Abtak Media Google News

ઇમરજન્સી વોર્ડ અને પીએમએસએસવાય બિલ્ડિંગમાં ટીમ તૈનાત: કંટ્રોલરૂમ શરૂ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બિપોરજોય વાવાઝોડાની દહેશતના પગલે તમામ તંત્રો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં દર્દીઓ માટે કેન્દ્રસ્થાન પર રહેલી પીડિયુ સિવિલ હોસ્પિટલમાં પણ વાવાઝોડા સામે લડી લેવા માટે તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. તે સાથે જ તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી દ્વારા બે નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે.

Advertisement

રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે સુવર્ણ વિકલ્પ છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે મંડરાઇ રહેલા બિપોરજોય વાવાઝોડાની દહેશતને ધ્યાન રાખી કોઈપણ પ્રકારની સારવાર માટે સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ ગયું છે. જેના પગલે આજરોજ સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક દ્વારા ઇમરજન્સી વોર્ડમાં રાઉન્ડ લઈને સર્વે તૈયારીઓની સમીક્ષા કરી હતી.

તે ઉપરાંત તબીબી અધિક્ષક ડો.ત્રિવેદી દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇને બે નોડલ ઓફિસરની નિમણુક કરી છે. જેમાં ડો.કમલ ડોડીયા અને ડો.મહેન્દ્ર ચાવડાની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. તે ઉપરાંત જરૂર પડે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી નવી બિલ્ડીંગ એટલે કે પીએમએસએસવાયમાં પણ જરૂર પડે બેડની સુવિધાઓ ઉભી કરવા માટેની તમામ તૈયારીઓ કરી છે.

તે ઉપરાંત છેલ્લા ઘણા સમયથી પોતાની ફરજ પર હાજર ન રહેતા તબીબોની પણ ઝાટકણી કરી છે. તબીબી અધિક્ષકને તમામ વોર્ડના એચ.ઓ.ડી.સાથે મિટિંગ કરી અને જાત તપાસ કરીને તબીબોને સૂચના પાઠવવામાં આવી હતી. એટલું જ નહિ પરંતુ ફરજ પર હાજર ન મળી આવતા તબીબોને પણ અધિક્ષકે કડક શબ્દોમાં સૂચના આપી હતી. તે ઉપરાંત તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ દાખલ દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી અને સારવાર અંગે પુછા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.