાહનની રેસ કરી પોતાની અને અન્યની જીંદગી જોખમમાં મુકતા મોત સે દોસ્તી નામના ગુપ્ત દ્વારા ચાલતા નવતર જુગારમાં સંડોવાયેલા 14 શખ્સોની ધરપકડ કરી કાર, રિક્ષા, બુલેટ સહિત નવ વાહન અને રોકડ મળી રુા.6.42 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોત સે દોસ્તી નામનું એક ગ્રુપ રાજકોટ થી પડધરી સુધી વાહનની રેસ લગાવી જોખમી જુગાર રમતા હોવાની બાતમીના આધારે પડધરી પોલીસ મથકના પી.એસ.આઇ. જી.જે.ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિજયભાઇ દાફડા, કિશોરભાઇ પારઘી અને  પુષ્પરાજસિંહ પરમાર સહિતના સ્ટાફે રાજકોટથી પડધરી તરફ કાર, રિક્ષા, બુલેટ સહિતના વાહનો પુર ઝડપે અને બેફિકરાઇથી ચલાવીને આવતા 14 શખ્સોને ઝડપી લીધા હતા.

જીવ સટોસટની બાજી રમી પોતાની અને અન્ય વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જે તેવી હાઇ-વે પરની હરિફાઇથી  હિન્દી ફિલ્મના દ્રશ્ય ખડા થયા

સ્કવોડા કાર, રિક્ષા અને બુલેટ મળી નવ વાહન સહિત રૂ.6.42 લાખનો મુદામાલ કબ્જે: લાંબા સમયથી ચાલતા રેસ લગાવવાના જુગારના કારણે જીવલેણ અકસ્માત સજાર્યો હતો

તમામની પુછપરછ દરમિયાન તેઓ ઘણા લાંબા સમયથી રાજકોટથી પડધરી સુધી સપ્તાહમાં એક વખત વાહનની રેસ લગાવી જુગાર રમતા હોવાની કબુલાત આપી છે.  બે રિક્ષાને માધાપર ચોકડીથી પડધરી સુધી પુર ઝડપે ચલાવવાની અને જે પાછળ રહે તે પોતાની રિક્ષા હારી જતો હોય છે. તે રીતે બુલેટની અને ફોર વ્હીલની રેસ લગાવવામાં આવતી હોવાથી આ જુગાર વાહન હારી જવાની લઇ રુા.3 હજાર સુધીની રેસ હોય છે.

હાઇવે પર હિન્દી ફિલ્મના દ્રશ્ય સર્જાતા હોય છે. જોખમી જુગાર રમતા બે વર્ષ પહેલાં એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો તેમ છતાં મોત સે દોસ્તી ગ્રુપ દ્વારા જોખમી જુગાર ચાલુ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.મોત સે દોસ્તી નામના ગ્રુપ દ્વારા ચાલતા નવતર જુગારના કારણે જુગાર રમતા વાહન ચાલક તેમજ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોની જીંદગીનું જોખમ રહેતું હોવાથી પડધરી પોલીસ મથકના પી.એસ.આઇ. જી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા મોત સે દોસ્તી નામના ગ્રુપના 14ની ધરપકડ કરી કડક કાર્યવાહી કરી છે. વાહનની હરિફાઇ માટે લાવવામાં આવેલા રુા.6.42 લાખના કાર, રિક્ષા, બુલેટ સહિત નવ વાહન કબ્જે કર્યા છે.

વાહન રેસનો જુગાર રમતા ઝડપાયેલા 14 શખ્સો

રાજકોટથી પડધરી સુધીની વાહન રેસ કરતા તરઘડી પાસેથી ઝડપાયેલા રાજકોટના વિશાલ કેશુ વાઘેલા, મહેન્દ્ર કેશુ કલાડીયા, રોહિત મના સોલંકી, કૌશિક કાલુ કુવરીયા, રાજુ રઘુ અલગોતર, ગૌતમ પ્રવિણ મકવાણા, વસીમ શબ્બીર કાદરી, યોગેશ કાનજી ચૌહાણ, સોહિલ અરુણ પરમાર, ધર્મેશ મનસુખ રાઠોડ, પ્રભાત હરી વાળા, વિજય નારણ સોલંકી, અજય દિનેશ સવાસડીયા અને પ્રદિપ રસીક મકવાણા નામના શખ્સોની ધરપકડ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.