Abtak Media Google News

દેશમાં  આગામી સોમવારથી  નૈઋત્યના ચોમાસાની  વિડ્રોલની પ્રક્રિયાનો  આરંભ થશે તેવી ઘોષણા  આઈએમડી દ્વારા   કરવામાં આવી છે. સામાન્ય રીતે   ચોમાસાની   વિદાયની પ્રક્રિયાથી 15 થી 20 દિવસ સુધી ચાલતી હોય છે. ગુજરાતમાં સીઝનનો  સરેરાશ 102 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. પરંતુ  સૌરાષ્ટ્ર-કચ્છને બાદ કરતા દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત અને  મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં  એક સામટો વરસાદ વરસી ગયો હોવાના કારણે પાક માટે  વધુ ફાયદા  કારક રહ્યો નથી. મોલાતને હજી એક બે સારા વરસાદની   આવશ્યકતા  રહેલી છે. જુલાઈમાં રાજયમાં  અનરાધાર હેત વરસાવ્યા બાદ  ઓગષ્ટમાં   મેઘાના રૂષણા  રહેવાના કારણે સ્થિતિ   થોડી વણસી જવા પામી હતી.

નૈઋત્યના ચોમાસાની વિડ્રોલ પ્રક્રિયાનો સોમવારથી આરંભ થશે: આઈ.એમ.ડી.ની ઘોષણા

ગુજરાતમાં ભલે આજ સુધીમાં   સીઝનનો  102 ટકા વરસાદ પડી ગયો  હોયપરંતુ હજી  રાજયના પાંચ પૈકી   ત્રણ પ્રાતોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.  હંમેશા કોરાધ્રાકોડ રહેતા કચ્છમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક    162.83 ટકા વરસાદ વરસી ગયો છે.  જયારે સૌરાષ્ટ્રમાં પણ 120.59 ટકા વરસાદ પડી ગયો છષ. જોકે સૌરાષ્ટ્રના 11 જિલ્લા પૈકી રાજકોટ જિલ્લામાં 121 ટકા,  મોરબી જિલ્લામાં  101.28 ટકા, જામનગર જિલ્લામાં 124.41 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  117.15 ટકા, પોરબંદર જિલ્લામાં  110.52 ટકા,  જૂનાગઢ જિલ્લામાં  168.13 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 138.50 ટકા, અમરેલી જિલ્લામાં 98 ટકા,  ભાવનગર જિલ્લામાં 112.80 ટકા, અને બોટાદ જિલ્લામાં 120.59 ટકા વરસાદ પડી ગયો છે.એક માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની ઘટ છે. ઝાલાવાડ પંથકમાં  82.58 ટકા વરસાદ વરસ્યો છે. 18 ટકા જેટલી ભારે ખમ ઘટ પ્રવર્તી રહી છે.

ગુજરાતમાં સિઝનનો 102 ટકા વરસાદ: સૌરાષ્ટ્ર-કચ્છને  બાદ કરતા દક્ષિણ, ઉતર અને મધ્ય ગુજરાતમાં હજી વરસાદની સરેરાશ 4 થી 11 ટકા સુધીની  ઘટ

ત્રણ રાઉન્ડમાં વરસાદ પડયો પરંતુ પાકને જરૂરીયાત વેળાએ  મેઘાના રૂષણા રહેતા એકંદરે ફાયદાકારક નહીં

ઉતર ગુજરાતમાં 95.80 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં  96.41 ટકા અને  દક્ષિણ ગુજરાતમાં  89.40 ટકા વરસાદ પડયો છે. આ ત્રણેય પ્રાંતમાં 4 થી લઈ 11 ટકા સુધી વરસાદની ઘટ જોવા મળી રહી છે.  આગામી બે દિવસ સુધી ભારેથી  અતિભારે  વરસાદની આગાહી આપવામાં આવી છે. જે પ્રાંતમાં હાલ વરસાદની  ઘટ પ્રવર્તી રહી છે તે  ત્રણેય પ્રાંતમાં વરસાદની આગાહી આપવામાં આવી હોય ઘટ  થોડા ઘણા અંશે  ઘટશે તેવું  લાગી રહ્યું છે.

પાણીનું ચિત્ર રાજયભરમાં ખૂબજ ઉજળુ છે.  ત્રણ રાઉન્ડમાં વરસેલા ભારે અને એક સામટા  વરસાદના કારણે ખેડુતોને  ફાયદા કરતા નુકશાની  વધુ જવા પામી છે.  પાછોતરો વરસાદ જો સારો પડશે તો પાકને ફાયદો થવાની પણ આશા છે.

સૌરાષ્ટ્ર સિવાય

રાજ્યમાં આજથી બે દિવસ અતિભારે વરસાદની આગાહી

આવતા સપ્તાહથી નૈઋત્યનું ચોમાસુ વિદાય લેવાનું શરૂ કરશે. તેવી ઘોષણા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ પાકિસ્તાન અને કચ્છને અડીને એક નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે આજથી બે દિવસ રાજ્યમાં સૌરાષ્ટ્ર સિવાયના અન્ય પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 33 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.

દ.પાકિસ્તાન અને કચ્છ પર નવી સિસ્ટમ સક્રિય થતા 10 જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર પાકિસ્તાન અને કચ્છને અડીને એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આજથી બે દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત વડોદરા, દાહોદ, પંચમહાલ, દાહોદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન આગામી 25મી સપ્ટેમ્બરથી મોન્સૂન વિડ્રોલની પ્રક્રિયાનો આરંભ થશે. તેવી ઘોષણા આઇએમડી દ્વારા કરવામાં આવી છે.

આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 33 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. વઘઇમાં સૌથી વધુ 56 મીમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત કપરાડામાં 35 મીમી, ડેડીયાપાડામાં 34 મીમી અને સુરતમાં 17 મીમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 101.86 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં 162.83 ટકા, ઉત્તર ગુજરાતમાં 95.80 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 96.41 ટકા, સૌરાષ્ટ્રમાં 120.59 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 89.40 ટકા વરસાદ પડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.