Abtak Media Google News
  • કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર ન ઉતારવાની ન હોય ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાશે

ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે આગામી 27મી ફેબ્રુઆરીના રોજ યોજનારી ચૂંટણી માટે ભાજપ દ્વારા આગામી મંગળવારે અથવા બુધવારે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવે તેવી સંભાવના હાલ દેખાય રહી છે. ઝોન વાઇઝ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મહિલા અને યુવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા અને મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા ઉપરાંત કોંગ્રેસના સાંસદ ડો.અમિબેન યાજ્ઞિક અને નારણભાઇ રાઠવાની રાજ્યસભાના સાંસદની મુદ્ત આગામી 2 એપ્રિલના રોજ પૂર્ણ થઇ રહી છે. આ ચારેય બેઠકો માટે આગામી 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ગઇકાલે જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ ચુક્યો છે. ગુજરાત સહિત દેશના 15 રાજ્યોની રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે. રાજ્યસભા માટે ઉમેદવારોની પસંદગી માટે આગામી રવિવાર અથવા સોમવારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી તમામ રાજ્યો માટે ઉમેદવારો નક્કી કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયા અને પરસોત્તમભાઇ રૂપાલાને હવે લોકસભાની ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતારવાની ભાજપ મોવડી મંડળની વિચારણા છે. આવામાં આ બંને કેન્દ્રીય મંત્રીઓને રાજ્યસભામાં રિપીટ કરવામાં આવે તેવી શક્યતા નહિવત છે. બીજી તરફ વિધાનસભામાં સભ્ય સંખ્યા બળના આધારે કોંગ્રેસને એકપણ બેઠક મળે તેમ નથી. ચારેય બેઠકો ભાજપના ફાળે આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત એમ ચારેય ઝોનમાંથી એક-એક ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા હાલ દેખાય રહી છે. જો એકાદ ઉમેદવાર બહારના રાજ્યમાંથી પસંદ કરવામાં આવશે તો બની શકે કે મધ્ય ગુજરાતમાંથી એકપણ નેતાને રાજ્યસભામાં ન લઇ જવામાં આવે.

લોકસભા અને વિધાનસભામાં ભાજપ સરકારે 33 ટકા મહિલા અનામતની જોગવાઇ કરી છે. આવામાં ચાર બેઠકો પૈકી એક ટિકિટ મહિલાને ફાળવવામાં આવશે. આ ઉપરાંત યૂવા અને શિક્ષીત ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.

ભાજપ દ્વારા આગામી મંગળવાર અથવા બુધવારે રાજ્યસભાની ચારેય બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસ દ્વારા અગાઉ જ એવી જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યસભાની ચૂંટણી માટે તે ઉમેદવાર ઉતારવાની નથી. આવામાં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર થશે.

રાજ્યસભાના આ ચાર સાંસદો થશે નિવૃત્ત

  • ડો.મનસુખભાઇ માંડવિયા
  • પરસોત્તમભાઇ રૂપાલા
  • નારણભાઇ રાઠવા
  • ડો.અમિબેન યાજ્ઞિક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.