Abtak Media Google News

હવે 40 ઉમેદવારો મેદાનમાં: વી.પી.વૈષ્ણવની પેનલના હજી 8 ફોર્મ પરત ખેંચાશે: ચૂંટણી થશે તો પણ વર્તમાન હોદેદારોની પેનલને મળશે બહુમતી

અબતક, રાજકોટ

રાજકોટની પ્રતિષ્ઠિત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગામી 26મી ફેબ્રુઆરી યોજાનારી સામાન્ય ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ વી.પી. વૈષ્ણવની પેનલનો વિજય નિશ્ર્ચિત બની ગયો છે. આજે બપોર સુધીમાં કુલ 16 ફોર્મ પાછા ખેંચાઇ ગયા હતા. હવે 40 ઉમેદવારો મેદાનમાં છે. હજી વી.પી.ની પેનલના 8 ફોર્મ ખેંચાઇ જશે. જો 18મી સુધીમાં હરીફો ફોર્મ પરત ન ખેંચે અને ચૂંટણી યોજાય તો પણ વર્તમાન હોદ્ેદારોને સ્પષ્ટ બહુમતી મળશે તે ફાઇનલ થઇ ગયું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 59 ફોર્મ ઉપડ્યા હતા અને જેની સામે 3 ફોર્મ ભરાઇને પરત આવ્યા ન હતા અને કુલ 56 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આજે ફોર્મ પરત ખેંચવાના પ્રથમ દિવસે 16 ફોર્મ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ચૂંટણી સમિતિ દ્વારા હજુ અન્ય ફોર્મની સ્કૂટીની ચાલી રહેલી છે. ચેમ્બરની કુલ 24 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. 24 બેઠકો માટે વી.પી.ની પેનલે 32 ફોર્મ ભર્યા છે.

18મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. આવામાં વી.પી.ની પેનલ આઠ ફોર્મ પરત ખેંચી લેશે.  24 બેઠકો માટે 32 ઉમેદવારો મેદાન રહેશે. વી.પી.ની પેનલને બાદ કરતા છૂટા છવાયા માત્ર 8 ઉમેદવારો જ મેદાનમાં છે.

જો આ આઠેય ઉમેદવારોનો કોઇ ચમત્કાર સર્જાય અને વિજય થાય તો પણ અન્ય 16 બેઠકો પર વી.પી.ની પેનલના ઉમેદવારો વિજેતા બને. આમ તમામ પાસાઓ ચકાસતા ફરી એક વખત ચેમ્બરમાં પૂર્ણ બહુમતી સાથે વી.પી. પ્રમુખ તરીકે સત્તારૂઢ તે ફાઇનલ થઇ ગયું છે.

આગામી 26મી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી માટે સવારથી બપોર સુધી મતદાન યોજાશે. જેમાં 1802 મતદારો 24 સભ્યોને ચૂંટવા માટે મતાધીકારનો ઉપયોગ કરશે.

એક મતદારે કુલ 24 મત આપવાના રહેશે. 27મીએ મત ગણતરી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.